સુરતના મોટા વરાછા ખાતે બીએમડબલ્યુ કાર સાથે ડિવાઈડરની વચ્ચેથી નીકળેલી ભેંસ ભટકાતા અકસ્માત થયો હતો અને આ દરમિયાન ત્રણેક જણાએ આવીને કાર ચાલકના ટાંટિયા તોડવાની ધમકી આપતા પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા પોલીસ આવી પહોંચી હતી.
મોટા વરાછા ખાતે રિવર વ્યુહાઈટ્સમાં રહેતા 38 વર્ષીય મિતેશભાઈ મનસુખભાઈ બાલધા મુળ રાજકોટના વતની છે. તેઓ મોટા વરાછા ખાતે કેંગન વોટર મશીનનો વેપાર કરે છે. ગત 26 તારીખે સવારે તેઓ મોટા વરાછા ખાતે તેમની ઓફિસે ગયા હતા. સાંજે ઓફિસથી ઘરે જવા નીકળ્યા હતા અને ત્યારે તેમની બીએમડબલ્યુ એક્સ7 કાર (જીજે-05-આરએસ-8740) ઓફિસથી થોડે દૂર ડિવાઈડર વચ્ચે એક ભેંસ અચાનક આવી જતા કાર સાથે અથડાઈ હતી.
ભેંસ નીચે પડી જતા ઉભી થઈને નીકળી ગઈ હતી. ત્યારે કાર આગળ લેતી વખતે એક વ્યક્તિએ ડંડો કારની પાછળ માર્યો હતો અને મિતેશભાઈને મારી ભેંસનો પગ ભાંગી નાંખ્યો તેમ કહીને ગાળો આપી હતી અને બીજો એક વ્યક્તિ અને મહિલાએ આવીને ગાળો આપી હતી. તું ગાડીમાંથી નીચે ઉતર તારા પણ ટાટીયા ભાંગી નાખીએ તેમ કહીને ધમકી આપી હતી જેથી કાર ચાલકે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા પીસીઆર વાન આવી પહોંચી હતી. અને ત્રણેયના નામ પૂછતા વિજય સોમા સીંગાડે, બટુક પંડીત શીંદે અને કસમાબેન સોમા સીંગાડે હોવાનું જણાવ્યું હતું. ઉત્રાણ પોલીસે તેમની સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.