લાંબા સમયથી ખાલી પડેલી વિધાનસભાની 6 બેઠકો પર અંતે પેટાચૂંટણી જાહેર થઈ છે. જો કે ભાજપ અને કોંગ્રેસ ફરી જોરમાં જીતવા નીકળ્યા છે. ત્યારે ગુજરાત ભાજપ સંગઠને 6 નેતાઓના નામ નક્કી કરી લીધા છે. બસ હવે આ લિસ્ટ પર રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આખરી મહોર મારે તેની જ વાર છે.
- અમરાઈવાડીથી જુના જોગીને ઉતારશે
- રાધનપુર બેઠક માટે ઠાકોર અને ચૌધરી વચ્ચે ખેંચતાણ
- થરાદ બેઠક પર પરબત પટેલનો દિકરો શૈલેષ ઉતરશે
ગુજરાત ભાજપના સંગઠનના અંગત સુત્રો પરથી મળતી માહિતી અનુસાર જીતુ વાઘાણી અને વિજય રૂપાણીના વડપણ હેઠળ ભાજપના મોવડી મંડળે 6 નેતાઓના નામ નક્કી કરી દીધા છે. બસ હવે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ મહોર મારે તેની જ રાહ છે. જો કે આ સંદર્ભે ગુજરાત ભાજપ કશું જ ઑફિસીયલ કહેવા નથી માંગતું.
કોંગ્રેસમાંથી રાજીનામું દઈ ભાજપમાં આવેલાં અલ્પેશ ઠાકોર તો રાધનપુરથી ફરી ભાજપના ધારાસભ્ય બનવાવા સપનાં સાથે જ આવ્યા છે. પરંતુ આ બેઠક પર શંકર ચૌધરીનું રાજકીય પ્રભુત્વ હોવાથી અલ્પેશને ટિકિટ ન આપવાં મુદ્દે વાતચીત ચાલતી હતી. પરંતુ જીતુ વાઘાણીએ આડકતરી રીતે એક કાર્યક્રમમાં કહી દીધું કે અલ્પેશની ટિકિટ રાધનપુરથી ફાઈનલ જ છે.
અમરાઈવાડી બેઠક પાટીદારો માટે સુરક્ષિત
હસમુખભાઈ પટેલને એકાએક પાર્ટીએ લોકસભાની ટિકિટ આપી અને તેઓ જીતી પણ ગયા એટલે હવે અમરાઈવાડી બેઠક ખાલી પડી. જો કે આ બેઠક પર પાટીદારોનું જ પ્રભુત્વ રહ્યું છે એટલે પાટીદારને જ ટિકિટ આપી એવું પાર્ટી માની રહી છે. આ વખતે જુના જોગી અને પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયા આ બેઠક પરથી ચૂંટણી લડે તેવી પૂરી શક્યતા છે.
બાયડ બેઠક પર બે નેતાઓનો દાવો પણ…
બાયડ બેઠક પર એક તો ધવલસિંહ ઝાલા તો દાવેદાર છે જ પરંતુ ક્યાંથી ફણગો ફૂંટ્યોને પેટાચૂંટણીની જાહેરાત થતાં મહેન્દ્રસિંહ વાઘેલા કુદવા મંડ્યા પણ. પાર્ટીએ નક્કી કરી લીધું છે કે ધવલસિંહ ઝાલા જ અમારા ઉમેદવાર છે બસ અમિતભાઈ મહોર મારે.
ખેરાલું બેઠક પર શંકર ચૌધરીનું નામ આગળ
ખેરાલું બેઠક પર ચૌધરીઓનું પ્રભુત્વ હોવાથી શંકર ચૌધરીનું નામ મોખરે છે. પરંતુ આ રાજનીતિનું તો કંઈ કહી ના શકાય અમિત શાહ જ્યારે ગુજરાત પ્રવાસે આવ્યા હતાં ત્યારે અંગત સમય માંગી મળવા ગયેલા રમિલાબેન દેસાઈ તો એવું જ માને છે કે મારી ટિકિટ ખેરાલુંથી ફાઈનલ. પરંતુ પાર્ટી શંકરભાઈ સિવાય કોઈને ટિકિટ આપશે જ નહીં એવું સુત્રો કહે છે.
થરાદમાં પરબત પટેલના દિકારાનું નામ ફાઈનલ
પરબત પટેલ લોકસભાના સાંસદ બનતા ખાલી પડેલી બેઠક પર કોણ ચૂંટણી લડશે એ વિટંબણા હતી. પરંતુ મોવડી મંડળ પર પ્રેસર કરી પરબત પટેલ પોતાના દિકરા શૈલેષનું નામ લગભગ નક્કી કરી દીધું છે. જો કે અમિત શાહ આ વાત સ્વીકારી લે તો શૈલેષની રાજનીતિમાં જબરજસ્ત એન્ટ્રી થશે.
લુણાવાડા સીટ પર નામને લઈ અવઢવ
લુણાવાડા સીટ પરથી કોને ચૂંટણી લડાવવી એ અંગે મોવડી મંડળ પણ અવઢવમાં હતું. પરંતુ જિલ્લા પંચાયતના પ્રમુખ જે પી પટેલનું નામ આતાં જ સર્વ સંમતિ સધાયી હોય તેવા સુત્રોના સમાચાર છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.