ચાલકો ચેતજો : કોબડી ટોલનાકા પર રાતોરાત ટોલ ટેક્સના ઉઘરાણાં શરૂ

– વર મરો, કન્યા મરો, ગોરબાપાનું તરભાણું ભરો.., રસ્તો બને ન બને સરકારી તિજોરી ભરાઈ

– કોઈ જાહેરાત વિના જ યુઝર ફી લેવાનું શરૂ કરી શલ્લછૈંએ વિવાદનો મધપૂડો છંછેડયો : ચોતરફ વિરોધનો વાયરો

ભાવનગર જિલ્લાના એકમાત્ર કોબડી ટોલ પ્લાઝાને કોઈ જ જાહેરાત કર્યા વિના રાતોરાત શરૂ કરી દેવાતા ચોતરફ વિરોધનો વંટોળ ઉભો થયો છે. કેન્દ્ર સરકારની નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાને જનતાની સુવિધા પહેલા પોતાની તિજોરી ભરવામાં જ રસ હોય તેમ હાઈવે રોડ પૂરતા પ્રમાણમાં ઉપયોગ કરવા લાયક હોય કે ન હોય તોય ‘વર મરો, કન્યા મરો, ગોરબાપાનું તરભાણું ભરો..’ તેમ યુઝર ફીના ઉઘરાણાં શરૂ કરી દીધા છે.

ભાવનગર-સોમનાથ હાઈવેનું વર્ષોથી મંથરગતિએ કામ ચાલી રહ્યું છે. નેશનલ હાઈવેને આરસીસીનો બનાવવા જે રીતે કામગીરી ચાલી છે, તેમાં વર્ષો સુધી વાહનચાલકોને રિતસરના બનામાં લેવાયા હતા. હજુ રોડ પૂરો થયો પણ નથી. ત્યાં તો દિવાળી પહેલા જ હોળી જેવો ડામ આપવાનો એનએચએઆઈએ તખલીધી ભર્યો નિર્ણય કરી કોબડી ટોલનાકા પર યુઝર ફી લેવાની જાહેરાત કરી દીધી હતી.

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના આ નિર્ણય સામે ભારે જનાક્રોશ ઉભો થતાં તેમજ મહિલા સાંસદની દરમિયાનગીરીને કારણે ટોલનાકું હજુ શરૂ થાય તે પહેલા જ નેશનલ હાઈવે ઓથોરિટીને ટોલ ટેક્સ ઉઘરાવવાનું મોકૂફ રાખવું પડયું હતું. પ્રચંડ જનાક્રોશ સામે ઝૂક્યાં બાદ પ્રજાનો રોષ શાંત પડી ગયો હોય તેવું પારખી જતા એનએચએઆઈએ આજે ૧૦મી ડિસેમ્બરને ગુરૂવારથી કોબડી ટોલનાકુ ફરી શરૂ કરી દીધું છે.

પબ્લીકને કોઈ જાણ કર્યા વિના જ ટોલ ટેક્સના ઉઘરાણાં શરૂ કરી દેવાતા સવારથી સાંજ સુધી અસંખ્ય વાહનચાલકો પણ શોક થઈ ગયા હતા અને ચાલકોને યુઝર ફીના નામે ખિસ્સા ખાલી કરવાની નોબત આવી હતી. ત્યારે રાતોરાત કોબડી ટોલનાકુ શરૂ થઈ ગયું છે, જેથી ચાલકોએ ચેતવું જરૂરી છે. જ્યારે કોબડી ટોલનાકાને લઈ ફરી વિરોધનો જુવાળ ઉભો થયો છે. સામાન્ય નાગરિકોની સાથે વેપારી મહાજન મંડળો, અલંગના વ્યાપારીઓ તેમજ રાજકીય નેતાઓએ ટોલનાકાનો ખુલ્લો વિરોધ કરી ટોલ ટેક્સ કલેક્શનની કાર્યવાહી તાત્કાલિક અસરે મુલતવી રાખવા માગણી કરી છે.

કોંગ્રેસ મેદાનમાં, ઉપવાસ આંદોલન છેડીશું

કોબડી ટોલ પ્લાઝા પરથી વાહનચાલકો પાસે યુઝર ફીના ઉઘરાણાં શરૂ કરી દેવાતા હવે કોંગ્રેસ મેદાનમાં ઉતરશે. તળાજાના ધારાસભ્ય કનુભાઈ બારૈયાએ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીનો આ મામલે સંપર્ક કરી વિરોધ દર્શાવતા અધિકારીએ ઉલ્ટા ચોર કોટવાલ કો ડાંટેની જેમ ધારાસભ્ય સાથે એવી દલીલ કરી હતી કે, લોકો પૈસા (ટોલ ટેક્સ) ભરે છે, તો તમને શું વાંધો છે ? એમ જણાવી લોકલ પાસેથી ટોલ ટેક્સ લેવામાં ન આવતો હોવાનો બચાવ કર્યો હતો. જો કે, પહેલા દિવસે લોકલ વાહનચાલકોએ પણ યુઝર ફી આપ્યાનું બહાર આવ્યું છે. ત્યારે લોકલ વાહનચાલકો પાસે ટોલ ટેક્સ ન વસૂલવા અને રોડનું ટૂંકડા ટૂંકડા કામ થયું છે, તે આખો હાઈવે રોડ ન બને ત્યાં સુધી ટોલ ટેક્સનો નિર્ણય મોકૂફ રાખવાની માગણી કરાશે. જો માગણી નહીં સંતોષાય તો ભાવનગર, તળાજા, મહુવા પંથકના લોકો રોડ ઉપર ઉતરી આવશે. કોંગ્રેસ પણ જનતાના પ્રશ્ને ઉપવાસ આંદોલન છેડશે તેવી ધારાસભ્યએ ચિમકી ઉચ્ચારી હતી. સરકારને લોકોના ખિસ્સા ખંખેરવામાં જ રસ હોય તેમ સર્વિસ રોડને પણ ટોલનાકે પેક કરી દીધો છેે. અગાઉ કલેક્ટર કચેરીમાં સંકલન સમિતિની બેઠક દરમિયાન આ મુદ્દો અધિકારી સમક્ષ રજૂ કર્યો હતો તેમ ધારાસભ્યએ જણાવ્યું હતું.

સર્વિસ રોડ જર્જરીત, કામ પૂર્ણ થયા બાદ ટોલ ટેક્સ લ્યો : ચેમ્બર

ભાવનગર જિલ્લાની જનતાને અંધારામાં રાખી રાતોરાત કોબડી ટોલ પ્લાઝા શરૂ કરી દેવાયો છે. તેની સામે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોર્મસ એન્ડ ઈન્ડસ્ટ્રીએ વિરોધ દર્શાવ્યો છે. લોકોમાં ભારે રોષ હોય, ચેમ્બરે એવી માગણી કરી છે કે, હાઈવે પર ફોરલેન રોડની કામગીરી હજુ શરૂ છે. વાહનચાલકો માટે જે સર્વિસ રોડ બનાવાયો છે તે પણ જર્જરીત હાલતમાં છે. તો સર્વિસ રોડની રિપેરીંગ કામ કરાઈ તેમજ ફોરલેનની કામગીરી પૂર્ણ થયા બાદ જ ટોલ ટેક્સ વસૂલવામાં આવે. યુઝર ફી લેવાનું શરૂ કરતા પહેલા મીડિયાના માધ્યમથી લોકોને જાણ કરવામાં આવે જેથી ભાવનગર-તળાજા કે અન્ય સ્થળોએ નિયમિત રીતે આવન-જાવન કરતા લોકો આયોજન કરી માસિક પાસ લઈ શકે તેવી માગણી કરી છે.

32 દિવસ પહેલા યુઝર ફીનો નિર્ણય પાછો લેવો પડયો’તો

ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવેના કોબડી ટોલ પ્લાઝાને દિવાળી પહેલા તા.૬-૧૧થી શરૂ કરવા જાહેરાત કરાઈ હતું. પરંતુ તે સમયે હાઈવે પણ ઘણી જગ્યાએ બ્રીજ, બાયપાસ અને સર્વિસ રોડનું કામનું કામ બાકી હોવાથી પ્રજાને રોષને પારખી ગયેલા તેમજ રાજકીય દબાણના કારણે આગલી રાત્રે જ કોબડી ટોલ પ્લાઝા પર યુઝર ફી (ટોલ ટેક્સ) લેવાનો નિર્ણય નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાને પાછોં ખેંચવાની નોબત આવી હતી.

દાવો : તળાજાથી રાજુલા વચ્ચેનું કામ 10 દી’માં પૂરૂ કરાશે 

એનએચએઆઈના સ્થાનિક અધિકારીનો સંપર્ક સાધતા તેમણે ટોલ ટેક્સ વસૂલવાની કામગીરીનો આરંભ કર્યાનો સ્વીકાર કરી જણાવ્યું હતું કે, તણસા, ત્રાપજ, તળાજા સુધીના રોડનું કામ થઈ ગયું છે અને બાકીના રોડનું કામ અઠવાડિયામાં પૂર્ણ કરી દેવાશે. મહુવાના બોરડા, લોંગળી, ભાદ્રોડ, વડલી સુધીનું કામ પણ થઈ ગયાનો તેમણે દાવો કર્યો હતો. તળાજાથી રાજુલા વચ્ચેનું કામ આજથી શરૂ કરાયું છે. જેને ૧૦ દિવસમાં પૂરૂ કરી દેવાશે. નેશનલ હાઈવે પ્રોજેક્ટમાં અલગ-અલગ પેકેજ છે. જેમાં ભાવનગર-તળાજા વચ્ચે જેટલી જમીન મળી છે તેમાંથી ૮૦ ટકા કામ કરાયું છે. ટોલ પ્લાઝા શરૂ કરવાને લઈ વિરોધ થતાં આ અંગે તેમની પાસે રજૂઆતો પણ આવી હોવાનું કહ્યું હતું. વધુમાં ગત માસે યુઝર ફી લેવાનો નિર્ણય પાછો ખેંચાયો ત્યારે અધિકારી સામે પગલા કેમ ન ભરવા ? તેમાં કહીં ઉપલી કચેરીએ ખખડાવ્યા હોવાનું ઉમેર્યું હતું.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.