મહારાષ્ટ્રમાં BJPથી અલગ સરકાર બનાવવાની જાહેરાત સાથે જ શિવસેનાએ પોતાને NDAથી અલગ કરી દીધી છે. પાર્ટીની આ જાહેરાત સાથે જ મોદી સરકારમાં શિવસેનાનાં એકમાત્ર મંત્રી અરવિંદ સાવંતે પોતાના પદથી સોમવારનાં રાજીનામું આપી દીધું છે. શિવસેનાનાં આ નિર્ણય પર હવે બિહારનાં મુખ્યમંત્રી નીતીશ કુમારનું નિવેદન સામે આવ્યું છે. તેમને જ્યારે આ સંપૂર્ણ ઘટનાક્રમ વિશે પુછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, “તેઓ જાણે ભાઈ, આમાં અમારે શું મતલબ?”
બીજી તરફ મહારાષ્ટ્રમાં બીજેપી સરકાર નહીં બનાવે તે સ્પષ્ટ થઈ ગયું છે. આવામાં હવે તમામની નજરો શિવસેના-કૉંગ્રેસ અને એનસીપી પર છે. એનસીપી પ્રમુખ શરદ પવારે શિવસેનાની સાથે સરકાર બનાવવાની સંભાવનાઓને લઇને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, “અમે સરકાર બનાવવાને લઇને કોઈ પણ નિર્ણય કૉંગ્રેસ વગર ના લઇ શકીએ.” બીજી તરફ કૉંગ્રેસ પાર્ટીએ મહારાષ્ટ્રની વર્તમાન રાજનૈતિક સ્થિતિને લઇને CWCની બેઠક બોલાવી છે. આ બેઠકમાં પાર્ટી શિવસેનાને સમર્થનને લઇને પાર્ટીનાં વરિષ્ઠ નેતાઓ સાથે ચર્ચા કર્યા બાદ જ કોઈ નિર્ણય લેવામાં આવશે.
આ તમામની વચ્ચે કેન્દ્રની મોદી સરકારમાં સામેલ શિવસેનાનાં એકમાત્ર મંત્રી અરવિંદ સાવંતે રાજીનામું આપી દીધું છે. તેમણે પહેલા ટ્વિટર પર રાજીનામું આપવાની વાત કરી હતી, ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સ કરીને રાજીનામું આપી દીધું હોવાની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે શિવસેના અને બીજેપીની દોસ્તી 30 વર્ષ જૂની છે. માનવામાં આવી રહ્યું છે કે એનસીપીએ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે શિવસેનાની સામે શરત રાખી હતી તેણે પહેલા એનડીએથી છેડો ફાડવો પડશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.