ભાજપ નેતા નકવીએ ઓઆઈસીની ઝાટકણી કાઢી, કહ્યું ભારત મુસ્લિમો માટે સ્વર્ગ સમાન

– છેલ્લા પાંચ વર્ષમાં દેશમાં સામાજિક, આર્થિક અને શૈક્ષણિક રીતે મુસ્લિમો સમૃદ્ધ બન્યા છે : લઘુમતી મંત્રાલયના મંત્રી

 

ભારત પર કથિત ઈસ્લામોફોબિયાના આક્ષેપો કરવા બદલ લઘુમતી બાબતોના મંત્રી મુખ્તરા અબ્બાસ નકવીએ ઓઆઈસીની ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું કે ભારત મુસ્લિમો માટે સ્વર્ગ સમાન છે અને દેશના વિવિધતામાં એકતાના વાતાવરણમાં વિષ ઘોળનારા ભારતીય મુસ્લિમોના મિત્રો હોઈ શકે નહીં. ભારતમાં મુસ્લિમોના સામાજિક, આર્થિક અને ધાર્મિક અધિકારો સલામત હોવાની ખાતરી આપતાં નકવીએ કહ્યું કે  સેક્યુલરિઝમ અને સદ્ભાવના એ કોઈ રાજકીય ફેશન નથી, પરંતુ ભારત અને ભારતીયોનો લગાવ છે.

વિશ્વમાં ૫૭ સભ્યો દેશોના અગ્રણી આંતરરાષ્ટ્રીય મુસ્લિમ જૂથ ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (ઓઆઈસી)એ ભારતને મુસ્લિમ સમાજના અધિકારોના રક્ષણ માટે અને દેશમાં ‘ઈસ્લામોફોબિયા’ની ઘટનાઓ અટકાવવા માટે તાત્કાલિક પગલાં લેવાનું જણાવ્યાના બે દિવસ પછી નકવીએ આ ટીપ્પણી કરી હતી.

નકવીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અમે સંપૂર્ણ કટિબદ્ધતાથી અમારું કામ કરી રહ્યાં છે. વડાપ્રધાને જ્યારે પણ વાત કરી છે તેમણે ૧૩૦ કરોડ ભારતીયોના કલ્યાણ અને અધિકારો અંગે વાત કરી છે. જો કોઈને આ ન દેખાતું હોય તો તે તેમની સમસ્યા છે. ભારતના મુસ્લિમો, તેના લઘુમતીઓ, સમાજના બધા જ વર્ગો સમૃદ્ધ છે અને આ વાતાવરણને ડહોળવા માગતા લોકો ભારતીય મુસ્લિમોના મિત્રો હોઈ શકે નહીં.

અખાતના દેશોના કેટલાક બુદ્ધિજીવીઓ  દ્વારા ભારતમાં મુસ્લિમો સામે કથિત ગૂનાઓ અંગે દેશની ટીકા થતી હોવાના મુદ્દે નકવીએ ભારપૂર્વક કહ્યું હતું કે, ભારત મુસ્લિમો અને લઘુમતીઓ માટે સ્વર્ગ સમાન છે. કોઈ પૂર્વગ્રહની માનસિક્તાથી બોલતું હોય તો તેણે વાસ્તવિક્તા તરફ નજર નાંખવી જોઈએ. ભારતમાં છેલ્લા પાંચ વર્ષમાં મુસ્લિમો સમૃદ્ધ અને સક્ષમ બન્યા છે અને દેશના વિકાસમાં તેમનો સમાન હિસ્સો છે.

આ દેશમાં મુસ્લિમોની વસતી ખૂબ જ વિશાળ છે. છેલ્લા પાંચ વર્ષમાં તેમની શૈક્ષણિક, સામાજિક અને આર્થિક સ્થિતિની સમિક્ષા કરીએ તો સરકારી નોકરીઓમાં તેમનો હિસ્સો વધ્યો છે અને તેઓ શૈક્ષણિક તથા આર્થિક રીતે સક્ષમ બન્યા છે. દેશમાં લૉકડાઉન રમઝાનના સંપૂર્ણ સમય મે ૨૪ સુધી લંબાવવાના મૌલાના આઝાદ નેશનલ ઉર્દુ યુનિવર્સિટીના ચાન્સેલર ફિરોઝ બખ્ત અહેમદના સૂચન અંગે નકવીએ જણાવ્યું હતું કે સરકાર પરિસ્થિતિ મુજબ યોગ્ય સમયે યોગ્ય પગલાં લઈ રહી છે.

તેમણે ઉમેર્યું હતું કે, આપણે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે વિવિધતામાં એકતાની આપણી મજબૂતી કોઈપણ સંજોગોમાં નબળી થવી જોઈએ નહીં. કથિત બુદ્ધિજીવીઓ હજી પણ સક્રિય છે અને ખોટી માહિતી ફેલાવવાનું કાવતરું ઘડી રહ્યાં છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં કોરોના વાઈરસ સામેની લડાઈમાં સમગ્ર દેશ એક છે.

એપ્રિલ મહિનાના અંતથી શરૂ થતાં રમઝાન અંગે નકવીએ કહ્યું કે બધા જ મુસ્લિમ નેતાઓ, ઈમામો તેમજ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓએ સંયુક્તપણે રમઝાન દરમિયાન પોતાના ઘરમાં જ નમાઝ પઢવા અને અન્ય ધાર્મિક વિધિઓ કરવાનો અને લૉકડાઉનના નિયમોનો ભંગ નહીં કરવાનો નિર્ણય કર્યો છે. આ સંદર્ભમાં સંસ્થાઓ વ્યૂહરચના ઘડી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.