ચીનમાં ભયાનક પૂર : 13નાં મોત, બે લાખનું સ્થળાંતર

– દક્ષિણ અને મધ્ય ચીનમાં પૂરની ગંભીર સ્થિતિથી 50 કરોડ ડોલરનું નુકસાન

– ગ્વાંગ્શી અને હૂનાન પ્રાંતમાં વિનાશ વેરાયો, પૂરની ઝપટમાં ચડેલાં 1000 કરતાં વધુ મકાનો પડી ભાંગ્યાં : ચીનમાં 1998 પછી સૌથી મોટો પૂરપ્રકોપ

ચીનના ગ્વાંગ્શી અને હૂનાન પ્રાંતમાં ભયાનક પૂર આવ્યું હતું. એ પૂરમાં ૧૩નાં મોત થયા છે અને ડઝનેક લોકો લાપતા થયા હોવાના અહેવાલો છે. દક્ષિણ અને મધ્ય ચીનમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ગ્વાંગ્સી પ્રાંત નદીઓ માટે વિખ્યાત છે. એ જ નદીઓ ગાંડીતૂર બનતા બે લાખ લોકોનું સ્થળાંતર કરાવવાની ફરજ પડી હતી. નીચાણવાળા સ્થળોએથી લોકોને બહાર કાઢવા બચાવ કામગીરી શરૂ કરાઈ હોવાનું સરકારી અધિકારીઓએ કહ્યું હતું.

કોરોના મહામારીમાંથી માંડ બેઠા થયેલાં ચીન પર કુદરતની બીજી થપાટ પડી છે. ચીનમાં બે દશકા પછી પૂરપ્રકોપે તાંડવ મચાવ્યું છે.

અંદાજે બે લાખ લોકોનું તાત્કાલિક સ્થળાંતર કરાવાયું હતું. બેઘર થયેલા લોકોને રાતોરાત આક્ષયગૃહોમાં સ્થાન આપવામાં આવ્યું હતું. ગત સપ્તાહે પહેલી વખત નદીઓના પાણી કાંઠાની બહાર ફરી  વળ્યા હતા. ચીનમાં આ પૂરપ્રકોપના કારણે અત્યાર સુધીમાં અંદાજે ૫૦ કરોડ ડોલરનું નુકસાન થયાનો અંદાજ છે. દક્ષિણ અને મધ્ય ચીનમાં પૂરપ્રકોપે તારાજી સર્જી છે. પૂરના ઝપટે ચડેલાં અંદાજે ૧,૦૦૦ મકાનો ધરાસાઈ થઈ ચૂક્યા છે. ૨.૨૮ લાખ લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા અને એટલાં જ બીજાને ચેતવણી આપવામાં આવી હતી. ગમે ત્યારે પૂરની સ્થિતિ વધતી જશે તો વધારે લોકોનું સ્થળાંતર કરાવાશે.

નદીઓ માટે જાણીતા આ બંને પ્રાંતમાં અતિવૃષ્ટિના કારણે નદીઓ ગાંડીતૂર બની ગઈ છે.

હજુ પણ જો આ સ્થિતિ રહેશે તો નુકસાનીનો આંકડો વધવાની શક્યતા છે.

બંને પ્રાંતના સ્થાનિક અધિકારીઓના કહેવા પ્રમાણે રાહત કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. પાણી કાબુમાં આવે તે માટેના  પગલાં ભરવાનું શરૂ થયું છે.

ચીનમાં ૧૯૯૮ પછી આ સૌથી મોટો પૂરપ્રકોપ છે. ૧૯૯૮માં ચીનમાં ભયાનક પૂર ત્રાટક્યું હતું, જેમાં બે હજાર કરતાં વધુ લોકોનાં મોત થયા હતા અને કરોડો ડોલરનું નુકસાન થયું હતું.

એ પૂરમાં નાના-મોટાં ૩૦ લાખ મકાનો પડી ગયા હતા. ૨૧-૨૨ વર્ષ પછી ચીનમાં ફરીથી આવો જ ભયાનક પૂરપ્રકોપ સર્જાયો હતો. કોરોના મહામારીમાંથી માંડ બેઠા થયેલા ચીન પર કુદરતની વધુ એક થપાટ પડી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.