– વરસાદી માહોલ વચ્ચે તાપમાનનો પારો સીધો 3.4 ડિગ્રી ઉંચકાયો
– જેસરમાં અડધો ઈંચ, તળાજામાં 07 મિ.મી. પાણી વરસ્યું, ભાવનગરમાં સિઝનનો વરસાદ 1000 મિ.મી.ને પાર
ભાવનગર જિલ્લામાં ચોમાસાની વિદાય વેળાએ પણ જાણે અષાઢી માહોલ છવાયો હોય તેમ સતત વરસાદ વરસી રહ્યો છે. ભાવનગરમાં આજે બપોર સુધી વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ ભરબપોરના સમયે એકાએક ધોધમાર વરસાદ શરૂ થતાં માત્ર અડધા કલાકમાં જ દોઢ ઈંચથી વધુ વરસાદ વરસી ગયો હતો. આજના વરસાદની સાથે ભાવનગરમાં સિઝનના વરસાદનો આંકડો ૧૦૦૦ મિ.મી.ને પાર પહોંચી ગયો છે. ભાવનગર ઉપરાંત જેસર અને તળાજામાં પણ અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો.
શહેરમાં બે દિવસ વીજળીના બિહામણાં કડાકા સાથે આવી ચડતી મેઘસવારીએ ગત રાત્રિના વિરામ રાખ્યો હતો. જો કે, દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. ત્યારબાદ બપોરે સવા ત્રણ બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને મુશળધાર વરસાદ વરસવાનું શરૂ થતાં અડધી કલાકમાં જ દોઢ ઈંચ પાણી ખાબકી ગયું હતું. ત્યારબાદ ઝરમર છાંટા વરસતા બપોરે બે થી સાંજના છ વાગ્યા સુધીમાં શહેરમાં કુલ ૩૮ મિ.મી. વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત જેસરમાં ૧૫ મિ.મી. અને તળાજામાં ૦૭ મિ.મી. વરસાદ વરસ્યો હતો.
ભાવનગરમાં દોઢ ઈંચ વરસાદ વચ્ચે પણ પાછલા ૨૪ કલાકમાં જ મહત્તમ તાપમાન ૩.૪ ડિગ્રી તેમજ લઘુતમ તાપમાન ૨.૩ ડિગ્રી ઉંચકાયું હતું. વધુમાં ૩૮ મિ.મી. સાથે ભાવનગરનો ઓણ સાલ ચોમાસાની સિઝનમાં વરસાદનો આંકડો ૧૦૦૧ મિ.મી.એ પહોંચી ગયો
મહુવાના માલણ અને રોજકી ડેમ વિસ્તારમાં આજે ગુરૂવારે અઢી ઈંચ વરસાદ વરસ્યો હતો. માલણમાં ૬૦ અને રોજકીમાં ૬૫ મિ.મી. પાણી પડયાનું સત્તાવાર નોંધાયું છે. આ બન્ને ડેમના હેઠવાસના ગામોને હજુ ગઈકાલે જ એલર્ટ જારી કરાયું છે. તેવામાં ડેમ વિસ્તારમાં વરસાદે ચિંતા વધારી છે. વધુમાં ખારો ડેમમાં ૨૦, લાખણકામાં ૩૫ અને બગડ ડેમમાં ૧૦ મિ.મી. વરસાદ વરસ્યો હતો.
જ્યારે શેત્રુંજી ડેમમાં પાણીની આવક ઘટતા આજે ૧૨ દરવાજા બંધ કરી આઠ દરવાજામાંથી ૮૦૦ ક્યુસેક પાણી છોડવાનું શરૂ રખાયું હતું. તો માલણ ડેમમાંથી ૧૮૬૩ ક્યુરેક પાણીની આવક-જાવક, બગડ ડેમમાં ૨૩૫૬, રોજકીમાં ૨૯૫૬, પીંગળી ડેમમાં ૮૯ ક્યુસેક પાણીની આવક-જાવક રહી છે. જ્યારે લાખણકા ડેમમાં ૫૫ ક્યુસેક, હમીરપરા ડેમમાં ૧૩૭ ક્યુસેક પાણીની આવક સામે ૮૩૯ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. તો જસપરા માંડવામાં ૪૫ ક્યુસેક પાણીની નજીવી આવક શરૂ રહેતા ડેમ ૭૦ ટકા ભરાયો છે.
માલણ અને રોજકી ડેમ ઓવરફ્લો થતાં હેઠવાસના ગામોને મુશ્કેલી
મહુવા પંથકના ૧૦ ગામમાં એલર્ટ, લોકોને સલામત સ્થળે જવા તાકીદ
નદી-નાળા, કોઝ-વે ઉપરથી પસાર ન થવા તંત્રએ એલર્ટ જારી કર્યું
મહુવાના માલણ નદી પર આવેલ માલણ સિંચાઈ યોજનામાં માલણ ડેમ પાંચ ઈંચ ઓવરફ્લો થયો છે. જેના કારણે ડેમના ઓટોમેટીક દરવાજા કોઈપણ સમયે ખુલી શકે તેમ છે. આ ઉપરાંત રોજકી નદી પર આવેલો રોજકી ડે ૨૦ સેન્ટીમીટર ઓવરફ્લો થયો છે. જેથી નદી-નાળા, કોઝ-વે ઉપર પાણી ભરાયું હોય, અકસ્માતની સંભાવના વધી ગઈ છે. ત્યારે માલણ અને રોજકી ડેમના હેઠવાસના મોટા ખુંટવડા, ગોરસ, સાંગણિયા, લખુપરા, કુંભણ, નાના જાદરા, તાવેડા, ઉમણિયાવદર, મહુવા, થોરાળા અને કતપર સહિતના ગામોને એલર્ટ જારી કરાયું છે. આ ગામોના લોકોને સલામત સ્થળે ખસી જવા તેમજ નદીના પટ કે કાંઠા વિસ્તારમાં અવર-જવર ન કરવા નઅને નદી-નાળા, કોઝ-વે ઉપર પાણી હોય, પસાર ન થવા માટે મહુવા માલતદારે તાકીદ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.