છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ રાજ્યના 97 તાલુકાઓને ભીંજવ્યા, સૌથી વધુ આહવામાં, જાણો ક્યાં કેટલાં ઇંચ વરસ્યો..

રાજ્યનાં 97 તાલુકામાં વરસાદ નોંધાવા પામ્યો છે. જેમાં આહવામાં સૌથી વધુ 3.7 ઈંચ વરસાદ જ્યારે ભરૂચમાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે.

1. 24 કલાકમાં 97 તાલુકામાં વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 97 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં ડાંગનાં આહવામાં સૌથી વધુ 3.7 ઈંચ વરસાદ નોંધાયો છે. ચીખલીમાં 3.5 ઈંચ, ક્વાંટમાં 3 ઈંચ, પલસાણામાં 2.9 ઈંચ, નાંદોદ, ગારીયાધાર, છોટાઉદેપુરમાં 2.8 ઈંચ, ભરૂચ, ડોલવણ, ગળતેશ્વર, સાગરબારા, ગણદેવીમાં 2 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે ખેમગામ, કઠલાલ, લીલીયા, ઝઘડીયામાં પોણા બે ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે અન્ય તાલુકાઓમાં 1 મીમીથી દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો.

2. ફરી વરસાદી માહોલ જામ્યો

ભાવનગર જિલ્લામાં ફરી વરસાદી માહોલ જામ્યો હતો. જિલ્લાના ભાવનગર અને ઘોઘા પંથકમાં વરસાદ વરસ્યો. આજે ઘોઘા તાલુકાના ઉખરલા, નાના ખોખરા,અગિયાળી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝરમર વરસાદ વરસ્યો. સમયસર વરસાદ આવી જતા ખેડૂતોમાં ખુશીનો માહોલ.

3. જૂનાગઢનાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો

જૂનાગઢનાં વાતાવરણમાં પલટો આવ્યો છે.અસહ્ય ગરમી અને બફારા બાદ વરસાદનું આગમન થયું છે. વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદને કારણે પાણી ફરી વળ્યા છે.

4. વરસાદ પડતા લોકોએ ગરમીમાંથી આંશિક રાહત મેળવી

તાપી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. કેટલાક વિસ્તારોમાં ધીમીધારે તો કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાની થઈ શરૂઆત થઈ છે. ડોલવણ, વ્યારા, વાલોડ સહિતના તાલુકામાં વરસાદી માહોલ. ડોલવણ તાલુકામાં બે કલાકમાં બે ઇંચ વરસાદ પડતાં ગરમીમાંથી રાહત મળી હતી. લાંબા સમયના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થતાં ગરમીમાંથી લોકોએ આંશિક રાહત અનુભવી હતી.

5. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં બે કલાકમાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો

જિલ્લાના ગારીયાધાર તાલુકામાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે. ગારીયાધાર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં બે કલાકમાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો છે. ગારીયાધાર, ચોમાલ, વાવડી, પરવડી, ચારોડીયા, સુરનગર, માંડવી, નવાગામ, દમરલા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. ગારીયાધાર પંથકમાં વરસાદી માહોલથી ખેડૂતોના પાકને જીવતદાન મળ્યું છે.

6. અચાનક વાતાવરણમાં પલટો

સુરેન્દ્રનગર અને વઢવાણમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. લાંબા સમયના વિરામ બાદ વરસાદનું આગમન થયું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.