ભાવનગરમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં રૂ. 3 થી 4નો વધારો

– અચ્છેદિનની વાતો કરતી ભાજપ સરકારના રાજમાં એક માસમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા

– પેટ્રોલના લીટરના ભાવ રૂ. 82.61 અને ડીઝલના રૂ. 81.04 ની ઉચ્ચ સપાટીએ પહોંચતા લોકોમાં ગુસ્સો

અચ્છેદિનની વાતો કરતી ભાજપ સરકારના રાજમાં એક માસમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચી ગયા છે તેથી ભાવનગરના લોકો કચવાટ કરતા નજરે પડી રહ્યા છે. એકબાજુ કોરોનાની મહામારી ચાલી રહી છે અને બીજીબાજુ પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે તેથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. વાહન ચાલકોના બજેટ ખોરવાય ગયા છે અને લોકો પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનો રોષ ઠાલવી રહ્યા છે. ભાવનગર સહિત દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારો લોકોને દઝાડી રહ્યો છે. છેલ્લા એક માસમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં આશરે રૂ. ૩ થી ૪નો ભાવ વધારો થયો હોવાનુ જણાય રહ્યુ છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના પગલે અન્ય ચીજવસ્તુઓ પણ મોંઘી થવાની શકયતા છે તેથી લોકો પરેશાન જોવા મળી રહ્યા છે.

ભાવનગરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ લાંબા સમયથી ઉચ્ચસપાટીએ છે પરંતુ છેલ્લા એક માસથી પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી વધી રહ્યા છે તેથી લોકોની મૂશ્કેલી વધી છે.

ઈન્ટરનેશનલ કક્ષાએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં આશરે એક માસથી થોડો થોડો વધારો થઈ રહ્યો છે. ભાવનગરમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં એક માસમાં આશરે રૂ. ૩ થી ૪નો વધારો થયો હોવાનુ જાણવા મળેલ છે, જેમાં આજે બુધવારે ભાવનગરમાં પેટ્રોલના લીટરના ભાવ રૂ. ૮ર.૬૧ અને ડીઝલના લીટરના ભાવ રૂ. ૮૧.૦૪ની ઉચ્ચસપાટીએ પહોંચી ગયા છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધુ જ હતા તેથી લોકો ભાવ ઘટવાની રાહ જોઈ રહ્યા હતા પરંતુ હાલ ઈન્ટરનેશનલ કક્ષાએ ભાવ વધતા પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા છે તેથી વાહન ચાલકો મુંઝવણમાં મુકાય ગયા છે.

પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા લોકોના બજેટ ખોરવાય ગયા છે અને લોકો કચવાટ કરતા નજરે પડી રહ્યા છે. ભાજપ દ્વારા ચૂંટણી સમયે અચ્છે દિનની વાતો કરવામાં આવતી હતી પરંતુ પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચી જતા લોકોના બુરી દિન શરૂ થયા હોય તેમ જણાય રહ્યુ છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના કારણે અન્ય જીવન જરૂરી ચીજવસ્તુ પણ મોંઘી થવાની શકયતા છે તેથી હજુ લોકોની મૂશ્કેલી વધશે તેમ જાણકારો જણાવી રહ્યા છે. હાલ મોંઘવારીના કારણે એક સાંધો ત્યાં તેર તૂટે જેવી લોકોની હાલત છે ત્યારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં સરકારે લોકોને રાહત આપવી જરૂરી બની રહે છે. પેટ્રોલ-ડીઝલમાં આટલી ઉચ્ચ સપાટીએ કદાચ પહેલીવાર પહોંચ્યા હોેવાનુ સાંભળવા મળી રહ્યુ છે ત્યારે સરકારે લોકહિતમાં ભાવ ઘટાડો કરવો જરૂરી છે.

કોરોના મહામારી વચ્ચે વાહન ચાલકોના બજેટ ખોરવાયા : પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા લોકોમાં ભભૂકતો રોષ

પેટ્રોલ-ડીઝલના ભાવ સરખા થવા આવ્યા 

ભાવનગર શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ હાલ આસમાને પહોંચી ગયા છે તેથી લોકો પરેશાન છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ વચ્ચે પણ ખાસ તફાવત જોવા મળતો નથી. પેટ્રોલ અને ડીઝલના ભાવ વચ્ચે માત્ર રૂ. ૧.પ૭નો જ ફેર છે. પેટ્રોલ-ડીઝલના ભાવ સરખા જેવા થઈ ગયા છે તેથી લોકો પરેશાન થઈ ગયા છે. કેટલાક વર્ષોથી પૂર્વે પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો તફાવત જોવા મળતો હતો તેથી લોકો ડીઝલવાળી ગાડી લેતા હતા પરંતુ હાલ ડીઝલના ભાવ પણ ભડકે બળી રહ્યા છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા વાહન ચાલકોના ખીસ્સા ખાલી થઈ રહ્યા છે ત્યારે સરકારે મોટી મોટી વાતો કરવાના બદલે પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડી લોકહિતમાં પગલા લેવા જરૂરી છે.

ધંધામાં મંદી અને પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો 

કોરોના મહામારી બાદ મંદી અને મોંઘવારીમાં વધારો થયો છે તેથી લોકોની મૂશ્કેલી વધી છે ત્યારે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાએ લોકોની મૂશ્કેલીમાં વધુ વધારો કર્યો છે તેથી લોકો સરકાર સામે રોષ વ્યકત કરતા નજરે પડી રહ્યા છે. મંદી અને મોંઘવારીમાં લોકો ઘરનુ ગુજરાન માંડ માંડ ચલાવે છે ત્યારે પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા હજુ મોંઘવારી વધશે તેમ જણાય રહ્યુ છે. જીવન જરૂરી ચીજવસ્તુના ભાવ સતત વધી રહ્યા છે તેથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. પેટ્રોલ-ડીઝલ હાલ જીવન જરૂરી થઈ ગયા છે અને તેના વગર વાહન ચાલકોને ચાલે તેમ નથી ત્યારે ભાવવધારાથી લોકોમાં દેકારો મચી ગયો છે. પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટે તો લોકોને રાહત થાય તેમ છે પરંતુ હાલ ભાવ ઘટે તેવુ દેખાતુ નથી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.