ચીનમાં હવે આ વાયરસનો હાહાકાર : 3000થી વધુ લોકો થયા શિકાર, એક ભૂલ ભારે પડી

કોરોના વાઇરસના ચેપની વાતો હજુ શમી નથી એટલામાં ચીનમાં નવા પ્રકારની બીમારીએ દેખા દીધી હતી. બ્રુસેલોસિસ નામની આ બીમારીનો ચેપ (સંક્રમણ ) ત્રણ હજાર વ્યક્તિને લાગુ પડ્યો હોવાની જાણકારી મળી હતી.

વાયવ્ય ચીનના ગંસુ ક્ષેત્રમાં લાંઝૌ વિસ્તારમાં ત્રણ હજારથી વધુ લોકોનો બ્રુસેલોસિસ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. અત્યાર સુધીમાં 21,847 લોકોનો ટેસ્ટ કરાયો હતો. શરૂઆતમાં 4646 લોકો પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. પછી 3,245 લોકોને પોઝિટિવ કન્ફર્મ થયું હતું.

ગંસુ પ્રોવિન્શ્યલ ફોર ડિસિઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેનન્શનના એક રિપોર્ટને ટાંકીને ગ્લોબલ ટાઇમ્સે આ સમાચાર પ્રગટ કર્યા હતા. જો કે હજુ સુધી આ બીમારીથી કોઇ મરણ થયું નથી. આ બીમારી અંગે એવો દાવો કરાયો હતો કે ગયા નવેંબરમાં એક બાયોલોજિકલ ફાર્મા ફેક્ટરીએ જાનવરો પર અજમાવવા માટે બ્રુસેલા વેક્સિન બનાવવા માટે એક્સપાયરી ડેટ આવી ચૂકેલા જંતુનાશકો અને સેનીટાઇઝર્સનો ઉપયોગ કર્યો હતો. ગયા વર્ષના જુલાઇ ઑગષ્ટમાં આ ફેક્ટરી વેસ્ટ ગેસ દ્વારા બેક્ટિરિયાનો નાશ કરવામાં સફળ થઇ નહોતી. પરિણામે બ્રુસેલોસિસ બીમારીનો ચેપ પ્રસર્યો. જો કે આ  માહિતી ખરી હોવા વિશે હજુ ઔપચારિક રીતે જાહેરાત કરાઇ નહોતી.

ચીનના લાંઝૌ શહેરની તમામ હૉસ્પિટલોને નવી મહામારી માટે જરૂર પડ્યે તૈયાર રહેવાની તાકીદ કરી દેવામાં આવી હતી. હૉસ્પિટલોને એવી તાકીદ પણ કરાઇ હતી કે લોકોનો આ બીમારીનો ટેસ્ટ ફ્રી કરવાનો છે. આ બીમારીમાં વ્યક્તિને તાવ આવે છે, સાંધા જકડાઇ જાય છે, બેચેની અને અસ્વસ્થતા અનુભવાય છે અને સતત પસીનો થાય છે. જો કે અત્યારે એવો દાવો કરાયો હતો કે આ બીમારી સૂવર, કૂતરા અને ઘેટાં-બકરાંને વધુ થાય છે. દૂધાળા જાનવરોને થાય અને એનું દૂધ જે લોકો  વાપરે એને આ ચેપ જલદી લાગી રહ્યો હતો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.