બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાનું પેપર ફુટવા અને વ્યાપક ચોરી થવાના મુદ્દે આખી પરીક્ષા રદ કરાઇ હતી સાથે તેમાં પોલીસ ફરિયાદ પણ નોંધાઇ હતી. આજે બુધવારે પેપર લીક થવાના પ્રકરણમાં પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. અમદાવાદના દાણીલીમડાની એમ.એસ. પબ્લીક સ્કુલમાંથી બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયું હતુ. પોલીસે આ મામલે સાત આરોપીના નામ ખોલ્યા છે જે પૈકી છ શખસોની ધરકડ કરાઇ છે
પોલીસે પ્રાથમિક તપાસમાં એમ.એસ. સ્કૂલના સંચાલક, શિક્ષક તથા આચાર્યની સંડોવણી હોવાનું જણાવ્યું છે. અહીં ઉલ્લેખનીય છે કે, દાણીલીમડાની એમએસ સ્કૂલ કોંગ્રેસના કોર્પોરેટર શહેઝાદખાન પઠાણના પરિવાર સાથે જોડાયેલી છે. જેઓની તાજેતરમાં જ શાહઆલમ હિંસામાં પોલીસે ધરપકડ કરી હતી. આમ આ મુદ્દે રાજકારણ ગરમાશે તેવા એંધાણ છે.
તાજેતરમાં ગૌણ સેવા પસંદગી મંડળના અધિકારીએ પેપર લીક મામલે સેક્ટર-૭ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસ ગાંધીનગર પોલીસ દ્વારા હાથ ધરવામા આવી હતી. આ તપાસમાં આજે પોલીસે છ શખસોની ધરપકડ કરી છે. ગાંધીનગર એસપી મયુર ચાવડાએ જણાવ્યુ કે, ‘બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાનું પેપર દાણીલીમડાની એમ.એસ પબ્લીક સ્કુલમાંથી લીક થયુ હતું.
મોબાઇલ નંબરના સીડીઆરના આધારે પોલીસ પેપર લીક કરનાર શખસો સુધી પહોંચી હતી. પોલીસે જે શખસોની ધરપકડ કરી છે તેમાં સ્કુલના સંચાલક મહમદ ફારુક અબ્દુલ વહાબ કુરેશી (રહે. ચિરાગપાર્ક, નારોલ રોડ, દાણીલીમડા, અમદાવાદ), વિજેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ વાઘેલા (રહે. નવી રાયખડ પોલીસ લાઇન, રાયખડ, અમદાવાદ) તથા ફકરૂદ્દીન હૈદરભાઇ ઘડિયારી ((રહે. બુરહાની પાર્ક, વટવા, અમદાવાદ) મુખ્ય છે. મહમદ ફારુક સ્કુલનો સંચાલક છે, વિજેન્દ્રસિંહ વાઘેલા સ્કુલનો આચાર્ય છે અને ફકરુદ્દીન ઘડિયારી સ્કુલનો શિક્ષક કમ સુપરવાઇઝર છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.