ચારા કૌભાંડ હોય કે પૂર રાહતનાં નાણાં હોય, બિહાર જાતજાતનાં કૌભાંડો માટે પ્રસિદ્ધ છે. હવે એમાં એક નવા કૌભાંડનો ઉમેરો થયો હતો. વાત જાણીને ટોચના ડૉક્ટરો પણ વિસ્મય અનુભવે એવું છે. એક સરકારી રેકર્ડ મુજબ માત્ર 14 મહિનાના સમયગાળામાં એક મહિલાએ આઠ બાળકીને જન્મ આપ્યો હતો. આટલું વાંચીને તમને આશ્ચર્ય થાય તો આગળ વાંચો. આ મહિલા 65 વર્ષની છે.
તબીબી જગતમાં કોઇ પણ સ્ત્રી 18થી 35 વર્ષની વય સુધી અને આઇવીએફ જેવી ફર્ટિલિટિ સારવાર લે તો વધુમાં વધુ પચાસ વર્ષ સુધી બાળકને જન્મ આપી શકે. એક સાથે ત્રણ કે ચાર બાળક આવી ફર્ટિલિટી ટ્રીટમેન્ટથી જન્મી શકે. પરંતુ 65 વર્ષની મહિલા માત્ર 14 મહિનામાં એક સાથે આઠ બાળકીને જન્મ કેવી રીતે આપી શકે ? આ અંગે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે પુત્રી જન્મે તેા બિહાર રાજ્ય સરકાર તરફથી મળતી આર્થિક સહાય લેવાની લાહ્યમાં આ કૌભાંડ રચાયું હતું.
આ કૌભાંડમાં નેશનલ હેલ્થ મિશન સંડોવાયું હોવાની જાણકારી પણ મળી હતી. બિહારના મુઝફ્ફરપુર જિલ્લાના મુશહરી તાલુકાની આ ઘટના છે. નેશનલ હેલ્થ મિશન દ્વારા પુત્રી જન્મને પ્રોત્સાહન આપવા આર્થિક સહાય અપાય છે. એ સહાય મેળવવા આ ગોલમાલ કરાઇ હતી. કમ સે કમ બે વચેટિયાએ કાગળ પર આઠ બાળકી જન્માવીને સારી એેવી રકમ હડપી લીધી હતી. એવી ઘણી ઉંમરલાયક મહિલાઓ બિહારમાં છે જે કોઇ રીતે મા બની શકે એવી સ્થિતિમાં નથી. એવી મહિલાઓ દ્વારા બાળકી જન્મ્યાના બોગસ સર્ટિફિકેટ રજૂ કરીને નેશનલ હેલ્થ મિશન પાસેથી પૈસા મેળવી લેવામાં આવે છે.
મસુહરીના પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રના ઇન્ચાર્જ ઉપેન્દ્ર ચૌધરીએ કરેલી પોલીસ ફરિયાદ દ્વારા આ આખીય વાત બહાર આવી હતી. ત્યાં સુધી નેશનલ હેલ્થ મિશનવાળા 65 વર્ષની આ મહિલા લીલા દેવીને આર્થિક સહાય મોકલતા રહ્યા. કન્યા જન્મ પર દરેક મહિલાને રૂપિયા 1400 ચૂકવાય છે. આ રકમ સંબંધિત મહિલાના બેંક ખાતામાં સીધી જમા થાય છે. લીલાદેવીના બેંક એકાઉન્ટમાં આઠ બાળકી માટે રૂપિયા 11,200 જમા થયા હતા. હવે પોલીસે તપાસ શરૂ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.