સૌરાષ્ટ્રમા લેઉવા પાટીદારના એકતાના પ્રતિક સમા ખોડલધામ મંદિરને 21 જાન્યુઆરી 2022ના રોજ પાંચ વર્ષ પૂર્ણ થશે. ધાર્મિક સંસ્થા અને આસ્થાના કેન્દ્ર ખોડલધામના 5 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે 21 જાન્યુઆરી 2022ના રોજ ખોડલધામ ખાતે માતાજીના ભવ્ય પાટોત્સવની ઉજવણી કરવાની તૈયારીઓ ચાલી રહી છે. જેને પગલે ખોડલધામ પાટોત્સવના નામે નરેશ પટેલ સમગ્ર ગુજરાતમાં ભ્રમણ કરી રહ્યા છે. ત્યારે હાલ નરેશું પટેલ દરેક જિલ્લામાં પાટીદારોનો સંપર્ક કરીને આગામી ચૂંટણી લડવી કે નહીં તેનો તાગ મેળવી રહ્યા હોય તેવું ચર્ચાઈ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે,ખોડલ ધામના ટ્રસ્ટી નરેશ પટેલે છ -સાત મહિના પહેલા ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીને લઈને ગુજરાતના મુખ્યમંત્રી પાટીદાર હોવા જોઈએ તેવી તીવ્ર લાગણી અને સુચિતાર્થ માંગણી કરી હતી. ધાર્મિક સ્થળેથી રાજનીતિક નિવેદનને લઈને ત્યારે ભારે-તર્ક વિતર્ક થયા હતા.ત્યાર બાદ રાજ્યમાં તખ્ત પલટાયો અને ગુજરાતને ભુપેન્દ્ર પટેલના રૂપમાં પાટીદાર મુખ્યમંત્રી મળ્યા છે. ત્યારે હવે નરેશ પટેલ ગુજરાતના રાજકરણમાં પોતાના નિવેદનોથી ગરમાવો જગાવી રહ્યા છે.
આ પૃર્વે પણ પત્રકાર પરિષદને સંબોધન કરતા પાટીદાર આગેવાન નરેશ પટેલે રાજકારણમાં જવા અંગે નિવેદન આપતા કહ્યું હતું કે, રાજકારણમાં જવું કે નહીં તે મારો સમાજ નક્કી કરશે. નેતાઓનું કામ તો અમને મૂંઝવણમાં નાંખવાનું હોય છે. સાથે જ તેમણે કહ્યું કે, પરિસ્થિતિના આધારે મંત્રી, મુખ્યમંત્રી બનતા હોય છે, મુદ્દા આધારીત રાજકારણ થાય તેની ચિંતા કરે છે ખોડલધામ.
રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે જ આ પ્રકારના ધાર્મિક મેળાવડા મારફત પાટીદારોનું શક્તિપ્રદર્શન યોજીને રાજકીય કદ વધારવાનું ગણિત હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. વર્ષોની મહેનત બાદ તૈયાર થયેલા અને દેશભરનાં જાણિતાં ધર્મસ્થાનોની યાદીમાં સ્થાન મેળવનારા લેઉવા પટેલ સમાજના આસ્થાનું પ્રતિક સમું ખોડલધામ તૈયાર થયું હતું. 21 જાન્યુઆરી 2016ના રોજ રેકોર્ડબ્રેક લોકોની હાજરી વચ્ચે ખુલ્લું મુકવામાં આવ્યું હતું, તેને આગામી 21 જાન્યુઆરીએ પાંચ વર્ષ પૂર્ણ થઈ રહ્યાં હોવાથી પાટોત્સવ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મહત્ત્વની બાબત એ છે કે, જો કોરોનાની ગાઈડલાઈન્સ હળવી થશે તો ખોડલધામના પાટોત્સવ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહેશે એવા પ્રાથમિક નિર્દેશો છે. ખોડલધામના ટ્રસ્ટીઓ દ્વારા વડાપ્રધાન કાર્યાલયનો સંપર્ક કરી લેવામાં આવ્યો છે. કાર્યક્રમ વિશે પ્રાથમિક માહિતી આપી દેવામાં આવી છે. તરત જ વિધિસર આમંત્રણ આપવા માટે ટ્રસ્ટીઓ દિલ્હી જશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રૂબરૂ મળશે.
ગુજરાતમાં પાટીદારોના સૌથી વધુ મતદારો ધરાવતી 50 બેઠક છે, જેમાં ઊંઝા, વીસનગર, બહુચરાજી, ગાંધીનગર ઉત્તર, મહેસાણા, વિજાપુર, હિંમતનગર, માણસા, ઘાટલોડિયા, વેજલપુર, ઠક્કરબાપાનગર, નારણપુરા, નિકોલ, નરોડા, મણિનગર, સાબરમતી, ધ્રાંગધ્રા, મોરબી, ટંકારા, દસક્રોઈ, વિરમગામ, રાજકોટ ઇસ્ટ, રાજકોટ સાઉથ, જસદણ, ગોંડલ, જામજોધપુર, માણાવદર, જૂનાગઢ, વિસાવદર, કેશોદ, ધારી, અમરેલી, લાઠી, સાવરકુંડલા, જેતપુર, ધોરાજી, જામનગર ગ્રામ્ય, સયાજીગંજ, બોટાદ, કામરેજ, સુરત ઉત્તર, વરાછા, કરંજ, મજૂરા, કતારગામ, લુણાવાડા, નડિયાદ, ડભોઇ, કરજણ નો સમાવેશ થાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.