ચીને હવે નેપાળ બાદ બાંગ્લાદેશને સાધવા માટે 97 ટકા ઉત્પાદનો ટેક્સ ફ્રી કર્યા

લદ્દાખમાં ચાલી રહેલી તંગદીલી દરમિયાન ભારતને ઘેરવા માટે ચીને નેપાળ બાદ હવે બાંગ્લાદેશને સાધવાનાં પ્રયાસો  કરી રહ્યું છે, એક તરફ પાકિસ્તાન એલઓસી પર સીઝફાયરનો ભંગ કરી રહ્યું છે, તો નેપાળ પણ ચીનનાં સમર્થનથી ભારતને આંખો બતાવી રહ્યું છે, આવા સમયે ચીન દ્વારા બાગ્લાદેશને પોતાના પક્ષમાં લેવાનાં પ્રયત્નો ભારતમાં ચિંતાજનક છે.

ભારત સાથે સરહદોથી જોડાયેલા દેશો સાથે આર્થિક કૂટનીતિ કરી ચીન તેમની બોલતી બંધ કરી રહ્યુ છે અને ભારત વિરુદ્ધ નીતિ ઘડી રહ્યુ છે. તાજેતરમાં ચીને બાંગ્લાદેશના 97 ટકા ઉત્પાદનાને ટેક્સ ફ્રી કરવાની જાહેરાત કરી છે. ચીનના આ નિર્ણયથી ઝૂકી ગયેલા બાંગ્લાદેશે પણ ચીનના નિર્ણયને બંને દેશોના સંબંધનો પાયો ગણાવ્યો છે.બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે શુક્રવારે જાહેરાત કરી હતી કે મત્સ્ય અને ચામડાની ચીજો સહિતની 97 ટકા વસ્તુઓને ચીનના ટેરિફમાંથી મુક્તિ આપવામાં આવશે.

નોંધનીય છે કે મહિના પહેલા બાંગ્લાદેશની વડાપ્રધાન શેખ હસીનાએ કોરોના મહામારીને લીધે પેદા થયેલી આર્થિક સમસ્યાને લઇને ચીનના રાષ્ટ્રપતિ શી ચિનફિંગ સાથે વાતે કરી હતી. જે પછી બાંગ્લાદેશે એક નિવેદનમાં જાહેર કર્યુ હતું કે ચીન સાથેની વાર્તાલાપમાં અમે ચીનને નિકાસ થતી વસ્તુઓને ટેક્સ ફ્રી કરવાની અપીલ કરી હતી.

બાંગ્લાદેશ, ચીન પાસેથી લગભગ 15 અબજ ડોલરની વસ્તુઓ આયાત કરે છે જ્યારે ચીનને બાંગ્લાદેશથી નિકાસ થતી વસ્તુઓની કિંમત આયાતની સરખામણીએ ખૂબ જ ઓછી છે. બાંગ્લાદેશે આશા વ્યક્ત કરી છે કે ચીનની આ મદદથી ચીન સાથેની વેપાર ખાધ થોડી ઘટશે અને તેની અર્થવ્યવસ્થામાં મજબૂતી આવશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.