ચૂંટણી માટે ગુજરાતમાંથી BJP ઉઘરાવશે ઓછામાં ઓછા રૂ. 200 કરોડ! જાણો વિગતવાર..

હાલમાં યોજાયેલી ગુજરાત પ્રદેશ ભાજપની કારોબારી બેઠક પછી જાહેર કરાયું હતું કે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાંથી વિધાનસભા ચૂંટણી માટે ઓછામાં ઓછા રૂ. 200 કરોડ ઉઘરાવશે. તે માટેના નિયમો પણ જાહેર કરાયા છે અને આ કરવા પાછળ એવું કહેવાઇ રહ્યું છે કે ચૂંટણી વખતે પક્ષ ખર્ચા બાબતે આત્મનિર્ભર બને તે કારણસર આ રૂપિયા ઉઘરાવવામાં આવશે.

કારોબારીની બેઠક દરમિયાન પક્ષ પ્રમુખ સી.આર. પાટિલે કાર્યકરો અને નેતાઓને ફંડ એકત્રિત કરવા માટે કહ્યું હતું અને આ ફંડ કાર્યકરો અને નેતાઓએ પોતાના વિસ્તારના પરિચિત વેપારીઓ, ઉદ્યોગકારો અને સંસ્થાઓ પાસેથી લેવાના રહેશે.અને આ જાહેરાત પછી કેટલાક નેતાઓ અને કાર્યકરોએ તો પોતે કેટલો ટારગેટ પૂરો કરશે તેની નોંધ પણ કરાવી હોવાનું સૂત્રો જણાવે છે.

આ અંગે પ્રદેશ મહામંત્રી રજનીભાઇ પટેલે કહ્યું હતું કે પ્રદેશ સ્તરેથી ચૂંટણી સહયોગ નિધિ ઉઘરાવવા માટે આદેશ અપાયો છે. દરેક કાર્યકરો પોતે અને બીજા લોકો પાસેથી આ રકમ ઉઘરાવશે. તેમણે આ રકમ ચેક મારફતે લેવાની રહેશે. દાતાઓ પાસેથી ઓછામાં ઓછો રૂ. 500નો ચેક લેવામાં આવશે અને હાલ કોઇ અંદાજ નથી પરંતુ ઓછામાં ઓછા રૂ. 200 કરોડ તો ભેગા કરાશે.

ઉલ્લેખનીય છે કે અગાઉ 2012ની ચૂંટણી વખતે પણ આવી યોજના લવાઇ હતી પરંતુ ત્યારે ઓછામાં ઓછા રૂ. 10 લેવાનો આગ્રહ કરાયો હતો અને ત્યારે કેશમાં પણ દાન લઇ શકાતું હતું પરંતુ આ વખતે ચેકથી જ લેવાની વાત કરાઇ છે.

ભાજપ રૂ. 200 કરોડનું ફંડ ઉઘરાવશે તેની સામે કોંગ્રેસની શું છે રણનીતિ તે જાણવા પ્રદેશ પ્રવક્તા મનીષ દોશીને પૂછતા તેમણે કહ્યું કે તેમના કાર્યકરો પણ સમાજમાંથી ફાળો ઉઘરાવશે. જોકે, તેમણે કોઇ ટારગેટ અંગે ફોડ પાડ્યો ન હતો અને દોશીનું કહેવું છે કે ભાજપ પાસે એટલા બધા રૂપિયા છે કે આવા 200 કરોડ ઉઘરાવવાની જરૂર નથી. આ તો દેખાડો છે. રૂ. 200 કરોડ કરતા તો ઘણા રૂપિયા ભાજપ ચૂંટણીઓ વખતે ખર્ચ કરે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.