બૌદ્ધ ધર્મે અહિંસા અને શાંતિનો સંદેશો આપ્યોઃ ધર્મ ચક્ર દિવસ નિમિત્તે PM મોદીનું નિવેદન

 ટોચના બૌદ્ધ ગુરૂઓ, વિશિષ્ટ જાણકારો અને વિદ્વાનોના સંદેશાને સારનાથ અને બૌદ્ધગયા ખાતેથી પ્રસારિત કરાશે

 

સંસ્કૃતિ મંત્રાલયની દેખરેખ અંતર્ગત આજે એટલે કે શનિવારે આંતરરાષ્ટ્રીય બૌદ્ધ પરિસંઘ (IBC), ધર્મ ચક્ર દિવસ સ્વરૂપે અષાઢ પૂર્ણિમા ઉજવશે. મહાત્મા બુદ્ધે આજના દિવસે જ પોતાના પહેલા પાંચ શિષ્યને પ્રથમ ઉપદેશ આપ્યો હતો. તે નિમિત્તે સમગ્ર વિશ્વના બૌદ્ધ અનુયાયીઓ દર વર્ષે આજના દિવસને ધર્મ ચક્ર પ્રવર્તન દિવસ તરીકે ઉજવે છે. આ તરફ હિંદુ ધર્મમાં આજનો દિવસ ગુરૂ પ્રત્યે સન્માન વ્યક્ત કરવાનો હોય છે અને તે ગુરૂ પૂર્ણિમા તરીકે પણ ઉજવાય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજના દિવસ નિમિત્તે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી દેશવાસીઓને સંબોધિત કરતા જણાવ્યું કે, બૌદ્ધ ધર્મ લોકોનો આદર કરતા શીખવે છે. લોકો માટે આદર રાખવો, ગરીબો માટે આદર રાખવો, મહિલાઓને આદર આપવો, શાંતિ અને અહિંસાનો આદર કરવો. આ કારણે જ બુદ્ધ દ્વારા આપવામાં આવેલી આ શીખામણ આજે પણ પ્રાસંગિક છે.

વડાપ્રધાને જણાવ્યું કે, ગૌતમ બુદ્ધે સારનાથ ખાતેના પોતાના પ્રથમ ઉપદેશમાં અને પછીના દિવસોમાં પણ બે બાબતો અંગે વાત કરી, આશા અને ઉદ્દેશ્ય. તેમણે આશા અને ઉદ્દેશ્ય વચ્ચે મજબૂત લિંક જોઈ કારણ કે આશાથી જ ઉદ્દેશ્ય ઉત્પન્ન થાય છે.

વડાપ્રધાને જણાવ્યું કે, તેજ તર્રાટ યુવા મન વૈશ્વિક સમસ્યાઓનો ઉકેલ લઈને આવી રહ્યું છે. ભારત પાસે સૌથી મોટું સ્ટાર્ટ અપ ઈકો-સિસ્ટમ છે. હું મારા યુવાન મિત્રોને પણ વિનંતી કરીશ કે તેઓ બુદ્ધના વિચારો સાથે જોડાય. તેઓ પોતે પણ તે વિચારો વડે મોટિવેટ થાય અને બીજા લોકોને પણ આગળનો રસ્તો દેખાડે.

આજે સમગ્ર વિશ્વ ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. આ તમામ પડકારોનું સમાધાન ગૌતમ બુદ્ધના વિચારોથી મળી શકે. તેઓ પહેલા પણ પ્રાસંગિક હતા, આજે પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે. અમે (સરકાર) ગૌતમ બુદ્ધની તમામ સાઈટ્સ પર ફોકસ કરવા માંગીએ છીએ. કેબિનેટે થોડા દિવસો પહેલા કુશીનગરમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનાવવાની મંજૂરી આપી દીધી છે. આ રીતે અનેક લોકો અને તીર્થયાત્રિકો આ સ્થળોએ પહોંચી શકશે. ગૌતમ બુદ્ધના વિચારો ભવિષ્યમાં પ્રકાશ, સાથે ચાલવાનો વિચાર અને ભાઈચારો લાવશે. તેમના આશીર્વાદ આપણને સારા કામો કરવા પ્રેરિત કરે.

તેના પહેલા સવારે 9 કલાકે રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ ભવનમાં ધર્મ ચક્ર દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યાર બાદ કેન્દ્રીય મંત્રી કિરેન રિજ્જુએ ધર્મ ચક્ર દિવસ સમારંભને સંબોધિત કર્યો હતો.

જાણવા મળ્યા મુજબ આજના દિવસે અન્ય અનેક મહત્વપૂર્ણ કાર્યક્રમોનું આયોજન પણ થશે. જેમ કે સમગ્ર વિશ્વના વિભિન્ન વિસ્તારોમાંથી ટોચના બૌદ્ધ ગુરૂઓ, વિશિષ્ટ જાણકારો અને વિદ્વાનોના સંદેશાને સારનાથ અને બૌદ્ધગયા ખાતેથી પ્રસારિત (લાઈવ સ્ટ્રીમિંગ) કરવામાં આવશે. કોવિડ 19 મહામારીને અનુલક્ષીને તમામ કાર્યક્રમો વર્ચ્યુઅલ રહેશે. સમગ્ર વિશ્વના 30 લાખ જેટલા લોકો આજે લાઈવ વેબકાસ્ટ દ્વારા તમામ કાર્યક્રમમાં સહભાગી બનશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.