ચીફ જસ્ટિસના માતુશ્રી સાથે અઢી કરોડની છેતરપીંડી, મુક્તાબાઈ બોબડેના કર્મચારીએ ગોલમાલ કરી

– સીડન લોનના કેરટેકર તાપસ ઘોષ સામે ફરિયાદ

દેશના ચીફ જસ્ટિસ શરદ અરવિંદ બોબડેના માતુશ્રી મુક્તાબાઇ બોબડે સાથે અઢી કરોડ રૂપિયાની છેતરપીંડી થઇ હોવાની ફરિયાદ મુંબઇ પોલીસને કરવામાં આવી હતી.

મુક્તાબાઇ નાગપુરમાં આકાશવાણી સ્ક્વેર પાસે સીડન લોન નામના પાર્ટી પ્લોટના માલિક છે. તેમણે 2007માં એક તાપસ ઘોષને આ પાર્ટી પ્લોટના કેરટેકર તરીકે રાખ્યો હતો, તાપસને પગાર ઉપરાંત દરેક બુકિંગ માટે કમિશન આપવામાં આવતું હતું

મુક્તાબાઇની ઉંમર અને કથળતા સ્વાસ્થ્યને જોઇને તાપસ અને એની પત્નીએ આર્થિક ગોલમાલ શરૂ કરી હતી. પોલીસે જણાવ્યા મુજબ તાપસે સંખ્યાબંધ પાર્ટીઓને બોગસ રસીદ પકડાવીને પૈસા વસૂલ કર્યા પરંતુ મુક્તાબાઇને ચૂકવ્યા નહીં. આખરે મુક્તાબાઇએ પોલીસ ફરિયાદ કરી હતી.

નાગપુર પોલીસ કમિશનર અમિતેશ કુમારે મિડિયાને કહ્યું કે ડીસીપી વિનિતા સાહુની આગેવાની હેઠળ પોલીસ તપાસ કરી રહી હતી. કેટલીક પાર્ટીઓએ બુકિંગ રદ કર્યા પછી પણ તેમણે ચૂકવેલાં નાણાંનું રિફંડ નહીં મળતાં આ કૌભાંડ બહાર આવ્યું હતું અને આ વર્ષના ઑગષ્ટમાં મુક્તાબાઇએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે તાપસ ઘોષની ધરપકડ કરી લીધી હતી. પોલીસ કમિશનર અમિતેશ કુમારે કહ્યું કે પોલીસે 2017થી તમામ બુકિંગના રેકોર્ડ તપાસ્યા ત્યારે ખબર પડી કે તાપસે અઢી કરોડ રૂપિયાની ગોલમાલ કરી હતી. વધુ તપાસ ચાલુ હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.