ચીને ભારત સાથેની સરહદે ૧૭ હજાર ફીટ ઊંચાઈએ લોન્ગ રેન્જ રોકેટ લૉન્ચર ગોઠવ્યા છે. ચીની સરકારના અખબારે આ સમાચાર પહેલા પાને રજૂ કર્યા હતા. ચીન સરકારે આ સમાચાર દ્વારા ભારતને આડકતરો સંદેશો આપ્યો હતો કે સરહદે તમે ધારો છો એવી શાંતિ સ્થપાઈ નથી. ભારત-ચીન બન્ને પેંગોગ કાંઠેથી સૈન્ય પાછુ ખેંચી ચૂક્યા છે.
ઇન્ડિયન એક્સપ્રેસે અહેવાલ રજૂ કર્યો હતો કે ચીની સૈન્ય હજુ વિવાદિત સ્થળોએ અડગ છે અને પાછું હટવા માંગતુ નથી. આ સ્થળોમાં ગોગરા, હોટ સ્પ્રિંગ, દેપસાંગ વગેરે પોસ્ટનો સમાવેશ થાય છે. જ્યારે મોદી સરકાર કહે છે કે ચીને મે ૨૦૨૦માં જ્યાં જ્યાં ઘૂસણખોરી કરી હતી ત્યાંથી એ પરત ફર્યું છે અથવા ફરવા તૈયાર છે.
ચીને માત્ર પેંગોગ સરોવરના કાંઠેથી પોતાના સૈનિકો અને સરંજામ પરત ખેંચી શાંતિવાર્તાનો દેખાડો કર્યો છે. અન્ય સ્થળોએ ચીની સૈન્ય હાજર છે. એટલું જ નહીં સરહદે ચીન વધારે શસ્ત્રો ગોઠવી રહ્યું છે, જે તેનો મલીન ઈરાદો સ્પષ્ટ કરે છે. ચીને ભારત સરહદે ૧૭ હજાર ફીટની ઊંચાઈએ પહેલી વાર લોન્ગ રેન્જ રોકેટ લોન્ચર ગોઠવ્યા છે.
ચીને પોતાની સેનામાં વધુમાં વધુ તિબેટિયન યુવાનો ભરતી થાય એ માટે ઝૂંબેશ આદરી છે. ભારત-ચીન સરહદનો મોટો ભાગ તિબેટને સ્પર્શે છે. હિમાલયની ભૂગોળમાં રહેવાની તિબેટની પ્રજાને ફાવટ છે.
ભારત-ચીન વચ્ચે વાટાઘાટો ચાલુ જ છે. છેલ્લી લશ્કરી બેઠક ૯મી એપ્રિલે યોજાઈ હતી. ત્યારે જ ચીને ઈરાદો સ્પષ્ટ કર્યો હતો કે વાટાઘાટો કરતા રહીશું પણ સૈન્ય પાછું ખેંચી લઈશું એવી કોઈ ખાતરી નથી આપતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.