બિડેનની મદદથી 370 લાગુ કરાવીશુંઃ કોંગ્રેસી નેતાનું વિવાદાસ્પદ નિવેદન

જમ્મુ-કાશ્મીરના કોંગ્રેસી નેતા જહાઝેબ સિરવાલના નિવેદનથી વિવાદ

જમ્મુ-કાશ્મીરના કોંગ્રેસી નેતા જહાઝેબ સિરવાલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. સિરવાલેએ કહ્યું હતું કે જો બિડેન જીત્યા હોવાથી હવે તે કેન્દ્ર સરકાર પર જમ્મુ-કાશ્મીરમાં ફરીથી ૩૭૦ કલમ લાગુ કરવાનું દબાણ કરશે. કોંગ્રેસી નેતાએ કહ્યું હતું કે બિડેન જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ-૩૭૦ હટાવવાનો વિરોધ કરી ચૂક્યા છે.
જમ્મુ-કાશ્મીરના યુવા કોંગ્રેસી નેતા જહાઝેબ સિરવાલેના એક નિવેદનથી હોબાળો મચ્યો હતો. કોંગ્રેસના આ યુવા નેતાએ જો બિડેનના વિજય માટે શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતુંઃ અમેરિકામાં બિડેનનો વિજય થયો તે બતાવે છે કે એ  વ્યક્તિના વિજય કરતા મુક્ત વિચારધારાનો વિજય થયો છે. જો બિડેનના જૂના નિવેદનો પરથી જણાય છે કે તે કાશ્મીરી લોકોની ચિંતા કરીને ૩૭૦ કલમ લાગુ કરાવવા સરકાર પર દબાણ કરશે.
આ કોંગ્રેસી નેતાએ ઉમેર્યું હતું કે બિડેનના જીતવાથી દુનિયાભરમાં ઈસ્લામફોબિયા ઘટશે. કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાં ગેરબંધારણીય રીતે આર્ટિકલ ૩૭૦ હટાવ્યો હતો, તેમાં બિડેન દબાણ કરશે.
ઉલ્લેખનીય છે કે જો બિડેન અગાઉ જમ્મુ-કાશ્મીર મુદ્દે કેન્દ્ર સરકારની ટીકા કરી ચૂક્યા છે. અમેરિકામાં ચૂંટણી પ્રચાર ચાલતો હતો ત્યારે જો બિડેને કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં જે થયું છે તેના પર નજર છે. જો બિડેને સીએએ મુદ્દે પણ ભારતની ટીકા કરી હતી. જો બિડેને કહ્યું હતું કે ભારતની લોકતંત્રની પરંપરામાં જ્યાં સુધી મને જાણ છે ત્યાં સુધી સાંપ્રદાયિકતાને કોઈ જ સ્થાન નથી. ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે અને દુનિયા તેને એ રીતે ઓળખે છે. ઈલેક્ટેડ વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસે પણ જમ્મુ-કાશ્મીર મુદ્દે માનવ અધિકારોનું પાલન થવું જોઈએ એવી સલાહ સરકારને આપી હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.