ભરૂચમાં લાખોની લાંચ લેતા પકડાયેલા વકીલના કેસમાં જજ થયા સસ્પેન્ડ…

Bharuch ACB Trap: અત્યાર સુધી આપણે એવો કિસ્સો જોયો હતો કે, કોઈ સરકારી અધિકારીઓ કે કોઈ પદાધિકારીના બદલામાં લાંચ લેવામાં આવતી હોય છે પરંતુ આજે એક એવો કિસ્સો સામે આવ્યો છે જે વાંચીને તમે ખરેખર ચોંકી જશો. કારણકે અદાલતમાં ચાલી રહેલા છેતરપિંડીના કેસમાં નિર્ણય તરફેણમાં અપાવવાના બદલામાં એક વકીલે રૂ.4 લાખની લાંચ માંગી હતી જે ન ચુકવવા ફરિયાદીએ ACBનો (Bharuch ACB Trap) સંપર્ક કર્યો હતો અને તેમણે છટકું ગોઠવી વકીલને લાંચ લેતા ઝડપી લીધા હતા. હવે આ પ્રકરણમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. કારણકે આ કેસને લઈને ગુજરાત હાઇકોર્ટે જેમના માટે લાંચ માંગવામાં આવી હતી તે જજને સસ્પેન્ડ કરી દીધા છે.

શું છે આખી ઘટના ?

મળતી માહિતી મુજબ, ભરૂચ પોલીસે વર્ષ 2022માં એક વ્યક્તિ સામે તેમના મહિલા સંબંધીએ આપેલી ફરિયાદના આધારે છેતરપિંડીનો કેસ નોંધ્યો હતો. છેતરપિંડીના કેસમાં આરોપી બનેલા વ્યક્તિ સામે ચાર્જશીટ થઈ જતાં ભરૂચ એડીશનલ ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ કોર્ટમાં આ અંગેનો ચાલતો હતો. આ કેસમાં ફાઈનલ દલીલો બાકી હતી તે દરમિયાનમાં છેતરપિંડી કેસના આરોપીને તેમના વકીલ સલીમ ઈબ્રાહીમભાઇ મનસુરીએ કોર્ટનો નિર્ણય તમારા વિરૂદ્ધ આવી શકે છે તેવો ડર બતાવ્યો હતો.

જજના નામે 5 લાખ રૂપિયા લાંચ માગી

આ સાથે જ કેસનો નિર્ણય તરફેણમાં લાવી અપાવવા પેટે જજના નામે 5 લાખ રૂપિયા લાંચ માગી હતી. 5 લાખ પૈકી 4 લાખ રૂપિયા ગત 23 ઑગસ્ટના રોજ આપવાના નક્કી થયા હતા. છેતરપિંડી કેસના આરોપી લાંચ આપવા માટે તૈયાર નહીં હોવાથી તેમણે એસીબીના ઉચ્ચ અધિકારીનો સંપર્ક કર્યો હતો. દરમિયાન ભરૂચ જૂની મામલતદાર કચેરીની સામે ગોઠવેલા છટકામાં વકીલ સલીમ મનસુરીને એસીબી પીઆઈ એસ. એન.બારોટ અને તેમની ટીમે રંગેહાથ ઝડપી લીધા હતા.

જજને કરવામાં આવ્યા સસ્પેન્ડ

પુછપરછમાં જાણવા મળ્યું હતું કે, ભરૂચ જિલ્લા કોર્ટમાં ફરજ બજાવતા જજ એમ.બી.ઘાસુરાના નામે વકીલે લાંચ માગી હતી. એસીબી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં પણ તેનો ઉલ્લેખ કરાયો હતો. એડવોકેટ સલીમ મનસુરી પકડાતા મામલો ટૉક ઑફ ધ ટાઉન બન્યો હતો અને કેસ સાથે સંકળાયેલા જજ ઘાસુરા પણ ચર્ચામાં આવ્યા હતા. આ દરમિયાન ઝડપાયેલા મનસુરીને ગભરામણ થતી હોવાની ફરિયાદ કરતા તેમને ભરૂચની હૉસ્પિટલમાં ખસેડાયા હતા.

સલીમ મનસુરીનું બ્લડ પ્રેશર હાઈ થઈ જતા તેમને સ્થાનિક ડૉકટરે વડોદરા સિવિલ હૉસ્પિટલમાં ખસેડવા સૂચન કર્યું હતું. વકીલ સલીમ મનસુરીની તબિયત બીજા દિવસે સ્થિર હોવાની જાણકારી મળતા એસીબી ભરૂચે વિધિવત ધરપકડ કરી તપાસ આરંભી હતી અનેે ખાનગી વકીલે જજ એમ. બી. ઘાસુરાના નામે લાંચ માગવાની હકિકત ગુજરાત હાઇકોર્ટ સમક્ષ આવી હતી. જેને લઈને હાઇકોર્ટે તકેદારીના ભાગરૂપે એમ.બી.ઘાસુરાને સસ્પેન્ડ કરી વેરાવળ હેડ કવાર્ટર બદલી સસ્પેન્ડ કર્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.