ચીન ઈરાન પાસેથી ખૂબ જ સસ્તા દરે તેલ ખરીદશે અને તેના બદલામાં બેઈજિંગ ઈરાનમાં 400 અબજ ડોલરનું રોકાણ કરશે
ઈરાન અને ચીન વચ્ચેની 400 અબજ ડોલરની ડીલની અસર દેખાવા લાગી છે. ચીન સાથે હાથ મિલાવાની સાથે જ ઈરાને ભારતને ભારે મોટો ઝાટકો આપીને ચાબહાર રેલ પરિયોજનામાંથી બહાર કરી દીધું છે. ઈરાનના આરોપ પ્રમાણે સમજૂતીના ચાર વર્ષ વીતી ગયા છતા ભારત આ પરિયોજના માટે ફંડ નથી આપી રહ્યું માટે આ સંજોગોમાં હવે તે જાતે જ આ પરિયોજનાને પૂરી કરશે.
ચીન સાથેની સમજૂતી બાદ ઈરાનના બેઝિક સ્ટ્રક્ચર સાથે સંકળાયેલા પ્રોજેક્ટ્સ બેઈજિંગ જ પૂર્ણ કરશે. ચાબહાર રેલ પરિયોજના ચાબહાર પોર્ટથી જહેદાન વચ્ચે આકાર લઈ રહી છે અને ભારત તેના માટે ફંડ પ્રોવાઈડ કરવાનું હતું.
ઈરાનના ટ્રાન્સપોર્ટ અને શહેરી વિકાસ મંત્રી મોહમ્મદ ઈસ્લામીએ ગત સપ્તાહે જ 628 કિમી લાંબા રેલવે ટ્રેક નિર્માણનું ઉદ્ઘાટન કર્યું હતું. આ રેલવે લાઈનને અફઘાનિસ્તાનની જરાંજ સીમા સુધી વધારવામાં આવશે અને આ સમગ્ર પરિયોજના માર્ચ 2022 સુધીમાં પૂરી કરી દેવાશે. ચીન સાથેની સમજૂતી બાદ હવે સસ્તા તેલના બદલામાં આ અટકી પડેલા પ્રોજેક્ટ્સ ચીનની કંપનીઓને સોંપી દેવામાં આવે તેવી શક્યતા છે.
ભારતે સાથ ન આપ્યોઃ ઈરાન
ઈરાનના રેલ વિભાગના કહેવા પ્રમાણે હવે તે ભારતની મદદ વગર જ આ પરિયોજના પર આગળ વધશે કારણ કે હવે તેને વધારે ટાળી શકાય તેમ નથી. ઈરાને કરેલી જાહેરાત પ્રમાણે આ પ્રોજેક્ટ માટે તે નેશનલ ડેવલપમેન્ટ ફંડમાંથી 40 કરોડ ડોલરની ધનરાશિનો ઉપયોગ કરશે.
પહેલા ભારતની સરકારી રેલવે કંપની ઈરકાન આ પરિયોજનાને પૂરી કરવાની હતી. આ પરિયોજના ભારતને અફઘાનિસ્તાન અને અન્ય મધ્ય એશિયાઈ દેશો સુધી એક વૈકલ્પિક માર્ગ ઉપલબ્ધ કરાવવાની પ્રતિબદ્ધતા પૂર્ણ કરવા પાર પાડવાની હતી. તે માટે ઈરાન, ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રિપક્ષીય સમજૂતી પણ થઈ હતી.
અમેરિકી પ્રતિબંધ બાદ ભારતની પીછેહઠ
ઉલ્લેખનીય છે કે ભારત પહેલા ઈરાન ખાતેથી જ સૌથી વધારે કાચું તેલ આયાત કરતું હતું પરંતુ અમેરિકી પ્રતિબંધો બાદ તેમાં ભારે મોટો ઘટાડો કરવામાં આવ્યો. વર્ષ 2016માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈરાન યાત્રા દરમિયાન ચાબહાર સમજૂતી પર હસ્તાક્ષર થયા હતા
આ સમગ્ર પરિયોજના માટે આશરે 1.6 અબજ ડોલરનું રોકાણ થવાનું હતું. આ પરિયોજના પૂર્ણ કરવા માટે ઈરકાનના એન્જિનિયર્સ ઈરાન પણ ગયા હતા પરંતુ અમેરિકી પ્રતિબંધોના ડરથી ભારતે રેલ પરિયોજનાનું કામ શરૂ નહોતું કર્યું.
ચીન 400 અબજ ડોલરનું રોકાણ કરશે
ઈરાન અને ચીન બહુ જલ્દી જ એક ભારે મોટી ડીલ પર મહોર મારવા જઈ રહ્યા છે. તે અંતર્ગત ચીન ઈરાન પાસેથી ખૂબ જ સસ્તા દરે તેલ ખરીદશે અને તેના બદલામાં બેઈજિંગ ઈરાનમાં 400 અબજ ડોલરનું રોકાણ કરવા જઈ રહ્યું છે.આટલું જ નહીં, ડ્રેગન ઈરાનને સુરક્ષા અને ઘાતક આધુનિક હથિયારો આપવામાં પણ મદદ કરશે.
એક અહેવાલ પ્રમાણે ઈરાન અને ચીન વચ્ચે 25 વર્ષની વ્યૂહાત્મક સમજૂતી પર વાતચીત પૂરી થઈ છે. ભારતે ઈરાનના ચાબહાર બંદરના વિકાસ માટે અબજો રૂપિયાનો ખર્ચ કર્યો છે. ચાબહાર બંદર વ્યાપારની સાથે સાથે રણનીતિ માટે પણ ખૂબ મહત્વપૂર્ણ છે. તે ચીનની મદદ માટે વિકસિત કરવામાં આવેલા પાકિસ્તાનના ગ્વાદર પોર્ટથી આશરે 100 કિમી જ દૂર છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.