બિનસચિવાલય પેપર લીકઃ મોટા માથાઓને બચાવવા સરકારે રચ્યો આ કારસો!

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બિનસચિવાલય ક્લાર્કની ભરતીની પરીક્ષાના પેપર લીક કાંડના કોઈ રાજકીય નેતાની સંડોવાણી ન હોવાનો ગુરુવારે ભલે ઈનકાર કર્યો હોય પરંતુ પરીક્ષા રદ કરવાની અને જવાબદારો સામે પગલાં ભરવાની જાહેરાતના ૭૨ કલાક પછી પણ સરકારે આમાં FIR સુધ્ધાં નોંધાવી નથી. જે પ્રકારે સરકારે ૧૭ નવેમ્બરે બિન સચિવાલય ક્લાર્કની ભરતીમાં બેફામ ચોરીઓ, પેપર લીકનો ધરાર ઈન્કાર કર્યા બાદ આખી પરીક્ષા જ રદ કરવી પડી અને ગુનો નોંધવામાં ઠાગાઠૈયા થઈ રહ્યા છે. તે જોતાં પેપર લીક કરનારા મોટા માથાને ફસાવે તેવા પુરાવા સગેવગે કરવા FIRમાં વિલંબ થઈ રહ્યો હોવાની આશંકા સર્જાઈ છે.

મુખ્યમંત્રીએ પેપર લીકકાંડની તપાસમાં કોઈપણ નેતાનું નામ આવશે તો પગલાં લેવાશે એમ જાહેર કર્યું છે પરંતુ, સોમવારે ગૃહમંત્રીએ FIR નોંધીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ATSને તપાસ સોંપવાની જાહેરાત કર્યા પછીના છેલ્લા ૭૨ કલાકમાં ગાંધીનગર પોલીસ સ્ટેશને સામાન્ય અરજી પણ કરવામાં આવી નથી એ હકીકત છે. મુખ્યમંત્રી ભલે રાજકિય નેતા કે અધિકારીની સંડોવણી નથી તેમ કહી રહ્યા હોય પરંતુ, FIRમાં થઈ રહેલા વિલંબમાં વર્ગ-૩ની બિન સચિવાલય ક્લાર્કની ભરતી પરીક્ષાના પેપર લીકમાં સંડોવાયેલાને બચાવવા સોગઠાં ગોઠવાઈ રહ્યા હોવાનું કહેવાય છે. ૧૭ નવેમ્બરે પરીક્ષા શરૂ થતા વેંત જ પેપર લીક, સેંકડો સેન્ટરો ઉપર સામુહિક ચોરીઓ, મોબાઈલ ચેટથી જવાબોની આપ- લે થઈ રહ્યાનું આખા ગુજરાતે જોયુ હતુ. એમ છતાંયે ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ, મુખ્યમંત્રીએ ગેરરીતિનો ઈન્કાર કર્યો હતો. બાદમાં કોંગ્રેસે CCTV ફુટેજના પુરાવા જાહેર કર્યા પછી પણ સરકારે સ્વિકાર કર્યો નહી, ગાંધીનગરમાં સેંકડો યુવાન ઉમેદવારો રજૂઆત માટે આવ્યા તો બારણાં બંધ કર્યા, લાઠીચાર્જ કર્યો અને છેવટે તપાસના નામે SIT બેસાડી તો ૧૦ દિવસે પેપરલીક થયાનું કબુલ્યુ અને પરીક્ષા રદ કરી. છેલ્લા એક મહિનાના ઘટનાક્રમ પછી પણ સરકાર પેપર કોણે લીક કર્યું ? તે શોધી શકી નથી. આથી, આ કાંડમાં સામેલ મોટા નેતા, તેના મળતીયાને બચાવવા વિલંબ થઈ રહ્યાની ચર્ચા ઊઠી છે.

ભાવનગરમાં એક ફ્લેટમાં ઉમેદવારોઓ ભેગ મળીને પેપર ફોડયાના વોટ્સએપ વાઈરલ થયા હતા. ઉમેદવારોએ આ ફરિયાદ કરી ત્યારે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ૧૭ નવેમ્બરની પરીક્ષાનું પેપર અને વાઈરલ થયેલી આન્સર કી વચ્ચે કોઈ સમાનતા ન હોવાનું ભાવનગરના કલેક્ટર અને ભાવનગર શહેરના નિલમબાગ પોલીસ સ્ટેશને રિપોર્ટ મોકલ્યાનું જાહેર કર્યું હતુ. નિલમબાગ પોલીસ સ્ટેશન ભાજપના પ્રદેશ પ્રમુખ અને સ્થાનિક ધારાસભ્યનો જીતુ વાઘાણીના મતક્ષેત્ર હેઠળ આવે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.