ભાવનગર બન્યું ખાડાનગર : શહેરના રોડ રસ્તાથી શહેરીજનો પરેશાન

ભાવનગરને શહેરમાંથી ગામડુ બનતું અટકાવવા સ્થાનિક સંસ્થાઓ, આગેવાનો આગળ આવશે ખરા ?

– માત્ર ચૂંટણી ટાણે ખોળોે પાથરી મત માંગનારા નેતાઓને આજે ખુલ્લી આંખે ભાવનગરની દૂર્દશા દેખાતી નથી

ભ્રષ્ટાચારના અજગરી ભરડા વચ્ચે ભાવનગર આજે ખાડાનગર બનતું જોવા મળી રહ્યું છે. શહેર અને શહેરને જોડતા માર્ગો ખખડધજ બનતા મગરની પીઠ સમાન ભાસી રહ્યાં છે. રોડ-રસ્તાના કારણે પ્રજાજનો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. સ્થાનિક તંત્ર કે પ્રજાના મતે ચૂંટાયેલા નેતાઓને ખુલ્લી આંખે પણ કશું જ દેખાતું નથી ત્યારે ભાવનગરને ગામડું બનતું અટકાવવા સ્થાનિક સંસ્થાઓ કે આગેવાનો આગળ આવશે ખરા ? તેવા સવાલો આજે પ્રજાજનોના જનમાનસ પર ઉપસી રહ્યાં છે.

જાજરમાન ઇતિહાસ ધરાવતું ભાવેણા આજે ભાંગવાની કતારે આવી ઉભુ હોય તેવું ચિત્ર સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. ગુજરાતની ભાગોળે આવેલ ભાવનગરને ભ્રષ્ટાચારેે અજગરી ભરડો લીધો છે. શહેર અને શહેરને જોડતા માર્ગો પર મસમોટા ખાડા અને તુટેલા રોડથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.

આજે એકપણ રોડ વાહન ચલાવવા માટે લાયક રહ્યો નથી. શહેરના મુખ્ય માર્ગો, ખાંચા-ગલ્લી અને સોસાયટીના રસ્તાઓ ભાંગીને ભુક્કો થયા છે. રોડ પરનો ડામર ઉખડી તેનું સ્થાન આજે ખાડાઓએ લીધું છે. છ માસ પૂર્વે બનેલા રસ્તાઓ પણ આજે તુટી ગયા છે જે ભ્રષ્ટાચારની ચાડી ખાઇ રહ્યાં છે. જાહેર માર્ગો પર પડેલા ખાડાના પગલે અનેક અકસ્માતો બની રહ્યાં છે. ચોરે અને ચોટે ભ્રષ્ટાચારનો ભોરીંગ અને ભયંકર ખાડાઓની ચર્ચા થઇ રહી છે. ભાવનગર આજે શહેરમાંથી એક ગામડું બનવા જઇ રહ્યું છે.

ભાવનગરના ઉદ્યોગોની સાથે માર્ગો પણ ભાંગ્યા છે. ભાવનગર શહેરને જોડતો અમદાવાદ માર્ગ, સોમનાથ હાઇવે, વાહન ચલાવવાને લાયક રહ્યો નથી. ભાવનગરમાં આવતા અને જતા મુસાફરો પણ ભાવેણાની દૂર્દશા જોઇ રહ્યાં છે પરંતુ ચૂંટણી ટાણે ખોળો પાથરી મત માંગવા આવનારા નેતાઓને આજે ખુલ્લી આંખે પણ દૂર્દશા દેખાતી નથી.

વરસાદના આગમન સાથે જ રોડ તુટવાની થયેલી શરૂઆત બાદ આજે શહેર ખાડાનગરી બની ગયું છે. ભાવનગરના રોડ-રસ્તાના પ્રશ્ને અને પ્રજાજનોની વહારે સ્થાનિક સંસ્થાઓ કે આગેવાનો આગળ આવશે ખરા ? આજે સોશિયલ મીડિયામાં પણ ભાવનગરના ખાડાઓ છવાયેલા રહે છે. ટીકા-ટીપ્પણીઓ થતી જોવા મળી રહી છે. પરંતુ તંત્રનું પેટનું પાણી પણ હલતું નથી.

ભાવનગર-અમદાવાદ હાઇવે માર્ગ પરના ફેદરા નજીક પાણી ફરી વળતા માર્ગ બંધ કરાયો છે. નારી ચોકડીથી ધોલેરા સુધીનો માર્ગ મગરની પીઠ જેવો થતા વાહન ચાલકોએ સર્પાકાર સ્વરૂપે વાહનો ચલાવવાની નોબત આવી ગઇ છે. જ્યારે ભાવનગરથી વલભીપુર માર્ગ પર છાશવારે પાણી ફરી વળતા માર્ગ બંધ કરી દેવામાં આવતો જોવા મળે છે તેવી જ સ્થિતિ આજે અનરાધાર વરસાદના કારણે ભાલ પંથકની થઇ છે.

વેળાવદર ભાલના ગ્રામ્ય પંથકના તમામ માર્ગો ધોવાઇ ચુક્યા છે. રોડ પર પાણી ફરી વળ્યા છે અને ગામો બેટ બન્યા છે. થોડા સમય પહેલા જ રસ્તા પરથી પસાર થતા પિતા-પુત્ર તણાઇ જતા મોતને ભેટયા હતાં. શહેર અને જિલ્લામાં રોેડ-રસ્તાના કારણે બનતી અકસ્માતોની ઘટના દિનપ્રતિદિન સામે આવી રહી છે. શહેરીજનો શહેરના માર્ગોથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે પરંતુ પ્રજાના મતથી ચૂંટાયેલા નેતાઓ કે સ્થાનિક પ્રશાસનને આજે કશું દેખાતું નથી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.