BMCએ કંગનાને વધુ બોલવાનો મોકો આપ્યો, કંગનાની ઑફિસ તોડવાના મુદ્દે શરદ પવારનું નિવેદન

એનસીપીના નેતા શરદ પવારે બીએમસી દ્વારા અભિનેત્રી કંગના રનૌતની ઑફિસ તોડવાના મુદ્દે પોતાની  નારાજી સૈામ્ય શબ્દોમાં વ્યક્ત કરી હતી. હાલ એનસીપી શિવસેના અને કોંગ્રેસ સાથે મહારાષ્ટ્ર સરકારમાં ભાગીદાર છે.

પવારે કહ્યું કે બીએમસીએ આ પગલું શા માટે ભર્યું એની મને જાણ નથી. પરંતુ આ પગલું લેવાની જરૂર નહોતી. આ પગલું લીધું એટલે કંગનાને વધુ બોલવાની તક મળી જશે.

પવારે વધુમાં કહ્યું કે મુંબઇમાં બીજાં અનેક ગેરકાયદે મકાનો છે. બીએમસી એમના પર ત્રાટકી શકતી હતી. કંગનાની ઑફિસને તોડવાની જરૂર નહોતી એેમ મને લાગે છે.

શરદ પવારના આ અભિપ્રાયનું મહત્ત્વ ઘણું છે કારણ કે શિવસેનાના બોલકણા નેતા સંજય રાઉત સદા શરદ પવાર અમારા રાહબર હોવાની વાતો કરતાં રહે છે. અત્યારે કંગના રનૌત અને શિવસેના વચ્ચે થયેલા અણબનાવમાં સંજય રાઉત નિમિત્ત બનેલા છે.

કંગનાના વકીલે મુંબઇ હાઇકોર્ટમાં રજૂ કરેલા દસ્તાવેજો મુજબ કંગનાએ ઑફિસના રિનોવેશનમાં કોઇ ગેરકાયદે પગલું લીધું નથી. પોતાના રિનોવેશન માટે એણે મુંબઇ મ્યુનિસિપાલિટી પાસે પરવાનગી લીધી હોવાના દસ્તાવેજો પણ વકીલે કોર્ટમાં રજૂ કર્યા હોવાનું કહેવાય છે. હાઇકોર્ટે આવતી કાલે બપોરે ત્રણ વાગ્યે કંગનાની ઑફિસમાં બીએમસીએ લીધેલાં પગલાંની સુનાવણી કરશે.

સૌથી મહત્ત્વની વાત એ છે કે કંગનાની ગેરહાજરીમા બીએમસીએ આ પગલું લીધું હતું.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.