ભાજપી સાંસદનું વિવાદાસ્પદ નિવેદન,ગાંધીજીના સ્વતંત્રતા સંગ્રામને ગણાવ્યું માત્ર એક નાટક

ભાજપના નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અનંત કુમાર હેગડેએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સ્વતંત્રતા માટે કરવામાં આવેલી લડાઈને નાટક ગણાવ્યું છે. જી હા રવિવારના રોજ એક કાર્યક્રમમાં હેગડેએ કહ્યું હતું કે સ્વતંત્રતાનો સંપૂર્ણ સંઘર્ષ જ બનાવટી હતો અને તેને અંગ્રેજ સામ્રાજ્યનું સમર્થન મળેલુ હતું. તે સમયના નેતાઓએ એક પણ વખત પોલીસનો માર ખાધો નહોતો. તેમનું સ્વતંત્રતા માટેનું આંદોલન ડ્રામા હતું. આ મોટા નેતાઓએ અંગ્રેજોની પરવાનગી બાદ આ ડ્રામા કર્યું હતું. આ કોઈ અસલ લડાઈ નહોતી તે માત્ર દેખાવા પૂરતો સંઘર્ષ હતો.

હેગડેએ આટલેથી અટકવાને બદલે વધુમાં કહ્યું કે, અસલમાં ભારતનો સ્વતંત્રતા સંગ્રામ વાસ્તવિક લડાઈ નહોતી. તે સામંજસ્યના આધારે રચવામાં આવેલા સ્વતંત્રતા સંગ્રામ હતો. ભૂતપુર્વ કેન્દ્રીય પ્રધાને કહ્યું હતું કે જે લોકો કોંગ્રેસનું સમર્થન કરતા હતા તેઓ એમ જ કહેતા હતા કે ભારતને આઝાદી ભૂખ હડતાળ અને સત્યાગ્રહથી મળી. આ ખરું નથી. અંગ્રેજોએ સત્યાગ્રહને લીધે દેશ છોડ્યો ન હતો. તેમણે આપણને આઝાદી નિરાશાને લીધે આપી હતી. જ્યારે હું ઈતિહાસ વાંચુ છું તો મારું લોહી ગરમ થઈ જાય છે. આવા લોકો આપણા દેશમાં મહાત્મા બની જાય છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.