ભૂતપૂર્વ કેપ્ટન અને બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલી મળશે ‘શાહ’ને, ભાજપમાં જોડાવાની અટકળો વધી

– ગઇ કાલે પશ્ચિમ બંગાળના ગવર્નરને મળ્યો હતો

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલી ભાજપમાં જોડાય એવી શક્યતા ઊજળી બની હતી. ગઇ કાલે રાજ્યના ગવર્નર જગદીપ ઘનખડ સાથે મુલાકાત કર્યા બાદ આજે સૌરવ પાટનગર નવી દિલ્હી આવીને ગૃહ પ્રધાન અમિત શાહ સાથે બેઠક યોજવાનો હોવાની માહિતી મળી હતી.

2021માં પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી થવાની છે. સૌરવ ગાંગુલીનું રાજ્યમાં ભારે વર્ચસ્વ છે અને એની હાજરીથી ભાજપને લાભ થવાની શક્યતા હોવાનું અનુમાન છે. છેલ્લા થોડા સમયથી ભાજપ સૌરવ ગાંગુલીને પોતાની સાથે જોડવા સતત પ્રયાસો કરી રહ્યો હતો. આરંભે સૌરવે નમ્રતાથી ના પાડી હતી અને કહ્યું હતું કે હું ક્રિકેટની રમતમાં ખુશ છું. મને રાજકારણમાં બહુ રસ નથી. પરંતુ પાછળથી ભાજપના નેતાઓ સ્થાનિક નેતાઓની મદદથી સૌરવને સમજાવી લેવામાં સફળ થયા હતા.

પશ્ચિમ બંગાળના ગવર્નર ધનખડ સાથેની સૌરવની મુલાકાતને ગવર્નર હાઉસે ઔપચારિક મીટીંગ ગણાવી હતી. પરંતુ આજે સોમવારે સૌરવ દિલ્હી આવીને અમિત શાહની સાથે બેઠક યોજે એ સૂચક ઘટના છે. મિડિયા સાથેની વાતચીત દરમિયાન પત્રકારોએ સૌરવને ગવર્નર સાથેની મુલાકાત વિશે પૂછ્યું ત્યારે સૌરવે વળતો સવાલ કર્યો હતો કે શું હું કોઇને મળી ન શકું.

આજે દિલ્હીમાં ફિરોઝશાહ કોટલા ગ્રાઉન્ડમાં સદ્ગત ભાજપી નેતા અને કેન્દ્રીય પ્રધાન અરુણ જેટલીની પ્રતિમાનું અનાવરણ થવાનું છે. આ પ્રસંગે અમિત શાહ હાજર રહેવાના છે. યોગાનુયોગે સૌરવ ગાંગુલી પણ  આ સમારોહમાં હાજરી આપવાનો છે.

ગવર્નર હાઉસની બહાર નીકળ્યા પછી સૌરવે પત્રકારો સાથે વાત કરતાં ફક્ત એટલું કહ્યું હતું કે આ તો એક વિવેકસભર મુલાકાત (કર્ટસી કોલ) હતી. જો કે ગવર્નર ધનખડે પત્રકારોને કહ્યું હતું કે અમે ઘણા મુદ્દાની ચર્ચા કરી હતી.

અત્રે એ યાદ રહે કે છેલ્લા થોડા સમયથી રાજ્યના મુખ્ય પ્રધાન મમતા બેનરજીના ઘણા વિશ્વાસુ સાથીદારોએ તૃણમૂલ કોંગ્રેસ પક્ષ છોડીને ભાજપનો ભગવો સ્વીકાર્યો હતો. જો કે ભાજપનો પ્રયત્ન સૌરવને પોતાની સાથે લેવાનો હતો. સૌરવ ગાંગુલી ભાજપમાં જોડાય તો મમતા બેનરજી માટે જોખમરૂપ સાબિત થઇ શકે છે. એક અફવા એવી પણ હતી કે ભાજપ સૌરવ ગાંગુલીને રાજ્યના મુખ્ય પ્રધાન અથવા ગૃહ પ્રધાન જેવા મહત્ત્વના હોદ્દાની ઑફર કરી શકે છે.

પશ્ચિમ બંગાળના ગવર્નર ધનખડે સૌરવ સાથેની મુલાકાતની તસવીરો સોશ્યલ મિડિયા પર રજૂ કરી હતી અને લખ્યું હતું કે આજે (રવિવારે ) સાંજે સાડા ચાર વાગ્યે બીબીસીઆઇના અધ્યક્ષ અને દેશના ટોચના ક્રિકેટર સૌરવ ગાંગુલી સાથે મુલાકાત થઇ. એમણે મને દેશના સૌથી જૂના અને છેક 1864માં બનેલા ઇડન ગાર્ડન સ્ટેડિયમમાં ફરવાનું આમંત્રણ આપ્યું જે મેં સ્વીકાર્યું હતું. એ ઉપરાંત અમે ઘણા મુદ્દાની ચર્ચા કરી હતી. સૌરવ ગાંગુલીને મળીને મને ઘણો આનંદ થયો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.