વડોદરા એસટી ડિવિઝનના મકરપુરા ડેપો ખાતે ફરજ બજાવતા રશ્મિકાંત રાઠવા દ્વારા મુસાફર પાસના પૈસા એસટી વિભાગમાં જમા કરાવવાની બદલે પોતે લઈ લેતા હોવાનું અને એચડી સ્ટેશનરી પર કોમ્પ્યુટરમાં છેડછાડ કરી અને બોગસ પાસ ઇસ્યુ કરતા હોવાનું બહાર આવતા એચડી વિભાગમાં હડકંપ મચ્યો છે.
પ્રાથમિક તબક્કે રશ્મિકાંત મહિને 10થી 15 હજાર રૂપિયા જમા નહીં કરાવી બોગસ પાસ કાઢ્યા હોવાનું સ્વીકાર્યું હતું અને બે મહિનાથી કૌભાંડ આચરતો હોવાનું પણ સ્વીકાર્યું હતું. બે મહિનાથી 10 હજાર રૂપિયા લેખે 21 હજાર જમા કરાયા હોવાનું સિક્યુરિટી વિભાગ દ્વારા જણાવાયું હતું. આ સમગ્ર પ્રકરણમાં કોઈ પોલીસ ફરિયાદ હજુ સુધી કરવામાં આવી નથી.
વડોદરા એસટી વિભાગના જણાવ્યા મુજબ રોજના 32 પાસ મકરપુરાથી નીકળે છે, જેની આવક રોજ 32 હજાર જેટલી થાય છે. અને કૌભાંડી ક્લાર્કની ફરજ દરમિયાન રોજના અંદાજે 20 પાસ નીકળતા હતા, જેની આવક 20300 જેટલી રોજ નોંધાતી હતી. એક સપ્તાહથી રોજના અંદાજે 10 હજાર ઉપરાંતની આવક વધી છે.
હાલના તબક્કે ખાતાકીય તપાસ ચાલી રહી છે. કૌભાંડ એક વ્યક્તિથી થાય તેવું માનવું પણ યોગ્ય નથી. અમદાવાદથી સોફ્ટવેર બનાવનાર કંપનીના કર્મચારીઓને ડેટા એનાલિસિસ કરવા તેમજ પરત આવેલા કાઉન્ટર પાસનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. અને ખાતાકીય તપાસ પૂર્ણ થતાં પોલીસ ફરિયાદ કરવી કે નહિ તે અંગે નિર્ણય લેવાશે
એસટી વિભાગ દ્વારા એસટીના નિયમ મુજબ દર મહિને ઓડિટ કરવામાં આવતું હોત તો આ કૌભાંડ ના થયું હોત. છેલ્લા કેટલાય સમયથી એસટીમાં રેગ્યુલર ઓડિટ થતું નથી. – આર.પી.પુવાર, ડિવિઝનલ સિક્યુરિટી અધિકારી
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.