બુધવારે વડાપ્રધાને વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કોરોના અંગે ઓનલાઈન બેઠક કરી હતી. આ બેઠકની શરૂઆતમાં વડાપ્રધાને ચીન સાથેના સંઘર્ષમાં શહિદ થયેલા સૈનિકોને અંજલિ આપી હતી. સાથે સાથે ચીનને ચેતવણી આપતાં તેમણે કહ્યું હતું ભારતને ઉશ્કેરવાનો પ્રયાસ ન કરવો જોઈએ, ભારતને જડબાતોડ જવાબ આપતાં આવડે છે. તેમણે ઉમેર્યું હતું કે ભારત કોઈ દેશને ઉશ્કેરવામાં માનતો નથી, પરંતુ કોઈ ઉશ્કેરણીજનક કાર્યવાહી કરશે તો પછી ભારતને તેનો જવાબ આપતા આવડે છે. સાથે સાથે તેમણે એ વાત પણ સ્પષ્ટ કરી હતી કે શહિદોનું બલિદાન વ્યર્થ નહીં જાય.
બીજી તરફ ચીની વિદેશ મંત્રીએ આજે ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકરને ફોન કરી આ મુદ્દે ભારત ઠંડુ પડે એવી અપીલ કરી હતી. ચીની વિદેશ મંત્રી વાંગ યી સાથેની જયશંકરની વાત-ચીત પછી બન્ને દેશો શાંતિ જાળવવા સહમત પણ થયા હતા. એસ જયશંકરે ચીન સાથેની વાતમાં સ્પષ્ટ ભાષામાં ં કહ્યું હતું કે જે કંઈ ગરબડ થઈ એ ચીનને કારણે જ થઈ છે. ચીને શાંતિનો ભંગ થાય એવાં પગલાં લીધા તેનું આ પરિણામ છે. આ ગરબડની અસર બન્ને દેશોના સબંધો પર અચૂક પડશે એમ પણ જયશંકરે કહ્યું હતું. જયશંકરે ત્યાં સુધી કહ્યું હતું કે ચીને જે કંઈ કર્યું એ પૂર્વઆયોજિત હતું. એટલે ઘટનાને અકસ્માતમાં ખપાવવા પ્રયાસ કરશો નહીં.
વડા પ્રધાને શહિદ થયેલા જવાનોને યાદ કરીને કહ્યું હતું કે હું દેશને ખાતરી આપું છું કે શરહદે રેડાયેલું લોહી વ્યર્થ નહીં જાય. ભારત પોતાની ભૂમિનું રક્ષણ કરવાનું જાણે છે અને કરીને રહેશે. વડા પ્રધાને ૧૫મી તારીખે મધરાતે બનેલી આ ઘટના વિશે પ્રથમવાર જાહેર નિવેદન કર્યું હતું. વડાપ્રધાને કહ્યું હતુ કે ભારત મૂળભૂત રીતે શાંતિનો ચાહક દેશ છે. પડોશીઓ સાથે સૌહાર્દપૂર્ણ સબંધો ઈચ્છે છે અને એ માટે પ્રયત્નશીલ રહે છે. પરંતુ એનો અર્થ એ નથી કે પડોશી દેશોની કોઈ પ્રકારની દાદાગીરી ભારત ચલાવી લેશે.
ચીન મુદ્દે ચર્ચા કરવા વડા પ્રધાને ૧૯મી તારીખે બધા પક્ષોની મીટિંગ પણ બોલાવી છે. સંરક્ષણ મંત્રી અને ગૃહ મંત્રીએ પણ શહિદોને અંજલિ આપી હતી. અમિત શાહે ટ્વીટ કરીને શહિદોના પરિવાજનોને સાંત્વના પણ પાઠવી હતી.
ભારત સાથેની વાત-ચીતમાં ચીન ઢીલું પડતું જણાયુ હતું. ચીની વિદેશ મંત્રાલયે ભારત પાસે ડિમાન્ડ કરી હતી કે આ ઘટના કેમ સર્જાઈ તેની પૂરેપૂરી તપાસ કરો અને અમને પણ જણાવો. ભારત પણ શાંતિ જાળવે અને સરહદ ઓળંગવા પ્રયાસ ન કરે એવુ ચીને કહ્યું હતું.
સંરક્ષણ મંત્રાલયની હાઈ-લેવલ મિટિંગમાં લેવાયેલો નિર્ણય
સૈન્યની ત્રણેય પાંખો હાઈ-એલર્ટ પર : સરહદે સૈન્ય સંખ્યા વધારાઈ
ચીનના આ દુઃસાહસ પછી ભારતીય સૈન્યની ત્રણેય પાંખોને હાઈ-એલર્ટ પર મુકી દેવાઈ છે. ચીન સાથેની ૩૫૦૦ કિલોમીટર લાંબી ભારતની સરહદે વિશેષ પેટ્રોલિંગ શરૂ કરી દેેવાયું છે. હિન્દ મહાસાગરમાં ભારતીય નૌકાદળનું પેટ્રોલિંગ પણ વધારી દેવાયું છે. કેમ કે આ વિસ્તારમાં ચીની જહાજો નિયમિત રીતે આંટા મારતા જ હોય છે. એવા કોઈ જહાજો કોઈ પ્રકારની ગરબડ કરે તો તેને પહોંચી વળવા નૌકાદળ તૈયાર જ છે.
સૈન્યની ત્રણેય પાંખને હાઈ-એલર્ટ પર મુકી દેવાનો નિર્ણય સંરક્ષણ મંત્રીએ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અને સૈન્યની ત્રણેય પાંખના ચીફ સાથે મિટિંગ કર્યા પછી લીધો હતો. સરહદી વિસ્તારમાં આવેલા એરફોર્સના તમામ મથકોને સાવધાન કરી દેવાયા છે અને ગમે ત્યારે ઉડાન ભરવા તૈયાર રહેવા કહેવાયું છે. ચીન સરહદે મહત્ત્વના પોઈન્ટ્સ પર સૈન્ય સંખ્યા પણ વધારવાનો આદેશ આપી દેવાયો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.