બિડેન આવતાં યુએસ સાથે ‘શિત યુદ્ધ’ ખતમ થશે, પણ દુશ્મની તો રહેશે : ચીન

– વિશ્વના નેતાઓએ બિડેનને આવકાર્યા, ચીને ઝેર ઓક્યું

– બિડેનને શુભેચ્છા, આજના પડકારોનો સામનો કરવા ઘણું કામ કરવાનું છે, ચાલો સાથે મળીને કામ કરીએ : ફ્રાન્સના પ્રમુખ

ક્લાઈમેટ ચેન્જથી લઈને વેપાર અને સલામતી સુધી ‘સહિયારા’ મૂલ્યો અને અગ્રતાઓ પર ભાર મૂકતાં વિશ્વના નેતાઓએ અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ જો બિડેન અને ઉપપ્રમુખ કમલા હેરિસને વિજય બદલ અભિનંદન આપ્યા હતા.

વિશ્વના નેતાઓએ વિશ્વના અનેક ગંભીર પડકારો સામે લડવા અમેરિકા સાથે ખભેખભો મિલાવીને કામ કરવા તરફ નજર દોડાવી છે. જોકે, ચીન અને રશિયાએ સત્તાવાર રીતે કોઈ પ્રતિક્રિયા આપી નથી, પરંતુ ચીનના નિરિક્ષકોએ ઝેર ઓકતાં કહ્યું હતું કે, બિડેન આવતાં ચીન અને અમેરિકા વચ્ચેનું શિત યુદ્ધ ખતમ થઈ શકશે, પરંતુ દુશ્મનાવટ ચાલુ રહેશે.

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ અમેરિકા સાથે ગાઢ સંબંધો પર ભાર મૂકતાં કહ્યું હતું કે, કેનેડા અને અમેરિકાના સંબંધો અસાધારણ છે. આપણી સહિયારી ભૌગોલિક સિૃથતિ, સમાન હિતો, ગાઢ અંગત સંબંધો અને મજબૂત આિર્થક સંબંધો આપણને ગાઢ મિત્રો, ભાગીદાર અને સાથી બનાવે છે. ઈંગ્લેન્ડના વડાપ્રધાન બોરિસ જ્હોન્સને બિડેન અને કમલા હેરિસને તેમના ‘ઐતિહાસિક વિજય’ માટે અભિનંદન આપ્યા હતા. તેમણે ભારપૂર્વક કહ્યું કે અમેરિકા ઈંગ્લેન્ડનું સૌથી મહત્વનું સાથી છે.

ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન સ્કોટ મોરિસને કહ્યું કે, બિડેન સાથે શ્રેષ્ઠ સંબંધો બાંધવા તરફ તેમની નજર છે. માત્ર અમેરિકા માટે જ નહીં, પરંતુ અમારી ભાગીદારી અને વૈશ્વિક સ્તરે આ ખૂબ જ મહત્વનો સમય છે. ફ્રેન્ચ પ્રમુખ ઈમેન્યુઅલ મૈક્રોંએ ટ્વીટ કરી કે, ‘આજના પડકારોનો સામનો કરવા માટે આપણે ઘણું કામ કરવાનું છે. ચાલો સાથે મળીને કામ કરીએ.’

જાપાનના વડાપ્રધાન યોશિહિડે સુગાએ કહ્યું કે, જાપાન-અમેરિકાના સંબંધોને વધુ મજબૂત બનાવવા બિડેન-હેરિસ સાથે કામ કરવા તરફ તેમની નજર છે. તેમને ખાતરી છે કે તેઓ ઈન્ડો-પેસિફિક રિજનમાં શાંતિ, સ્વતંત્રતા અને સમૃદ્ધિ માટે કામ કરશે.

ઈરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ કહ્યું કે, અમેરિકાની આગામી સરકાર માટે જૂની ભૂલોને સુધારવાનો સમય છે. અમેરિકન સરકાર તેની જૂની ભૂલોમાંથી બોધ લઈને તેની આંતરરાષ્ટ્રીય જવાબદારીઓ પૂરી કરે. અમેરિકન તંત્રની છેલ્લા ત્રણ વર્ષની ખોટી અને નુકસાનકારક નીતિઓની સમગ્ર દુનિયામાં ટીકા કરાઈ હતી.

બિડેને ચૂંટણી પ્રચારમાં કહ્યું હતું કે, ઈરાન મામલે તેઓ કૂટનીતિના વિશ્વસનીય રસ્તે આગળ વધશે. તેમણે 2015ની પરમાણુ સંધી પર પાછા ફરવાની સંભાવના વ્યક્ત કરી હતી. બિડેન અને હેરિસને જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ, ઇરાકના પ્રમુખ બારહમ સાલિહ, યુએઈના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન ઝાયેદ સહિત અનેક નેતાઓએ શુભેચ્છા પાઠવી હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.