રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને વિધાનસભાની ચૂંટણી રદ્દ કરવાના ગુજરાત સરકારના આદેશ પર સુપ્રીમ કોર્ટે સ્ટે મુકતા રાહત મળી છે. 12 મે ના રોજ ગુજરાત હાઇકોર્ટે મહત્વનો ચુકાદો આપતા 2017ની ધોળકા બેઠકની ચૂંટણી રદ્દ કરી દીધી છે અને અશ્વિન રાઠોડની તરફેણમાં ચુકાદો આપ્યો હતો
સુપીમ કોર્ટના ચુકાદા પર ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની પ્રતિક્રિયા
ગુજરાતના કાયદા અને શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની 2017ની વિધાનસભા ચૂંટણીને 12 મેના રોજ ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ પરેશ ઉપાધ્યાયે રદ કરી છે. હાઇકોર્ટે નોંધ્યું છે કે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ભ્રષ્ટ આચરણ દ્વારા ચૂંટણી અધિકારી ધવલ જાનીની મદદ મેળવી હતી અને જીતવાની સગવડ કરી હતી. ધવલ જાનીએ પણ ભૂપેન્દ્રસિંહને જીવતા માટે ગેરરીતિની હારમાળા કરી હોવાનું કોર્ટે નોંધ્યું છે. ડેપ્યુટી કલેક્ટરે મતગણતરીમાં ગેરરીતિ અને ભ્રષ્ટ આચરણ હાથ ધર્યુ હતું અને તેના કારણે ચૂંટણી પરિણામો પર ઘણી અસર પડી હતી અને ભૂપેન્દ્રસિંહનો વિજય થયો હતો. ચૂંટણી રદ થવાના ચુકાદા અંગે ચૂંટણી પંચ અને વિધાનસભા સ્પીકરને જાણ કરવાનો આદેશ હાઇકોર્ટના રજિસ્ટ્રી વિભાગને આપવામાં આવ્યો છે.
ધોળકા વિધાનસભા બેઠક પરના કોંગ્રેસના પરાજિત ઉમેદવાર અશ્વિન રાઠોડે વર્ષ 2018માં ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ પરેશ ઉપાધ્યાય સમક્ષ ઇલેક્શન પિટિશન કરી આક્ષેપ કર્યો હતો કે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ગેરરીતિથી ચૂંટણી જીતી છે અને તેઓ ચૂંટણી જીતે તે સુનિશ્ચિત કરવા માટે ધોળકાના ડેપ્યુટી કલેક્ટર ધવલ જાનીને ધોળકા બેઠકના ચૂંટણી અધિકારી તરીકે નિમવામાં આવ્યા હતા. તેમની હાર 327 મતની સરસાઇથી થઇ છે અને ધવલ જાનીએ પોસ્ટલ બેલેટ એટલે કે મતપેટીમાં આવેલા 429 મત ગેરકાયદે રદ કર્યા છે. જો આ મત રદ ન થયા હોત તો તેમનો વિજય થયો હોત.
અશ્વિન રાઠોડ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ધવલ જાની સહિતના પક્ષકારો તેમજ પુરાવાઓને રેકોર્ડ પર લઇ આજે હાઇકોર્ટ નોંધ્યું છે કે ચૂંટણી પંચની સ્પષ્ટ માર્ગદર્શિકા અને નિયમ છે કે મતપેટીના મતોની ગણતરી પૂર્ણ થાય ત્યારબાદ જ ઇ.વી.એમ.થી આવેલા મતોની ગણતરી શઇ શકે છે. પરંતુ ધોળકામાં મતગણતરી દરમિયાન મતપેટીના મતોની ગણતરી ચાલી રહી તે દરમિયાન જ ઇ.વી.એમ.ના મતોની ગણતરી શરૂ કરી દેવામાં આવી હતી. ચૂંટણી અધિકારીએ ભૂપેન્દ્રસિંહને ચૂંટણી જીતવાની સગવડ કરી આપવા લીધેલા પગલાંઓ પૈકીનું સૌથી પહેલું પગલું આ હતું. પોસ્ટલ બેલેટમાં આવેલા મતો કરતા જીતનો માર્જિન ઓછો હોય તો તેવા સંજોગોમાં પોસ્ટલ બેલેટની વિસ્તૃત રીકે પુનઃગણતરી કરવામાં આવે, પરંતુ ધવલ જાની દ્વારા પુનઃગણતરી હાથ ધરાઇ નહોતી. ભૂપેન્દ્રસિંહને જીતી શકે તે માટે તેમણે કરેલી સગવડની શ્રૂંખલામાં વધુ એક આ બાબતનો ઉમેરો થાય છે.
ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને તેમના એજન્ટોએ જીતવાની શક્યતા વધારવા માટે ધવલ જાનીની મદદ મેળવી હતી અને તેઓ તેમાં સફળ પણ થયા હતા, જે બાબત ભ્રષ્ટ આચરણ સૂચવે છે. આ ઉપરાંત ભૂપેન્દ્રસિંહ કે ધવલ જાનીએ આ અંગે કોઇ સ્પષ્ટતા પણ આપી નથી, જેથી ભ્રષ્ટ આચરમ અંગેનો કોર્ટનો મત વધુ મજબૂથ થાય છે.
મત ગણતરીમાં મુખ્ય ભ્રષ્ટ આચરણ ક્યાં થયું ?
મતગણતરીના દિવસે તત્કાલિન ચૂંટણી અધિકારી ધવલ જાનીએ કોંગ્રેસ ઉમેદવાર અશ્વિન રાઠોડને હસ્તાક્ષર વગરની ફાઇનલ રિઝલ્ટ શીટ આપી હતી, જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે બેલેટ એટલે કે મતપેટીમાં કુલ 927 મત આવ્યા હતા અને તમામ મતો માન્ય છે. ચૂંટણીના બીજા દિવસે ધવલ જાનીએ અશ્વિન રાઠોડને હસ્તાક્ષરવાળી ફાઇનલ રિઝલ્ટ શીટ આપી હતી, જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે બેલેટમાં કુલ 1356 મત આવ્યા હતા, જે પૈકી 429 મત રદ થયા હતા. જેથી હાઇકોર્ટ સમક્ષ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો કે એક જ ચૂંટણી પરિણામની બે ફાઇનલ રિઝલ્ટ શીટ કેવી રીતે હોઇ શકે. ધોળકામાં મતગણતરી સમયે ધવલ જાની તેમના ઉપરી ચૂંટણી નિરીક્ષક તેમજ રાજસ્થાન કેડરના આઇ.એ.એસ. વિનીતા બોહરા ધોળકાના મતગણતરી કેન્દ્ર પર હાજર હતા. તેથી વિનીતા બોહરાને પણ પક્ષકાર બનાવવામાં આવ્યા હતા અને સુનાવણી દરમિયાન જ હાઇકોર્ટે બન્ને અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવાનો આદેશ આપ્યો હતો. જો કે વિનીતા વિનીતા બહોરાએ હાઇકોર્ટમાં જુબાની આપી છે કે ધવલ જાનીએ બેલેટ પેપરના મતોનું પરિણામ તેમને બતાવ્યું હતું. તેમાં દર્શાવવામાં આવ્યું હતું કે બેલેટમાં આવેલા તમામ 927 મતો માન્ય છે. તેમાં ધવલ જાનીની સહી પણ હતી. આ વિગતો સંતોષજનક હોવાથી મેં સર્ટિફિકિટ આપી દીધું હતું, ચૂંટણી અધિકારીએ રદ થયેલા 429 મતો વિશે તેમને કોઇ જાણ કરી જ નહોતી. આમ તેમના પક્ષે કોઇ ગેરરીતિ કરવામાં આવી નથી. ચૂંટણી કમિશન તેમજ રાજસ્થાન સરકારે વિનીતા બોહરાના જવાબને સંતોષકારક ગણી તેમની સામે કાર્યવાહી કરવાનું ટાળ્યું છે.
હાઇકોર્ટનના ચુકાદાના અંતે ભૂપેન્દ્રસિંહ તરફથી આ આદેશ પર સ્ટે આપવાની માગણી કરવામાં આવી હતી જો કે આ માગણી હાઇકોર્ટે ફગાવી છે. હવે ભૂપેન્દ્રસિંહ તરફથી સુપ્રીમમાં અપીલ કરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
ભૂપેન્દ્રસિંહ અને ધવલ જાની વચ્ચે મેલી સાંઠગાંઠ : હાઇકોર્ટ
હાઇકોર્ટે નોંધ્યું છે કે વિજેતા ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ અને ચૂંટણી અધિકારી ધવલ જાનીની સાંઠગાંઠ અંગે આકરી ટીકા કરતા નોંધ્યું છે કે જ્યારે આ બન્ને પક્ષકારોને પૂછવામાં આવ્યું કે મતપેટીમાં આવેલા મતોની કોર્ટ સમક્ષ પુનઃગણતરી થવી જોઇએ કે નહીં, ત્યારે બનેએ કહ્યું હતું કે કોર્ટ સમક્ષ પુનઃગણતરી ન થવી જોઇએ. ભૂપેન્દ્રસિંહ આવો જવાબ ાપે તે સ્વાભાવિક છે કારણ કે તેઓ વિજેતા ઉમેદવાર છે, પરંતુ ચૂંટણી અધિકારી પણ શા માટે ના કહી રહ્યા છે? આ બાબત દર્શાવે છે કે બન્ને વચ્ચે મેલી અને અશુદ્ધ સાંઠગાંઠ હતી. આ મેલી સાંઠગાંઠ અંતે ચૂંટણી વિજયમાં પરિણમી હતી. મતગણતરી કેન્દ્રમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધિક અંગત સચિવ મહેતાએ અનધિકૃત રીતે પ્રવેશ મેળવ્યો હતો. એડિશનલ કલેક્ટર કક્ષાના આ અધિક અંગત સચિવને મતગણતરી સાથે કોઇ લેવાદેવા ન હોવા છતાં તેઓ અનધિકૃત રીકે મતગણતરી કેન્દ્રમાં આવ્યા હતા અને ધવલ જાનીએ તેમનું સ્વાગત પણ કર્યુ હતું. તેઓ કોઇ જાતની પરવાનગી વિના કાઉન્ટિંગ હોલમાં આંટાફેરા કરતા હતા. સી.સી.ટી.વી. ફૂટેજમાં જોઇ શકાય છે કે તેઓ ધવલ જાનીની બાજુમં ખુરશી રાખી બેઠા હતા. તેમણે અન્ય એક વ્યક્તિ પાસે આઇ.ડી. કાર્ડની દોરી માગી અને દોરી ગળામાં પહેરી તેનો છેડો ખિસ્સામાં સરકાવી દીધો. જેથી જોનારા વ્યક્તિને એમ લાગે કે તમનું આઇ.ડી. કાર્ડ ખિસ્સામાં છે, પરંતુ તેમની પાસે કોઇ આઇ.ડી. કાર્ડ હતું જ નહીં. મતગણતરી કેન્દ્રની અંદર તેઓ આવ-જા કરતા હતા ઉપરાંત તેઓ સતત કોઇને ફોન કરી વાતચીત કરી રહ્યા હતા. અહીં ફોનના ઉપયોગ પર પ્રતિબંધ હોવા છતાં તેઓ ફોનનો ઉપયોગ કરી રહ્યા હતા. મતપેટીના મતોની ગણતરીનો સમય સંવેદનશીલ અને નાજુક હોય છે, આ સમયે કોઇ અનધિકૃત વ્યકિતને પ્રવેશ આપી નિયમોનો ભંગ કરવો એ ભ્રષ્ટ આચરણ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.