અમદાવાદ: વર્ષ 2020-21ના બજેટમાં રાજ્ય સરકારે યાત્રાધામો અને પ્રવાસનોને વિકસાવવા માટે પણ અનેક આયોજનો કર્યા છે. જેમા ખાસ કરીને કૃષ્ણનગરી દ્વારકાનો વિકાસ આયોજન કરવામાં આવ્યું છે. દ્વારકામાં કૃષ્ણલીલા દર્શાવતું મ્યુઝિયમ બનાવવા અને યાત્રાળુઓ માટે પ્રાથમિક સુવિધાઓ વધારવાનું આયોજન કરવામાં આવ્યું છે. બેટ દ્વારકા અને ઓખાને જોડતા અરબી સમુદ્ર ઉપર 4.56 કિલોમીટર લંબાઈના ચારમાર્ગીય સીગ્નેચર બ્રીજની કામગીરી ચાલી રહી છે. આ પ્રોજેક્ટ માટે રૂ. 962 કરોડ ફાળવવામાં આવ્યા છે. ઉપરાંત સોમનાથ અને દ્વારકાની એક જ દિવસમાં મુલાકાત લઇ શકાય તે માટે વિમાન સેવા શરૂ કરવા માટે એક કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
વૈશ્વિક ઓળખ મેળવી ચુકેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની કેવડીયા ખાતે મુલાકાત આવનાર પ્રવાસીઓની વિપુલ સંખ્યાને ધ્યાને લઇને વિવિધ સુવિધાઓ તેમજ આકર્ષણો વિકસાવવામાં આવી રહ્યું છે. આ વિસ્તારના સંતુલિત અને આયોજનબદ્ધ વિકાસ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળની સ્થાપના કરવામાં આવી છે. અહીં જંગલ સફારી, વિશ્વ વન, આરોગ્ય વન, એકતા નર્સરી, કેક્ટસ ગાર્ડન, વેલી ઓફ ફ્લાવર્સ, ન્યુટ્રીશન પાર્ક, ઓકીડેરિયમ, ક્રોકોડાઇલ સેન્ટર વગેરેનું નિર્માણ કાર્ય હાથ ધરાયેલ છે. ઉપરાંત, મહિલા સ્વસહાય જૂથો મારફતે હર્બલ સાબુ બનાવવા, રોપાઓની જાળવણી જેવા રોજગારલક્ષી આયોજન કરવામાં આવ્યું છે જેના માટે કુલ રૂ.387 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
રાજ્યમાં આવેલા ધાર્મિક, ઐતિહાસિક અને પૌરાણિક યાત્રાધામો ખાતે યાત્રાળુઓ માટે સુવિધાઓ વિકસાવવાના વિવિધ કામો હાથ ધરવા માટે રૂ. 147 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સુરત જિલ્લાના મહુવા તાલુકામાં આવેલ આદિવાસીઓના આસ્થાના ધામ અનાવલ, કાવેરો – કાવેરી અને ગુપ્ત સરસ્વતી નદીના ત્રિવેણી સંગમ ખાતે વિવિધ સુવિધાઓ રૂ. 10 કરોડના ખર્ચે વિકસાવવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.