ચીને કોરોના વાઇરસ અંગેની અનેક જાણકારી સમગ્ર વિશ્વથી છુપાવી છે જેને પગલે હવે અમેરિકાની જાસુસી સંસ્થા સીઆઇએ ચીન પર વોચ રાખી રહી છે. એક રિપોર્ટ એવો પણ સામે આવ્યો છે કે ચીને વાઇરસની જાણકારી તો છુપાવી છે સાથે આ વાઇરસથી મૃત્યુ પામ્યા તેના આંકડા પણ ખોટા આપ્યા છે. જેથી હવે મૃત્યુ પામેલાના આંકડાની તપાસ પણ સીઆઇએ કરી રહી છે.
હાલ અમેરિકામાં કોરોના વાઇરસના દર્દીઓની સંખ્યા ચીન કરતા પણ સૌથી વધુ છે, સીઆઇએના અધિકારીઓના જણાવ્યા અનુસાર ચીન ખુદ વાઇરસ કેટલા લોકોમાં ફેલાયો તેની જાણકારી મેળવવામાં નિષ્ફળ રહ્યું છે અને સમગ્ર વિશ્વને મુર્ખ બનાવી રહ્યું છે. કોરોના વાઇરસની શરૃઆત થઇ હતી તે વુહાનમાં આવેલા મિડલેવલ બ્યૂરોકેટ્સ આ વાઇરસના ચેપના આંકડા છુપાવી રહ્યા છે. આ ઉપરાંત કેટલા લોકોની ચકાસણી કરી તેમજ કેટલા માર્યા ગયા તેની માહિતી પણ વિશ્વ સમક્ષ ખોટી જાહેર કરી છે.
ચીનના અધિકારીઓએ આ આંકડા ડરના માર્યા પણ છુપાવી રાખ્યા હોઇ શકે છે કેમ કે ચીનમાં જેટલા વધુ આંકડા જાહેર થાય તેમ તેની સરકાર વધુ કડક પગલા લઇ શકે છે તેવો તેમને ભય હોઇ શકે છે. અગાઉ ચીને આંકડા જાહેર કરનારા અને વીડિયો તેમજ તસવીરો બહાર પાડનારાઓ સામે પણ કાર્યવાહી કરી હોવાના રિપોર્ટ પ્રકાશમાં આવ્યા હતા. જોકે કોઇ પણ દેશની સરકારમાં આ પ્રકારના આંકડા જાહેર કરતા અધિકારીઓ ડરતા હોય છે. ઇટાલી, ઇરાન જેવા દેશોમાં પણ આ વાઇરસથી બહુ લોકો માર્યા ગયા જોકે અન્ય દેશોની સરખામણીએ અમેરિકામાં વાઇરસની તપાસ બહુ જ ધીમી ગતીએ ચાલી રહી છે. આ બધી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વ્હાઇટ હાઉસે હવે સીઆઇએને આદેશ આપ્યો છે કે તે ચીનમાં કેટલા લોકોના મોત થયા, કેટલાની તપાસ થઇ અને કેટલા લોકોને આ વાઇરસની અસર થઇ તેનો ચોક્કસ આંકડો શોધી કાઢે. એક અનુમાન એવું પણ છે કે ચીનમાં મૃત્યુના જે આંકડા જાહેર કરાયા તેના કરતા બેગણા વધુ હોઇ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.