હેડ ક્લાર્ક પેપર લીક મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. તેમાં 1 આચાર્ય સહિત 4 શિક્ષકોની પેપરલીકમાં સંડોવણી છે તેમ સૂત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. જેમાં સાબરકાંઠાની 1 શાળાના આચાર્યની સંડોવણીની આશંકા છે. તેમાં આચાર્યએ રૂ.4 લાખમાં ખરીદેલું પેપર રૂ.10 લાખમાં વેચ્યું છે.
ઉલ્લેખનિય છે કે કુલ 10 જેટલા ઉમેદવારોને પેપર વેચ્યું હોવાની ચર્ચા છે. તથા આચાર્ય રાજકીય પીઠબળ ધરાવતો હોવાની માહિતી છે. જેમાં પોલીસે અત્યાર સુધીમાં 16 લોકોની અટકાયત કરી છે. તેમજ હિંમતનગરના ફાર્મમાં 16 ઉમેદવારોને પેપર અપાયાના આક્ષેપ છે. તથા ગૌણ સેવાની છટકબારી સામે આક્ષેપ કરનાર નેતાએ ફરિયાદના પુરાવા આપ્યા છે. તેમજ કૌભાંડ પાછળના મોટા માથાને છાવરવાના ઈરાદે તપાસ થવાની આશંકાની ચર્ચા છે.
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગત રવિવારે લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાના પેપર લીકકાંડનો વિવાદ દિવસે ને દિવસે અતિ ઉગ્ર અને ભરતી સમિતિ સામે અવિશ્વાસ પેદા કરતો બની રહ્યો છે. એક બાજુ ભરતી સમિતિના અધ્યક્ષ એવુ કહી રહ્યાં છે કે, પેપર લીક કાંડની અમને કોઈ ફરિયાદ મળી નથી અને બીજી તરફ આક્ષેપ કરનારાએ રવિવારે બપોરે જ ફરિયાદ કરી હોવાના પુરાવા મીડિયાના માધ્યમોમાં રજૂ કર્યાં છે. મહત્વનું છે કે, સોશિયલ મીડિયામાં પેપરના આન્સરો જ વાયરલ થયા હોવાથી જો આન્સર-કી જાહેર કરવામાં આવે તો તુરંત દુધનું દુધને પાણીનું પાણી સામે આવી જાય. આ આકલનને લઈ ભરતી સમિતિ પર આક્ષેપો થઈ રહ્યાં છે કે, પેપર લીકકાંડની પોલ અને તેની પાછળ સંડોવાયેલા મોટા માથાં ખુલ્લા પડવાના ડરે હજુ સુધી આન્સર-કી જાહેર કરવામાં આવી નથી. આ મુદ્દે ગૌણસેવા પસંદગી મંડળના અધ્યક્ષ આસિત વોરાને પુછતા મીડિયા સમક્ષ મારે જે કહેવુ હતુ તે કહી દીધુ છે તેમ કહી જવાબ આપવાની પણ તસ્દી લીધી નહોતી.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ.10 અને 12ની બોર્ડની પરીક્ષા ઉપરાંત અન્ય જે કઈપણ પરીક્ષાઓ લેવામાં આવે છે તેના પ્રશ્નપત્રો ક્યાં પ્રિન્ટ થાય છે તેની જાણ એક કરતા વધુ વ્યક્તિઓને હોતી નથી. અને મોટાભાગે માત્ર પરીક્ષાના ચેરમેન અને તેમના સચિવને જ જાણ હોય છે. એટલુ જ નહી ગોપનિયાતા જળવાય તેના માટે પ્રિન્ટિંગ પ્રેસમાંજ પેપરના સીલ કવર લાગી જતાં હોય છે. જેથી નિષ્ણાંતો એવુ માને છે કે, પેપર લીકકાંડમાં સૌથી પહેલી તપાસ તો પરીક્ષા લેનાર વિભાગના ચેરમેનની જ થવી જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.