ભ્રષ્ટ નેતા કોરોના, વુહાનની જેમ દિલ્હીથી ફેલાઈ રહ્યો છે વાયરસઃ રાજસ્થાન સંકટ મામલે સિબ્બલ

બંધારણની દસમી સૂચીમાં સંશોધન વડે વાયરસ વિરૂદ્ધ રોગપ્રતિકારક શક્તિ વિકસિત કરી શકાશે તેમ સૂચન કર્યું

 

રાજસ્થાનમાં વ્યાપેલા રાજકીય સંકટને લઈ કોંગ્રેસના અન્ય નેતાઓ પણ ઉગ્ર બની રહ્યા છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે પ્રદેશની વર્તમાન સ્થિતિને કોરોના સાથે જોડીને વેક્સિન તૈયાર કરવાની વાત કરી હતી. ટૂંકમાં કપિલ સિબ્બલે પક્ષપલટો કરનારા પર કાર્યવાહી કરવા બંધારણમાં સંશોધન કરીને આકરો કાયદો ઘડવાની માંગ કરી છે.

કપિલ સિબ્બલે ટ્વિટમાં લખ્યું હતું કે, ‘વેક્સિનની જરૂર છે. ભ્રષ્ટાચારરૂપી વાયરસનો અર્થ છે એક ચૂંટાયેલી સરકારને પાડવાનો પ્રયત્ન કરવો અને તે ફેલાય છે દિલ્હીમાં ‘વુહાન જેવી સુવિધા’ આપવાથી. આ વાયરસ વિરૂદ્ધ રોગપ્રતિકારક શક્તિ બંધારણની દસમી સૂચીમાં સંશોધન વડે વિકસિત કરી શકાય તેમ છે.’

સિબ્બલે તમામ પક્ષપલટો કરનારાઓ પર પ્રતિબંધની માંગ સાથે આગળ લખ્યું હતું કે, આ પ્રકારના લોકોને આગલા પાંચ વર્ષ સુધી કોઈ પણ પ્રકારની સાર્વજનિક ઓફિસ જોઈન કરવાની મનાઈ હોવી જોઈએ. આ સાથે જ આગામી ચૂંટણી લડવા પર પણ પ્રતિબંધ મુકાવો જોઈએ.

બંધારણની 10મી અનુસૂચીમાં શું છે?

બંધારણની 10મી અનુસૂચીમાં પક્ષપલટા સંબંધિત જોગવાઈઓનો ઉલ્લેખ છે. તે પક્ષપલટા વિરોધી અધિનિયમ (Anti-defection Act) તરીકે પણ ઓળખાય છે. બંધારણની 10મી અનુસૂચીને 1985માં 52મા સંશોધન અધિનિયમ દ્વારા જોડવામાં આવી હતી. તેમાં ધારાસભ્યો કે સાંસદોને સદનના અન્ય કોઈ સદસ્યની અરજીના આધાર પર વિધાનસભા કે સંસદના પ્રેસિડિંગ અધિકારી દ્વારા પક્ષપલટાના આધાર પર અયોગ્ય ઠેરવવામાં આવે તે પ્રક્રિયાનું વર્ણન છે. આ કાયદો સંસદ અને રાજ્ય વિધાનસભા એમ બંને પર લાગુ થાય છે.

ઉલ્લેખનીય છે કે સમગ્ર વિશ્વમાં કોરોનાના ફેલાવાની શરૂઆત ચીનના વુહાન શહેર ખાતેથી થઈ હતી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર કોરોના વાયરસ માટે ચીનને જવાબદાર ઠેરવી રહ્યા છે. આ સંજોગોમાં કપિલ સિબ્બલે ભ્રષ્ટાચારના વાયરસને ફેલાવા દેવામાં દિલ્હીની ભૂમિકા ચિહ્નિત કરીને દિલ્હીમાં બેઠેલી કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે.

ક્યાંથી ચાલુ થયું રાજકીય સંકટ?

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગત સપ્તાહે એવો આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસ સરકારને અસ્થિર કરવા માટે ધારાસભ્યોના ખરીદ વેચાણનો પ્રયત્ન થઈ રહ્યો છે. આ ઉપરાંત તેમણે ભાજપ રાજકીય રમત રમી રહ્યું હોવાનો અને પોતાની સરકાર પાડવાનો પ્રયત્ન કરી રહ્યું હોવાનો દાવો પણ કર્યો હતો.

આટલું જ નહીં સરકારે રાજસ્થાન પોલીસના વિશેષ કાર્યદળ (એસઓજી)ને તેની તપાસ માટે પણ લગાવી દીધું છે. ત્યાર બાદ એસઓજીએ મુખ્યમંત્રી અશોક ગેહલોત, ઉપ મુખ્યમંત્રી સચિન પાયલટ અને સરકારના મુખ્ય સચેતક મહેશ જોશીને નિવેદન આપવા બોલાવ્યા હતા.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.