ભારત અને ચીન વચ્ચે વ્યાપેલા તણાવને લઈ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે શાબ્દિક પ્રહારો અને વાકયુદ્ધ ચાલી રહ્યું છે. ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ બુધવારે સવારે અનેક ટ્વિટ કરીને કોંગ્રેસ પાર્ટી સામે સવાલો ઉભા કર્યા હતા. ત્યારે હવે ભાજપના પ્રવક્તા સામ્બિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ફરી એક વખત સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પર સવાલોનો મારો ચલાવ્યો છે. ભાજપે લગાવેલા આરોપ પ્રમાણે કોંગ્રેસ સરકારોએ ભારતની જમીનનો ઘણો મોટો હિસ્સો પાકિસ્તાન અને ચીનને હડપવા દીધેલો.
સામ્બિત પાત્રાએ જણાવ્યું કે, કોંગ્રેસ પાર્ટીએ સત્તામાં રહીને ઐતિહાસિક ભૂલો કરી છે અને એક પરિવારની ભૂલોને આખો દેશ ભોગવી રહ્યો છે. તેમણે સંસદમાં ચીન મુદ્દે કોંગ્રેસેનું વલણ નરમ કેમ છે તેવું પુછવામાં આવેલું તે સવાલને પણ દોહરાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, સંસદમાં અનેક વખત ચીન અને પાકિસ્તાનને લઈ સવાલો કરાયા છે. આ સવાલ 2012માં પુછવામાં આવેલો અને ત્યારે કોંગ્રેસની સરકારે ચીન-પાકિસ્તાને ભારતની 78,000 સ્ક્વેર કિમી જમીન હડપી લીધી છે તેવો જવાબ આપ્યો હતો. જમ્મુ કાશ્મીરમાં ચીને પણ ભારતની અનેક હજાર કિમી જમીન પર કબજો જમાવેલો છે.
ભાજપના નેતાએ જણાવ્યું કે, ચીને પહેલા પણ ભારતની જમીન હડપી લીધેલી અને તે સિવાય પાકિસ્તાને PoKની જમીન ચીનને સોંપી દીધેલી. વધુમાં કોંગ્રેસ પાર્ટીના મા-દીકરાએ દેશમાં ભ્રમ ફેલાવેલો છે તેવો આરોપ પણ મુક્યો હતો. સામ્બિત પાત્રાના કહેવા પ્રમાણે હિંદુસ્તાનના બે રાજ્ય જેટલી જમીન પાકિસ્તાન અને ચીને હડપી લીધી છે ત્યારે સવાલ એ છે કે, કોંગ્રેસ સરકારે તે જમીન કેમ આપી? સાથે જ તેમણે 1962ના યુદ્ધ વખતે જવાનોને યોગ્ય સમયે ચેતવવામાં નહોતા આવ્યા તેવો આરોપ પણ મુક્યો હતો.
ઉલ્લેખનીય છે કે બુધવારે જેપી નડ્ડાએ અનેક ટ્વિટ કરી હતી. તેમણે લખ્યું હતું કે ચીન સાથેના વિવાદ મુદ્દે સંપૂર્ણ વિપક્ષ અને દેશ સરકારની સાથે છે પરંતુ માત્ર એક પરિવારને વાંધો અનુભવાઈ રહ્યો છે. સાથે જ તેમણે કોંગ્રેસ પાર્ટી એક પરિવારને જ દેશ માનવા લાગી છે તેવો કટાક્ષ પણ કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.