પાંજરાપોળ ચાર રસ્તા પાસે ગત ૨૧મી નવેમ્બરને ગુરૂવારે સવારે ગીર-સોમનાથના કોંગ્રેસના આગેવાન અને આહીર સમાજના અગ્રણી હિરાભાઈ રામના બે પરિણીત પુત્ર નયન અને જયેશને બીઆરટીએસ બસે કચડી નાખવાના કેસમાં એવો ઘટસ્ફોટ થયો છે કે, BRTSના બસના ડ્રાઈવર ચિરાગ પ્રજાપતિએ અકસ્માતના દિવસે ત્રણ ટ્રીપો મારીને ૧૮ વખત ટ્રાફિક સિગ્નલનો ભંગ કર્યો હતો. આ ડ્રાઈવરે મુકેલી જામીન અરજી ગુરૂવારે કોર્ટે ફગાવી દીધી હતી.
અકસ્માતની ઘટના બાદ મ્યુનિ. તંત્ર અને પોલીસ તંત્ર એલર્ટ થયુ હતુ અને તપાસ વૈજ્ઞાનિક ઢબે તપાસ કરી ઈપીકો કલમ ૩૦૪નો ઉમેરો કરીને આરોપી ચિરાગ પ્રજાપતિની ધરપકડ કરી હતી. દરમ્યાનમાં આરોપી ચિરાગ પ્રજાપતિએ જામીન મેળવવા માટે અરજી કરી હતી.જેમાં મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે કોર્ટને જણાવ્યુ હતુ કે, આરોપી સામે સાપરાધ મનુષ્યવધનો ગંભીર ગુનો છે. બી.આર.ટી.એસ. બસમાં ફીટ કરેલ GPS સિસ્ટમ અન્વયે ઉસ્માપુરા ખાતેનાં CCTV કંન્ટ્રોલ ખાતે તપાસ કરતાં આરોપી ડ્રાઈવરે બનાવ વખતે BRTS બસને બ્રેક મારી નહોતી. આરોપી ડ્રાઈવરે BRTS બસ ચલાવતી વખતે મોબાઈલ ફોન ઉપર વાત કર્યાનું જણાઈ આવે છે. જેને નજરે જોનાર સાક્ષીઓના નિવેદનોમાં સમર્થન આપે છે. આરોપી ડ્રાઈવરે કાયદાનું પાલન નહીં કરી, જીવલેણ અકસ્માત થશે તેવી પુરી જાણકારી સાથે એ લોકોની જિદગીં જોખમમાં મુકાય તે રીતે BRTSની બસ ચલાવી હતી. આ પ્રકારની ક્રુર ગુનાહિત માનસિકતા ધરાવતા હોવાનું હાલના તબક્કે જણાઈ આવે છે.
આ અકસ્માતના સંદર્ભમાં વધુ માહિતી એ પણ મળી કે BRTSના બસ ડ્રાઈવર ચિરાગ પ્રજાપતિએ અકસ્માતના દિવસે ત્રણ ટ્રીપો મારીને ૧૮ વખત ટ્રાફિક સિગ્નલનો ભંગ કર્યો હતો. જે ઉસ્માનપુરા કન્ટ્રોલ રૂમના સીસીટીવી ફુટેજ ચેક કરતા બહાર આવ્યુ છે. આરોપી ડ્રાઈવરે બસ ચલાવતી વખતે મોબાઈલનો સતત ઉપયોગ કર્યો હતો. રીકન્ટ્રકશન દરમ્યાન પણ અકસ્માત માટે ડ્રાઈવર જ જવાબદાર હોવાનું પ્રથમદર્શીયન જણાઈ આવે છે. આરોપી ડ્રાઈવર છેલ્લા ચાર માસથી BRTS બસ આજ રૂટ ઉપર ફેરવી રહ્યો છે. એટલે કયુ સિગ્નલ કયારે ખુલશે તેનાથી વાકેફ હોવા છતા રેડ સિગ્નલમાં બસ ચલાવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.