ચીનમાં કોરોનાએ માથું ઊંચક્યું, 951 નવા કેસ નોંધાયા : વિશ્વમાં 71,263નાં મોત

વિશ્વના ૧૯૧ દેશોમાં કોરોનાના ૧૨,૯૬,૯૩૪ દર્દીઓ નોંધાયા હતા. ૭૧,૨૬૩ લોકોનાં મોત થયા હતાં. ચીનમાં ફરીથી કોરોનાએ માથું ઊંચક્યું છે. ૯૫૧ નવા કેસ નોંધાયા હોવાનું હેલ્થ વિભાગે જણાવ્યું હતું. અમેરિકા, સ્પેન, બ્રિટન, ઈરાનમાં મૃત્યુ આંક ઊંચો રહ્યો હતો.

ચીનમાં કોરોના કાબુમાં આવી ગયો હોવાનો દાવો થઈ રહ્યો છે, એ દરમિયાન નવા ૯૫૧ દર્દીઓ નોંધાયા હતા. ચીની સરકારના હેલ્થ વિભાગના કહેવા પ્રમાણે સ્થાનિક ૩૯ દર્દીઓનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તે સિવાયના તમામ દર્દીઓ વિદેશથી ચીનમાં પાછા ફરેલા ચીની નાગરિકો છે. ચીને કોરોના કાબુમાં આવ્યો પછી વિદેશમાં ફસાયેલા ચીની નાગરિકોને એરલિફ્ટ કર્યા હતા. એમાંથી ઘણાનો રીપોર્ટ પોઝિટિવ આવતા ચીનમાં દોડધામ મચી ગઈ છે.

ઈરાનમાં કોરોનાનું લોકલ ટ્રાન્સમિશન ઘટયું હોવાનો દાવો સરકારે કર્યો હતો. તેમ છતાં એક દિવસમાં ૧૩૬નાં મોત થયા હતા. ૨૨૭૪ નવા કેસ નોંધાયા હતા. ઈરાનના સ્વાસ્થ્ય મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે કોરોના કાબુ આવ્યો છે એવું કહેવું થોડું વહેલું કહેવાશે, પરંતુ લોકલ સંક્રમણ નોંધપાત્ર રીતે ઘટયું હોવાથી કોરોના કાબુમાં આવી જશે એવી આશા ઉજળી બની છે.

એ જ રીતે સ્પેનમાં પણ મૃત્યુ આંક સતત ચોથા દિવસે નોંધપાત્ર રીતે ઘટયો હતો છતાં એક દિવસમાં કોરોનાના ૫૨૮ દર્દીઓનાં મોત થયાં હતાં. સ્પેનમાં નોંધાયેલો આ મૃત્યુ

આંક છેલ્લાં બે સપ્તાહમાં નોંધાયેલો સૌથી નીચો આંકડો છે.

બ્રિટનમાં એક દિવસમાં ૪૩૯નાં મોત થયા હતા ને ૩૮૦૦ કરતાં વધુ નવા કેસ દર્જ થયા હતા. બ્રિટનમાં ૫૧ હજાર કરતાં વધુ દર્દીઓના રીપોર્ટ પોઝિટિવ આવી ચૂક્યા છે અને અસંખ્ય શંકાસ્પદો દર્દીઓના રીપોર્ટ જ કરવામાં આવ્યાં નથી.

અમેરિકામાં પણ ૨૫૦૦ જેટલાં નવા કેસ જોવા મળ્યા હતા. મૃત્યુ આંકમાં ૭૩નો ઉમેરો થઈને કુલ ૯૬૯૦ લોકોના મોતનું કારણ કોરોના બન્યો હતો. અમેરિકામાં સૌથી વધુ ૩.૩૯ લાખ કેસ નોંધાઈ ચૂક્યા છે.  તે પછી સ્પેનમાં ૧.૩૫ લાખ દર્દીઓના રીપોર્ટ કોરોના પોઝિટિવ આવી ચૂક્યા છે. ઈટાલીમાં ૧.૨૮ લાખ દર્દીઓમાંથી ૧૩,૧૭૦ના મોત થઈ ચૂક્યા છે.

ચીનના નેશનલ હેલ્થ કમિશને કોરોનાનો અહેવાલ રજૂ કર્યો

ચીનમાં ૩૦મી ડિસેમ્બરે કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો : પ્રથમ વખત સરકારની જાહેરાત

વુહાનમાં નોંધાયેલા પહેલા દર્દીને ‘અજાણ્યો ન્યૂમોનિયા’ થયો હોવાનું તારણ કાઢીને સારવાર કરાઈ હતી : અગાઉ ચીની મીડિયાએ નવેમ્બરમાં પ્રથમ કેસ નોંધાયો હોવાનો દાવો કર્યો હતો

ચીનના નેશનલ હેલ્થ કમિશને પહેલી વખત સત્તાવાર રીતે કોરોના વાયરસની ટાઈમલાઈન પ્રસિદ્ધ કરી હતી. એ ટાઈમલાઈન પ્રમાણે ચીનમાં પ્રથમ કેસ ૩૦મી ડિસેમ્બરે નોંધાયો હતો અને એ દર્દીની સારવાર ન્યૂમોનિયાના દર્દી તરીકે થઈ હતી.

ચીની સરકારના સત્તાવાર અહેવાલ પ્રમાણે ચીનના વુહાનમાં કોરોનાનો પ્રથમ કેસ ૩૦મી ડિસેમ્બરે નોંધાયો હતો. એ વખતે વાયરસની કોઈ ઓળખ થઈ ન હોવાથી દર્દીની સારવાર ન્યૂમોનિયાના દર્દી તરીકે થઈ હતી.

વુહાન મ્યુનિસિપલ હેલ્થ કમિશનરે એક અરજન્ટ નોટિફિકેશન બહાર પાડીને મેડિકલ ઈન્સ્ટિટયૂટને સૂચના આપી હતી કે અજાણ્યા ન્યૂમોનિયાનો શિકાર બનેલા દર્દીની તાત્કાલિક સારવાર કરીને તેનો સમગ્ર અહેવાલ આપો.

ચીનના નેશનલ હેલ્થ કમિશને પહેલી વખત કોરોનાની સત્તાવાર ટાઈમલાઈન બહાર પાડી હતી. અગાઉ ચીની મીડિયાએ દાવો કર્યો હતો કે ચીનમાં કોરોનાનો પ્રથમ કેસ ૧૭મી નવેમ્બરે નોંધાયો હતો. એ પહેલાં ચીનની સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે ૮મી ડિસેમ્બરે પ્રથમ કેસ નોંધાયો હોવાની શક્યતા વ્યક્ત કરી હતી.

થોડા દિવસ પહેલાં ટ્રમ્પે ચીનની ઝાટકણી કાઢીને કહ્યું હતું કે ચીને કોરોનાની જાણકારી વિશ્વને મોડી આપી હોવાથી તેનો ફેલાવો દુનિયાભરમાં થયો હતો. એ પછી ચીનની દુનિયાભરમાં ટીકા થઈ હતી. ટીકાથી બચવા ચીને આખરે સત્તાવાર ટાઈમલાઈન જારી કરીને ક્યારે કેટલા કેસ નોંધાયા તે અને કેટલાં દર્દીઓની સારવાર ચાલી રહી છે તે આંકડો બહાર પાડયો છે. ચીનના કહેવા પ્રમાણે ૧૨૯૯ દર્દીઓની સારવાર હજુ ચાલી રહી છે અને ૭૭૦૭૮ દર્દીઓના રીપોર્ટ્સ નેગેટિવ આવતા તેમને હોસ્પિટલોમાંથી રજા આપી દેવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.