ચીન પરની ડિજિટલ સ્ટ્રાઈક રહેશે ચાલુ, હજુ અનેક ચીની એપ પર લાગી શકે છે પ્રતિબંધ

સરકારે ગૂગલ અને ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડરને પણ સંબંધિત એપ્લિકેશન દૂર કરવા નિર્દેશ આપ્યા

 

મોદી સરકારે દેશ માટે ખતરારૂપ બનેલી 59 ચાઈનીઝ મોબાઈલ એપ પર પ્રતિબંધ મુક્યો છે. આ આદેશ બાદ સરકારે ગૂગલ અને ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડરને પણ સંબંધિત એપ્લિકેશન દૂર કરવા નિર્દેશ આપ્યા છે. આ બધા વચ્ચે સરકાર ભવિષ્યમાં પણ ચીનને ડિજિટલ પ્લેટફોર્મ પર આંચકો આપી શકે છે તેવી માહિતી મળી રહી છે. જો જરૂર પડશે તો આગળ જતા પણ ચીની એપ પર પ્રતિબંધો લાગી શકે છે.

સરકારે 29મી જૂનના રોજ 59 ચીની એપ પર પ્રતિબંધ મુક્યો છે જેમાં ટિકટોક અને શેરઈટ જેવી પ્રખ્યાત એપ પણ સામેલ છે. સરકારે કરેલા દાવા પ્રમાણે આ એપના માધ્યમથી વિવિધ માહિતી અન્ય દેશમાં મોકલવામાં આવી રહી હતી જે દેશ માટે યોગ્ય નહોતું. સરકારે જણાવ્યું કે, જો ભવિષ્યમાં પણ કોઈ એપ દેશહિત વિરૂદ્ધ હોવાનું જણાશે તો આવી અનેક એપ વિરૂદ્ધ કાર્યવાહી થઈ શકે છે.

મોદી સરકારે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટિકટોક, વીચેટ, યુસી બ્રાઉઝર જેવી 59 ચીની એપ પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લીધો છે. થોડા દિવસ પહેલા પૂર્વીય લદ્દાખમાં ચીન અને ભારતની સેના વચ્ચે થયેલી હિંસક અથડામણમાં 20 ભારતીય જવાનો શહીદ થયા હતા અને ત્યાર બાદ જે તણાવ વધ્યો તેના વચ્ચે ભારત સરકારે સોમવારે આ નિર્ણય લીધો છે.

ઈલેક્ટ્રોનિક્સ અને સૂચના તકનીકી મંત્રાલયે આવી 59 ચીની એપની યાદી તૈયાર કરી છે જે હવે ભારતમાં પ્રતિબંધિત છે. મંત્રાલયે જણાવ્યું કે, ‘અમારા પાસે વિશ્વસનીય સૂચના છે કે આવી એપ આપણા સાર્વભૌમત્વ, અખંડિતતા અને સંરક્ષણ માટે જોખમી હતી જેથી અમે આ પગલું ભર્યું.’

નિવેદન પ્રમાણે ‘ડેટાનું સંકલન, માઈનિંગ અને પ્રોફાઈલિંગ રાષ્ટ્રીય સુરક્ષા અને ભારતની રક્ષા માટે યોગ્ય નહોતું. તેનાથી આપણા દેશની સંપ્રભુતા અને અખંડિતતા પ્રભાવિત થઈ રહી હતી જે ગાઢ ચિંતાનો વિષય હતું અને તેના અંગે તાત્કાલિક પગલા ભરવા જરૂરી હતા.’ મંત્રાલયે આ પગલું કરોડો ભારતીય મોબાઈલ યુઝરના હિતની રક્ષા કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ નિર્ણય બાદ સરકારે ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સ અને ગૂગલને પણ પ્રતિબંધિત એપ ઉપલબ્ધ ન કરવાનો આદેશ આપ્યો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.