ચીનનાં કબજામાં ભારતનો લગભગ 60 ચોરસ કિમી વિસ્તાર, રાહુલ ગાંધીએ શેર કર્યો નિવૃત જનરલનો આર્ટિકલ

ભારત અને ચીન વચ્ચે પૂર્વ લદાખમાં ચાલી રહેલી તંગદિલીને સમાપ્ત કરવાના હેતુંથી શનિવારે આગામી રાઉન્ડની વાતચીત થશે. તે પહેલા લેફ્ટનન્ટ જનરલ (રિટાયર્ડ) એચએસ પનાગે દાવો કર્યો છે કે 6 જૂનની વાતચીતમાં ચીનનું પલડુ ભારે રહેશે કેમ કે તેણે પૂર્વ લદાખમાં ત્રણ અલગ-અલગ વિસ્તારમાં ભારતની અંદાજીત 40થી 60 સ્ક્વેર કિમી જમીનમાં ઘૂસણખોરી કરી લીધી છે. હવે તે ભારત સામે સમજૂતી માટે એવી શરતો રાખવાનો પ્રયાસ કરશે જેને માનવી ભારત માટે સરળ નહીં હોય. જો ભારત શરતો માનતું નથી તો ચીન મર્યાદિત યુદ્ધ પણ કરી શકે છે.

કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ અને કેરળના વાયનાડના વર્તમાન સાંસદ રાહુલ ગાંધીએ એક વેબસાઈટ પર પ્રકાશિત રિટાયર્ડ લેફ્ટનન્ટ જનરલના આર્ટિકલને ટ્વિટ કર્યો છે. રાહુલે લખ્યું છે કે, તમામ દેશભક્તો જનરલ પનાગનો લેખ વાંચવો જ જોઈએ. તેમણે પોતાના ટ્વિટમાં આર્ટિકલનો એક ક્વોટ પણ ટાંક્યો છે, ‘ઈનકાર કોઈ સમાધાન નથી.’ નોંધનીય છે કે જનરલ પનાગ 2014મા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. તેઓ અભિનેત્રી ગુલ પનાગના પિતા છે.

જનરલ પનાગે આર્ટિકલમાં શંકા વ્યક્ત કરી છે કે ચીન પાસે આપણી જમીન છે તેથી તે વિવાદનો ઉકેલ લાવવા માટે લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (એલએસી) પાસે ભારતીય સરહદમાં ચાલી રહેલા કન્સ્ટ્રક્શન કામને રોકવા જેવી શરત પણ મૂકી શકે છે. તેમણે લખ્યું છે કે જો કૂટનીતિ નિષ્ફળ રહેશે તો ચીન સરહદ પર સંઘર્ષ વધારવાની તથા મર્યાદિત યુદ્ધ લડવા પણ તૈયાર છે. તેમણે કહ્યું છે કે ભારતને આ વાત નક્કી કરી લેવી જોઈએ કે તેણે ચીનના મનમાની ભરેલા વલણ આગળ નમતું જોખવું જોઈએ નહીં ભલે તેની સામે યુદ્ધ પણ કેમ ન કરવું પડે.

તેમણે લખ્યું છે કે ભારતે સુનિશ્ચિત કરવું જોઈએ કે એલએસી પર 1 એપ્રિલ 2020 સુધીની સ્થિતિ પૂર્વવત થઈ જાય જેથી ચીન સામરિક સરસાઈ હાંસલ કરી કે પોતાની મરજીથી ભારતને અપમાનિત કરવા માટે ભવિષ્યમાં આ પ્રકારની જબરદસ્તી કરે નહીં. જો કૂટનીતિ સ્તર પર ન થઈ શકે તો તાકાતના જોરે ચોક્કસથી કરવું જોઈએ.

જનરલ પનાગનું માનવું છે કે મોદી સરકાર અને સેના હકીકત સામે આંખ આડા કાન કરી રહી છે. જોકે, મોદી સરકાર અને સેનાએ સ્પષ્ટ રણનીતિ બનાવવા અને સમગ્ર દેશને તેનાથી વાકેફ કરવાના બદલે તે જ માનવાથી ઈનકાર કરી દીધો છે કે ભારતની જમીનમાં ચીને ઘૂસણખોરી કરી છે. તેઓ વર્તમાન પરિસ્થિતિના બદલે એલએસીને લઈને બંને દેશની અલગ-અલગ ધારણા જણાવી રહ્યા છે. તેમણે કહ્યું કે ભારતીય જમીન પર ચીનનાં જબરજસ્તીથી કબજાને એલએસીને લઇને અલગ-અલગ ધારણાનો હવાલો આપવો ખતરનાક છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.