બંગાળના અધિકારીઓને હાજર થવાની કેન્દ્રની દાદાગીરી સામે ઝૂકીશ નહીં : મમતા

– બંગાળના 3 અધિકારીઓની ટ્રાન્સફર મુદ્દે શાહ-મમતા આમને-સામને

– 3 આઈપીએસ અધિકારીઓની પાંચ વર્ષ માટે બીપીઆરડી, એસએસબી, આઈટીબીપીમાં નિમણૂક કરી દેવાઈ છે : કેન્દ્ર

 

બંગાળમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે ગજગ્રાહના વિવિધ મુદ્દાઓમાં વધુ એકનો ઉમેરો થયો છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાના કાફલા પર હુમલા પછી કેન્દ્રીય ગૃહમંત્રાલયે તેમની સલામતીમાં બેદરકારી બદલ રાજ્યના ત્રણ આઈપીએસ અિધકારીઓને દિલ્હીમાં ડેપ્યુટેશન પર હાજર થવા આદેશ કર્યો હતો. પરંતુ રાજ્ય સરકારે ગૃહમંત્રાલયનો આ આદેશ માનવાનો ધરાર ઈનકાર કર્યો હતો. મમતા બેનરજીએ કેન્દ્રના આ આદેશને ગેરબંધારણીય પણ ગણાવ્યો હતો.

કેન્દ્રીય ગૃહમંત્રાલયે ગુરૂવારે ફરી એક વખત પશ્ચિમ બંગાળ સરકારને દિલ્હીમાં ડેપ્યુટેશન પર બોલાવાયેલા ત્રણ આઈપીએસ અિધકારીઓને તાત્કાલિક રિલિવ કરવા પત્ર પાઠવ્યો હતો.ગૃહ મંત્રાલયે લખ્યું હતું કે ડેપ્યુટેશન પર બોલાયેલા ત્રણેય અિધકારીઓને નવા કામની ફાળવણી થઈ ગઈ છે. ગૃહમંત્રાલયે પત્રમાં જણાવ્યું હતું કે, આઈપીએસ કેડર નિયમો હેઠળ કોઈ વિવાદના સંદર્ભમાં રાજ્ય સરકાર પર કેન્દ્ર વિશેષ અિધકાર ધરાવે છે.

ત્રણેય આઈપીએસ અિધકારીઓને નવી કામગીરીઓ સોંપી દેવાઈ હોવાથી તેમને તાત્કાલિક રિલિવ કરવામાં આવે. બંગાળના ત્રણ આઈપીએસ અિધકારીઓમાં ડાયમંડ હાર્બરના એસપી ભોલાનાથ પાંડેની ચાર વર્ષ માટે બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં એસપી, પ્રેસિડેન્સી રેન્જના ડીઆઈજી પ્રવીણ ત્રિપાઠીની પાંચ વર્ષ માટે સશસ્ત્ર સીમા બલ (એસએસબી)માં ડીઆઈજી અને દક્ષિણ રેન્જના એડીજી રાજીવ મિશ્રાની પાંચ વર્ષ માટે ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (આઈટીબીપી)ના આઈજી તરીકે નિમણૂક કરવામાં આવી છે.

કેન્દ્ર સરકારે ભાજપ પ્રમુખ નડ્ડાના કાફલા પર હુમલા માટે આ ત્રણે અિધકારીઓની બેદરકારીને જવાબદાર ગણાવી છે. ત્રણે અિધકારીઓની નિમણૂક સેન્ટ્રલ સર્વિસીસ રૂલ 6(1) હેઠળ કરાઈ છે.

જોકે, કેન્દ્ર સરકારની આ કાર્યવાહી સામે રાજ્ય સરકારે બાંયો ચઢાવી છે. મુખ્યમંત્રી મમતા બેનરજીએ કેન્દ્રના આ નિર્ણયનો આકરો વિરોધ કરતાં તેને ગેરબંધારણીય અને ચૂંટણી પહેલાં સંઘીય માળખાના બુનિયાદી સિદ્ધાંતો વિરૂદ્ધ ગણાવ્યો છે. મમતા બેનરજીએ જણાવ્યું હતું કે, ગૃહમંત્રાલય દ્વારા રાજ્ય સરકારની મંજૂરી વિના આઈપીએસ અિધકારીઓની નિમણૂક ગેરબંધારણીય અને સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે.

અમે કેન્દ્રની દાદાગીરી સામે ઝુકીશું નહીં. કેન્દ્ર દ્વારા રાજ્યના અિધકારીઓને નિયંત્રિત કરવાના કોઈપણ પ્રયાસને અમે મંજૂરી નહીં આપીએ. બંગાળ વિસ્તારવાદી અને અલોકતાંત્રિક તાકતો સામે માથું નહીં નમાવે. અગાઉ પણ મમતા સરકારે અિધકારીઓને દિલ્હી મોકલવાનો ઈનકાર કરી દીધો હતો અને ગૃહમંત્રાલયની ઝાટકણી કાઢી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.