ચીનમાં બનેલી ભયજનક ઘટના, જોખમી રોલર કોસ્ટરમાં 197 ફૂટ ઊંચે 1 કલાક લોકો લટકી રહ્યા

ચીનના જિયાંશુ પ્રાંતના વુશીમાં વીસ વ્યક્તિ એક કલાક સુધી ધરતીથી 197 ફૂટ ઊંચે ઊંધે માથે લટકી ગઇ હોવાનો ચોંકાવનારો બનાવ બન્યો હતો.

વુશીમાં આવેલા સુનાક એમ્યુઝમેન્ટ પાર્કમાં એક રોલર કોસ્ટરની મજા માણવા ગયેલા વીસ લોકો રોલર કોસ્ટર અધવચ અટકી પડતાં ઊંધે માથે લટકી ગયા હતા. એક કલાક સુધી તેમણે આ રીતે લટકતા રહેવું પડ્યું હતું. એક કલાક પછી આ બધાંને સુરક્ષિત રીતે ઊતારવામાં આવ્યા હતા.

એમ્યુઝમેન્ટ પાર્કના સંચાલકોએ લોકોની માફી માગી હતી. સુનાક પાર્કમાં બનેલી આ ઘટના નવી નથી. ચીનના સરકારી મુખપત્ર ગ્લોબલ ટાઇમ્સના રિપોર્ટ મુજબ આ પહેલાં 2019માં પણ આવી ઘટના બની હતી. રોલર કોસ્ટર આખું ભરેલું હતું અને અચાનક હવામાં અટકી ગયું હતું. આ રોલર કોસ્ટરના ચાલકનો એવો દાવો હતો કે  રોલર કોસ્ટરના માર્ગમાં કોઇ પક્ષી ઊડતું આવી ચડે તો રોલર કોસ્ટરના સેન્સર તરત  એને અટકાવી દે છે જેથી કોઇ દુર્ઘટના ન બને.

મિડિયા અને સરકારી અધિકારીઓ ઘટનાસ્થળે પૂછપરછ કરવા ગયા ત્યારે પાર્કના સંચાલકોએ તેમને કહ્યું કે અમારા તરફથી આ ઘટનાની તપાસ ચાલી રહી હતી. આ રોલર કોસ્ટર 4,192 ફૂટ લાંબું છે. એ કલાકના 119 કિલોમીટરની ઝડપે સૂસવાટા મારતું ચાલે છે અને એની કુલ ઊંચાઇ 197 ફૂટની થવા જાય છે. પાર્કના સંચાલકોનો દાવો હતો કે આ રોલર કોસ્ટર આધુનિક ટેક્નોલોજીના આધારે બન્યું હતું અને  લોકોની સુરક્ષાને અગ્રતા આપવામાં આવે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.