હવે નાગરિકો તો ઠીક પોલીસવાળાને પણ કાયદાની કંઇ પડી ન હોય તેમ લાગી રહ્યું છે. હાલમાં PI ના વિદાયસમારંભની શાહી સુકાઇ નથી ત્યાં વધારે એક પોલીસનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. સુરતના એક પોલીસ કર્મચારીએ જાહેરમાં જન્મ દિવસની ઉજવણી કરતા વિવાદ ઉભો થયો છે. વૈભવી કારમાં આતશબાજી કરી જાહેરમાં ઉજવણી કરનારા આ પોલીસ કર્મચારીઓનાં વીડિયો ફરીથી સુરતનું સોશિયલ મીડિયા ગાંડું કર્યું છે.
સુરતમાં પુના પોલીસ મથકમાં ફરજ બજાવતો મહાવીરસિંહ નામનો પોલીસ કર્મચારી વૈભવી ગાડી પર આતશબાજી વચ્ચે જન્મદિવસની ઉજવણી કરી પોતે તમામ સત્તાઓથી પર હોવાનું ફરી એકવાર સાબિત કર્યું છે. જો કે હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થતા સુરત પોલીસ કમિશ્નર સામે સવાલો ઉઠી રહ્યા છે. નેક અને ઇમાનદાર પોલીસ અધિકારી તરીકેની છાપ ધરાવતા કમિશ્નર માટે કાયદો અને વ્યવસ્થા સાચવવા પડકારજનક બાબત બની છે. પોલીસ કર્મચારીઓ જ કમિશ્નરની આબરૂના ધજાગરા ઉડાવી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, બર્થડે ઉજવનારા મહાવીરસિંહ સામે માતબર રકમની માંગણીના કેસમાં ખાતાકીય તપાસ ચાલી રહી છે. ઉપરાંત આ જ વિસ્તારના માથાભારે શખ્સો સાથે સાંઠગાઠ હોવાનું પણ સામે આવ્યું છે. આ માથાભારે વ્યક્તિએ જ જન્મ દિવસની ઉજવણીની ગોઠવણી કરી અને પોતાની ગાડી પણ આપી હોવાનું સામે આવ્યું છે.
હાલ તો પોતાના સ્ટાફ પર કમિશ્નર કડક હાથે કાર્યવાહી કરે છે કે ભીનું સંકેલે છે તે જોવું રહ્યું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.