ભાજપે રાજ્યસભા ત્રીજા ઉમેદવાર તરીકે નરહરિ અમિનની પસંદગી કરતા રાજ્યસભાની એક બેઠક માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વિવાદ વકર્યો છે. દર ચૂંટણીની જેમ રાજ્યસભાના સાંસદની આ ચૂંટણી પણ રસાકસીભરી બની ગઈ છે. અભય ભારદ્વાજ અને રમીલાબેન બારા અને શક્તિસિંહ ગોહિલનું રાજ્યસભાના સાંસદ બનવું ફાયનલ છે પણ ભરતસિંહ સોલંકી અને નરહરી અમિન વચ્ચે ભારે ખેંચતાણ થાય તેવી પૂરી સંભાવના છે. નરહરી અમિન પણ કોંગ્રેસનું ગોત્ર ધરાવે છે અને પાટીદાર નેતા છે.
ભાજપે માસ્ટર સ્ટ્રોક મારીને કોંગ્રેસી અને પાટીદાર એમ બંને પાસાઓ ધ્યાને રાખીને નરહરી અમીનને ટીકિટ આપી છે. ભરતસિંહ માટે પણ આ ચૂંટણી આકરી પરીક્ષા સાબિત થશે. ભરતસિંહે હાઈકમાન્ડ પર દબાણ કરીને આ સાંસદની સીટ મેળવી છે. જો તેઓ વિજેતા ન થયા તો તેમની કારકીર્દીને ગ્રહણ લાગી જશે.
નરહરી અમીન માટે પણ આ ચૂંટણી એ કરો યા મરો જેવી છે. જેઓ હાલમાં આયોજન પંચના ઉપાધ્યક્ષ હતા. જેઓએ આ પદ પરથી રાજીનામું આપીને ચૂંટણી માટે ફોર્મ ભર્યું છે. આમ જીત પહેલાં એક મહત્વનો હોદ્વાનો તો તેઓએ ત્યાગ કરવો પડ્યો છે. જેઓ આ ચૂંટણી હાર્યા તો ન ઘરના ના ઘાટના થઈ જશે.
રાજ્યસભાની ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવાર શક્તિસિંહ ગોહિલે પણ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ સાથે ભાજપે ત્રીજા ઉમેદવાર તરીકે કોંગ્રેસના પૂર્વ નેતા અને પાટીદાર નેતા નરહરિ અમીને ઉમેદવાર બનાવ્યા છે. જેના પર જવાબ આપતાં કહ્યું કે, તેમને પાર્ટીના પાટીદાર ધારાસભ્યો પર વિશ્વાસ છે અને ક્રોસવોટિંગ નહી થાય. કોંગ્રેસના હાઈકમાન્ડે બે ટીકિટો આપી છે અને અમે બંને સીટો પર જીતીશું. નરહરી અમિનને જીતવા માટે માત્ર 3 ધારાસભ્યોની જરૂર છે. જેઓ ક્રોસ વોટિંગ કરશે તુરંત જ ભરતસિંહ ઘરભેગા થઈ જશે.
ભૂતકાળ સાબિત કરે છે કે ભાજપ આ કરી શકે છે અને કોંગ્રેસ તૂટી શકે છે. કોંગ્રેસ હાલમાં મક્કમ હોવાનું ભલે કહેતી હોય પણ આખરી તબક્કે કોંગ્રેસના ધારાસભ્યો ફરી જશે તેનો ડર ખુદ કોંગ્રેસને પણ છે. જોકે, ભાજપે તમામ તૈયારીઓ કરી લીધી છે. નીતિનભાઈ પટેલ અને જીતુભાઈ વાઘાણી સ્પષ્ટ કહી રહ્યાં છે કે બધુ જ મેનેજ થઈ જશે એનો સ્પષ્ટ અર્થ એ છે કે ભાજપ તડજોડની રાજનીતિ અપનાવી ચૂકી છે અને સમર્થન બાદ જ નરહરી અમીનને ત્રીજા ઉમેદવાર તરીકે ઉભા રાખ્યા છે. વાઘાણીએ ખુલ્લેઆમ ચેલેન્જ કરી છે કે અમારા 3 ઉમેદવાર જીતશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.