ભારતથી આવતા નાગરિકમાં કોરોનાના વધુ લક્ષણ જોવા મળ્યા છે : નેપાળી વડાપ્રધાનનું વિવાદાસ્પદ નિવેદન
ભારત સાથેના સરહદ વિવાદ વચ્ચે નેપાળે નવો રાજકીય નક્શો જાહેર કરીને ફરીથી વિવાદ સર્જ્યો છે. આ નક્શામાં લિપુલેખ રોડ, કાલાપાની અને લિમ્પિયાધુરાને નેપાળી વિસ્તારમાં દર્શાવવામાં આવ્યા છે. આ દરમિયાન નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ કોરોના મહામારીને લઇને પણ ભારત વિરુદ્ધ એક નિવેદન આપ્યું છે.
નેપાળી ભાષામાં આપવામાં આવેલ આ નિવેદનમાં ઓલીએ કહ્યુ કે ભારતથી જે લોકો નેપાળ આવી રહ્યા છે તેમાં કોરોનાના સંક્રમણના ગંભીર લક્ષણ જોવા મળ્યા છે જ્યારે ઇટલી અને ચીનથી આવતા નાગરિકોમાં કોરોનાના હળવા લક્ષણો જોવા મળ્યા છે. કેપી શર્મા ઓલીના આ નિવેદન પર ભારત સરકાર દ્વારા કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
નેપાળમાં મંગળવારે કોરોના વાયરસના સંક્રમણના 27 નવા કેસ સામે આવવાની સાથે દેશમાં કોવિડ 19 દર્દીઓની સંખ્યા 400નો આંકડો પાર કરી ચુક્યો છે. સ્વાસ્થ્ય તેમજ જનસંખ્યા મંત્રાલય અનુસાર, ઝાપામાં 9, કપિલવસ્તુમાં 4, કાઠમાંડૂમાં 3 અને સરલાહી જિલ્લામાં 2 નવા કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત મોરાંગ, સુનસરી, ભક્તપુર, મકાવનપુર, રામેછાપ, લલિતપુર, સિંધુલી, લામજંગુ અને નવલપારસીમાં કોવિડ-19મા એક-એક દર્દી કોરોના સંક્રમિત છે.
નેપાળના સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, નેપાળમાં કોરોના વાયરસથી સંક્રમિત કુલ દર્દીઓની સંખ્યા 402 છે. મંત્રાલયે જણાવ્યું કે કોરોનાથી સંક્રમિત દર્દીઓની ઉંમર 17 થી 42 વર્ષ વચ્ચેની છે. તેમાંથી 6 મહિલાઓ પણ સામેલ છે.
ભારતે કોરોના મહામારી વચ્ચે નેપાળને 23 ટન જરૂરી દવાઓ મોકલી છે. ભારતે જે દવાઓ મોકલી છે તેમાં 3.2 લાખ પેરાસિટામોલ અને 2.5 લાખ હાઇડ્રોક્લોક્વિનની દવા સામેલ છે.
ભારતમાં અત્યાર સુધીમાં 1,06,750 કેસ આવી ચુક્યા છે. તેમાંથી 61,149 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં 3303 દર્દીઓના મૃત્યુ થયા છે અને 42,297 લોકો સાજા થઇ ચુક્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.