ચીનને વધુ એક ઝટકો, આ રક્ષાબંધનમાં ચીનની રાખડીની આયાત બંધ, થશે આટલા કરોડોનું નુકસાન!

દેશના નાના વેપારીઓના સંગઠન કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સે આ વર્ષે રક્ષાબંધનના પર્વને દેશભરમાં ‘હિંદુસ્તાની રાખી’ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે. સીએઆઈટીએ દાવો કર્યો છે કે આમ કરવાથી ચીનને રૂ.4,000 કરોડનું વ્યાપારિક નુકસાન થશે. સાથે જ તે બોર્ડર પર તહેનાત ભારતીય સૈનિકો માટે 5 હજારથી વધુ રાખડીઓ પણ મોકલશે. સીએઆઈટી દ્વારા કહેવામાં આવ્યું છે કે આ વર્ષે 3 ઓગષ્ટે દેશભરમાં રક્ષાબંધનના પર્વને હિન્દુસ્તાની રાખી પર્વ તરીકે ઉજવવાનો નિર્ણય કરાયો છે.

સીએઆઈટીએ જણાવ્યું છે કે આ વખતે રક્ષાબંધનમાં ચીનમાં  બનેલી રાખી અને રાખીને લગતો કોઈપણ સામાનનો ઉપયોગ ભારતમાં નહીં કરવામાં આવે. તો બીજી તરફ દેશની સુરક્ષામાં દિવસ રાત રક્ષા કરી રહેલા સૈનિકોનો ઉત્સાહ વધારવા માટે સંઘની મહિલાઓ કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહને 5000 રાખી આપશે. જેથી તે આપણા જવાનોને પહોંચાડી શકે. આ સિવાય દેશના દરેક શહેરમાં સેના હોસ્પિટલમાં ભર્તી થયેલા સૈનિકોને હોસ્પિટલમાં જઈને રાખી આપવામાં આવશે. તો સાથે સાથે વિવિધ શહેરોમાં સેવા કરી રહેલા પોલીસકર્મીઓને પણ સંઘની મહિલાઓ રાખી બાંધીને પર્વની ઉજવણી કરશે.

સંઘ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે દેશભરમાં 40 હજારથી વધારે વ્યાપારી સંગઠન અને તેમના 7 કરોડ સભ્યો તેની સાથે જોડાયેલા છે. ચીની વસ્તુઓનો બહિષ્કાર કરવા માટે સંઘ દ્વારા દેશભરમાં ‘ભારતીય સામાન, હમારા અભિયાન’નું અભિયાન ચલાવ્યું છે. સંઘે કહ્યું છે કે એક અનુમાન મુજબ દર વર્ષે લગભગ 6000 કરોડ રૂપિયાનો રાખીનો વ્યાપાર થાય છે. જેમાં એકલા ચીનની ભાગ અંદાજીત રૂ.4,000 કરોડ રૂપિયા હોય છે. સંઘના દિલ્હી-એનસીઆર એકમના સંયોજક સુશીલ કુમાર જૈને જણાવ્યું હતું કે, રાખીના પ્રસંગે દેશમાં ચીની બનાવટની રાખી ખુબ જ વધારે પ્રમાણમાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.