ભારતીય સૈન્યએ પાક.ના ચાર સૈનિકોને ઠાર કર્યાઃ ચોકીઓનો કચ્ચરઘાણ વાળ્યો

સૈન્યએ એલઓસી સરહદે પાક.ની અવળચંડાઈનો જવાબ આપ્યો

જમ્મુ-કાશ્મીરના બડગામમાંથી જૈશ-એ-મોહમ્મદનો આતંકવાદી ઝડપાયોઃ શસ્ત્રો અને વિસ્ફોટક સામગ્રી જપ્ત

પાકિસ્તાની સૈન્યએ મોડી રાત્રે ભારતીય ચોકીઓ અને સરહદી ગામડાઓને નિશાન બનાવીને અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. ભારતીય સૈન્યએ પણ આ ફાયરિંગનો જડબાતોડ જવાબ આપ્યો હતો. ભારતના જવાનોએ પાકિસ્તાનની ચોકીઓનો કચ્ચરઘાણ વાળ્યો હતો. પાક.ના ચાર સૈનિકોને ઠાર કર્યા હતા.
પાકિસ્તાનના નાપાક સૈન્યએ પૂંચ, મનકોટ અને કૃષ્ણાઘાટી સેક્ટરમાં ભારતની ચોકીઓને નિશાન બનાવીને બેફામ ગોળીબાર કર્યો હતો. એ પછી ભારતીય સૈન્યએ પણ જે ચોકીઓ પરથી ગોળીબાર થયો હતો તેના પર ફાયરિંગ કરીને ચોકીઓનો કચ્ચરઘાણ વાળ્યો હતો. એ ફાયરિંગમાં ભારતીય સૈન્યએ પાકિસ્તાનના ચાર સૈનિકોને ઠાર કરી દીધા હોવાનો દાવો સૈન્યના સૂત્રોને ટાંકીને મીડિયા અહેવાલોમાં થયો હતો.
અહેવાલો પ્રમાણે ભારતીય સૈન્યના ફાયરિંગમાં પાક.ના બે જવાનો ઘટના સ્થળે જ માર્યા ગયા હતા. ઘાયલ થયેલા બે જવાનોએ એ પછીથી દમ તોડી દીધો હતો. જોકે, પાકિસ્તાનના સૈન્યએ આ અંગે કોઈ જ સત્તાવાર જાણકારી આપી ન હતી. પાક. સૈન્યએ આતંકવાદીઓને ઘૂસાડવાના નાપાક ઈરાદા સાથે ફાયરિંગ શરૃ કર્યું હતું. ભારતીય સૈન્યએ પાક. સૈન્યના એ નાપાક ષડયંત્રને પાર પાડવા દીધું ન હતું. આખાય વિસ્તારમાં એલર્ટ જારી કરીને આતંકવાદીઓની ઘૂસણખોરી અટકાવી દીધી હતી.
એ દરમિયાન ભારતીય સુરક્ષાદળોએ જૈશ-એ-મોહમ્મદના એક આતંકવાદીને બડગામમાંથી ઝડપી લીધો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે આ આતંકવાદી પાસે શસ્ત્રો અને વિસ્ફોટક સામગ્રીનો જથ્થો હતો. એ જથ્થાને જપ્ત કરીને આતંકવાદીની પૂછપરછ શરૃ કરાઈ હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.