જે લોકો ખોટું બોલે છે અને એમ કહે છે કે ચીની ભારતમાં નથી ઘૂસ્યા તે દેશભક્ત નથી તેવો રાહુલનો દાવો
ચીન સાથેના સરહદ વિવાદની શરૂઆત સાથે જ કોંગ્રેસી નેતા રાહુલ ગાંધી સતત આ મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરી રહ્યા છે. રાહુલ ગાંધીએ આજે એટલે કે સોમવારે ફરી એક વખત પોતાની વીડિયો સીરિઝનો આગળનો ભાગ શેર કરીને સરકારને ઘેરી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ ચીનની ઘૂસપેઠ અંગે ખોટું નહીં બોલે, પછી ભલે તેમનું રાજકીય જીવન ખતમ જ ન થઈ જાય.
આ સાથે જ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ચીની સૈનિકોની ભારતીય સરહદમાં ઘૂસણખોરીને નકારનારા અને તે વિષય અંગે ખોટું બોલનારા દેશભક્ત નથી. એક વીડિયોના માધ્યમથી રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘એક ભારતીય હોવાના નાતે મારી પહેલી પ્રાથમિકતા દેશ અને તેની જનતા છે. તે લોકો અંગે તમારો શું વિચાર છે જે એમ કહે છે કે તમારા ચીન મુદ્દે વડાપ્રધાનને સવાલો ભારતને નબળું પાડી રહ્યા છે? આ એકદમ સ્પષ્ટ છે કે ચીની આપણા ક્ષેત્રમાં ઘૂસી આવ્યા છે. આ વાત મને હેરાન કરે છે. તેનાથી મારૂં લોહી ઉકળવા લાગે છે કે કઈ રીતે એક બીજો દેશ આપણા વિસ્તારમાં ઘૂસી આવ્યો?’
કોંગ્રેસી નેતાએ કહ્યું કે, હવે તમે એક રાજકારણી તરીકે એવું ઈચ્છો છો કે હું ચૂપ રહું અને મારા લોકો સાથે ખોટું બોલું તો એમ નહીં બને. મેં ઉપગ્રહની તસવીરો જોઈ છે. મેં પૂર્વ સૈન્ય કર્મચારીઓ સાથે વાતચીત કરી છે. જો તમે ઈચ્છો છો કે હું ખોટું બોલું કે ચીની આ દેશમાં નથી ઘૂસ્યા તો હું ખોટું નથી બોલવાનો. આ સ્પષ્ટ કરી દઉં છું કે હું એવું નથી કરવાનો. પછી ભલે મારૂં આખું ભવિષ્ય ડૂબી જાય પરંતુ હું ખોટું નથી બોલી શકતો.
છેલ્લા અનેક સપ્તાહથી ચીનની ઘૂસણખોરીના મુદ્દાને ઉછાળી રહેલા રાહુલ ગાંધીએ કરેલા દાવા પ્રમાણે ‘મારૂં માનવું છે કે તે લોકો જે ચીનીઓ આપણા દેશમાં ઘૂસી આવ્યા તે અંગે ખોટું બોલી રહ્યા છે તે રાષ્ટ્રવાદી નથી. મારા વિચાર પ્રમાણે જે લોકો ખોટું બોલે છે અને એમ કહે છે કે ચીની ભારતમાં નથી ઘૂસ્યા તે દેશભક્ત નથી.’
રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે, એટલે સ્પષ્ટ કરી દઉં કે હું ચિંતા નથી કરતો, ભલે તેની રાજકીય કિંમત પણ ચુકવવી પડે. હું ચિંતા નથી કરતો, પછી ભલે મારૂં રાજકીય જીવન સંપૂર્ણપણે પૂરૂ થઈ જાય
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.