ભારતે 100 કરતા વધારે મોબાઈલ એપ પર મૂકેલા પ્રતિબંધ બાદ ચીનનું નિવેદન સામે આવ્યુ છે. ચીન તરફથી કહેવામાં આવ્યુ છે કે આ એક ચિંતાનો વિષય છે અને આનાથી ચીની વેપારીઓના હિતને નુકસાન પહોંચ્યુ છે. ગઈ કાલે સુરક્ષાને ધ્યાનમાં રાખતા ભારતે PUBG સહિત કુલ 118 મોબાઈલ એપને બેન કરી દીધી હતી.
ચીનની કૉમર્સ મિનિસ્ટ્રીના હવાલાથી કહેવામાં આવ્યુ છે કે ભારતની જે મોબાઈલ એપ પર બેન કરવામાં આવ્યો છે. તેનાથી ચીની ઈન્વેસ્ટર્સ અને સર્વિસ પ્રોવાઈડરના હિતને નુકસાન પહોંચ્યુ છે. ચીન આ મુદ્દે ગંભીર છે અને આનો કડક વિરોધ કરે છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડાક જ સમયમાં આવુ બીજીવાર થયુ છે જ્યારે ભારતે ચીની એપ્સ પર પ્રતિબંધ લાદ્યો છે. તે પણ ત્યારે જ્યારે સરહદે બંને દેશ વચ્ચે તણાવની સ્થિતિ છે. અગાઉ ગલવાન ખીણમાં તણાવ બાદ ભારતે ટિકટૉક સહિત 59 એપ્સ પર બેન લગાવ્યો હતો અને હવે પબ્જી સહિત 118 એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો છે.
એટલુ જ નહીં સુરક્ષાનો હવાલો આપતા ભારત તરફથી કેટલાક સમયમાં ઘણી ચીની કંપનીઓને આપેલા ટેન્ડર રદ થઈ ગયા છે. કેટલાક વિશેષ ક્ષેત્રોમાં ચીની કંપનીઓની એન્ટ્રી પર પણ રોક લાગેલી છે.
ભારતે લીધેલા નિર્ણયનુ અમેરિકાએ પણ સ્વાગત કર્યુ છે. અમેરિકાનું કહેવુ છે કે સુરક્ષાની દ્રષ્ટિએ ભારતનો નિર્ણય બિલકુલ યોગ્ય છે. અગાઉ નિર્ણય પર પણ અમેરિકાએ ભારતનો સાથ આપ્યો હતો.
જોકે, ચીન માટે સૌથી મોટી મુશ્કેલી એ છે કે જે એપ્સને બેન કરવામાં આવી છે તેના સૌથી વધારે ઉપયોગકર્તા ભારતમાં જ છે. સાથે જ ભારતના બેન લગાવ્યા બાદ કેટલાક અન્ય દેશ પણ આ વિશે વિચાર કરી રહ્યા છે કેમ કે આ નિર્ણયથી તેમના માટે કાર્યવાહીનો માર્ગ ખુલી ગયો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.