– રશિયામાં કોરોનાના ચેપને કારણે મૃત્યુ પામનારાની સંખ્યામાં ઉછાળ
જુનના આરંભથી યુકેમાં પ્રવેશતા બ્રિટિશ નાગરિક સહિત કોઇ પણ વ્યક્તિને ૧૪ દિવસ ફરજિયાત ક્વોરન્ટીનમાં રહેવું પડશે. આમ નહીં કરનારને ૧૦૦૦ પાઉન્ડનો દંડ કરવામાં આવશે. સરકારના આ નિર્ણયની એરલાઇન અને પ્રવાસન ઉદ્યોગે ટીકા કરી છે.
કેબિનેટ પ્રધાન બ્રાન્ડોન લેવિસે જણાવ્યું હતું કે પ્રવાસીઓને સંપર્ક વિગતો સાથે ફોર્મ ભરાવવામાં આવશે અને આરોગ્ય અધિકારીઓ નિયમનું ઓન ધ સ્પોટ પાલન કરાવશે.
ગૃહ પ્રધાન પ્રિતી પટેલે જાહેર કરેલી વિગતો અનુસાર આયરલેન્ડ અને ટેલ આયલેન્ડના પ્રવાસીઓને આ બાબતે રાહત આપવામાં આવી છે. લેવિસે જણાવ્યું હતું કે પાછાં ફરી રહેલાં બ્રિટિશ નાગરિકો ઘરે જઇને હોમ ક્વોરન્ટીન કરી શકે છે પણ પ્રવાસીઓએ તેઓ ક્યાં ૧૪ દિવસ કવોરન્ટિન કરાવવું તેની વ્યવસ્થા કરાવવી પડશે.
યુકે એરલાઇન્સના સંગઠનએરલાઇન્સે યુકેએ વડા પ્રધાન બોરીસ જ્હોન્સનને પત્ર લખી હતાશાનો સૂર કાઢયો છે. ક્વોરન્ટિનની જોગવાઇ ક્યારે પુરી થશે તેની કોઇ તારીખ નક્કી કરવામાં ન આવી હોવાથી લોકો યુકે આવવા-જવાનું જ ટાળશે. વિશ્વની અન્ય ઇકોનોમીઓ ક્વોરન્ટીન રદ કરી ખુલી રહી છે ત્યારે યુકેનું ઉડ્ડયન ક્ષેત્ર તેમની સાથે સ્પર્ધા નહીં કરી શકે. પંદર લાખ લોકોને રોજગાર આપતાં આ ક્ષેત્રની રિકવરી સરકારના આ પગલાંથી વિલંબમાં પડશે.
બીજી તરફ બ્રિટિશ સંશોધકોએ ૧૦,૦૦૦ લોકોને રસીના ટેસ્ટિંગ માટે તૈયાર કર્યા છે. તેમના ટેસ્ટિંગ પરથી જણાશે કે રસી કારગર છે કે નહીં. ઓક્સફર્ડ વેકસિન ગુ્રપના વડા એન્ડ્રયુ પોલાર્ડે જણાવ્યું હતું કે ક્લિનીકલ સ્ટડીઝમાં બરાબર પ્રગતિ થઇ રહી છે. હવે બાળકો અને પુખ્ત વયના લોકોને આ શોટ આપવામાં આવશે. ઓક્સફર્ડમાં બિનનુકસાનકારક ચિમ્પાન્ઝીનો શરદીનો વાયરસ ખપમાં લેવામાં આવી રહ્યો છે. આ વાઇરસ એન્જિનિયર્ડ છે જેથી તે ફેલાવાનો ભય નથી.
હાલ યુરોપ અને અમેરિકામાં એક ડઝન જેટલી રસીઓ વિકાસના વિવિધ તબક્કે છે. જે હવે માનવ પર પરીક્ષણ માટે તૈયાર છે. બીજી અન્ય એક ડઝન રસીઓ તેની પૂર્વેના તબક્કે છે. હાલ વિવિધ રસીઓ વિવિધ રીતે વિકસાવવામાં આવી રહી છે. જેમાંથી એક તો સફળ થવાની આશા રહે.
બીજી તરફ ઇસ્લામાબાદ હાઇકોર્ટે ઇસ્લામાબાદના પ્રાણી સંગ્રહાલયમાં રહેલાં તમામ પ્રાણીઓને એક મહિનામાં અભયારણ્યમાં મોકલી આપવાનો આદેશ આપ્યો છે. કોરોના વાઇરસની મહામારીને કારણે કાવન નામના હાથીની હાલત ચર્ચાનો વિષય બનતાં તેને પણ અભયારણ્યમાં મોકલવાનો આદેશ આપ્યો હતો. ચીફ જસ્ટિસ અથર મિનાલ્લાએ ૬૭ પાનાના ચૂકાદામાં રઝળતાં કૂતરાઓની વસ્તી ઘટાડવા તેમને ગોળી મારવાના કામને પણ બંધ કરવા જણાવ્યું હતું.
કાવન હાથી એક વર્ષનો હતો ત્યારે તેને શ્રીલંકા સરકારે ૧૯૮૫માં ઇસ્લામાબાદ ઝૂમાં ભેટ આપ્યો હતો. ૨૦૧૫માં ખબર પડી કે કાવનને સતત સાંકળોથી બાંધી રાખવામાં આવતો હતો. જેને પગલે અમેરિકન અભિનેત્રી ચેર દ્વારા આ બાબતને મુદ્દો બનાવી પાકિસ્તાની સરકારને કાવનને મુક્ત કરવાની અપીલ કરી હતી. ચેરે સરકારના આ નિર્ણયને વધાવ્યો હતો.
બીજી તરફ રશિયામાં ૨૪ કલાકમાં કોરોનાને કારણે મૃત્યુ પામનારાની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે. રશિયામાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૫૦ જણાના મોત થતાં મૃતકોની કુલ સંખ્યા ૩૨૪૯ પર પહોંચી છે.
રશિયાના ઓછા મૃત્યુ દરને પગલે રશિયા ખોટાં આંકડા આપતું હોવાની અટકળોએ જોર પકડયું હતું. દેશના મોટાભાગના હિસ્સામાં ૩૦ માર્ચથી લોકડાઉનનો અમલ ચાલુ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.