– દરરોજ 100 દર્દીઓની ઓપીડી છતાં ડોક્ટરો-નર્સને કાપડના માસ્ક જ અપાયા છે, સેનેટાઇઝર પણ નહીં અપાતું હોવાનો આક્ષેપ
સિવિલમાં કેન્સર હોસ્પિટલની નર્સનો રિપોર્ટ પોઝિટિવ છતાં તંત્ર હજુ નિન્દ્રામા
વૈશ્વિક મહામારી કોરોના સામેની લડાઇમાં ડોક્ટરો-નર્સ એક ‘વોરિયર’ ની જેમ આપણા માટે લડી રહ્યા છે. પરંતુ આ ડોક્ટર-નર્સના રક્ષણની વાત આવે તો આપણું તંત્ર ઓરમાઇ માતા કરતા પણ ખરાબ વર્તન કરવા લાગે છે તેમ કહેવામાં અતિશયોક્તિ નથી. અસારવા સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી કેન્સર હોસ્પિટલની એક નર્સનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. આ સ્થિતિ છતાં કેન્સર હોસ્પિટલના ડોક્ટરો-નર્સને પીપીઇ કિટ તો દૂરની વાત છે એન-95 માસ્ક કે સેનેટાઇઝર પણ નહીં અપાયા હોવાની ચોંકાવનારી વાત સામે આવી છે.
સરકારી કેન્સર હોસ્પિટલમાં રેડિયોથેરાપી ઓપીડીની એક નર્સને શુક્રવારે કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. નર્સને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા સ્ટાફમાં ભય પેસી ગયો છે. આ સ્થિતિ છતાં કેન્સર હોસ્પિટલના ડોક્ટરોને એન-95 માસ્ક, પીપીઇ કિટ અપાયા જ નથી. આ ઉપરાંત ડોક્ટરો-નર્સોને કપડાના માસ્ક અપાયા છે અને દરરોજ ધોઇને તેનો જ ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવેલી છે. ડોક્ટરો-નર્સને પોતાના ખર્ચે એન-95 માસ્ક ખરીદવા પડે છે અને તેમને સેનેટાઇઝર પણ અપાયું નથી. તંત્રના આ પ્રકારના વલણ સામે સ્ટાફમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સિવિલની કેન્સર હોસ્પિટલમાં 30 જેટલા ડોક્ટરો છે.
કેન્સર હોસ્પિટલમાં હાલ ઓપીડી પણ રાબેતા મુજબ જ ચાલી રહી છે અને ત્યાં હાલ દરરોજના 80થી 100 દર્દીઓ આવે છે. જે નર્સને કોરોના પોઝિટિવ છે તે અન્ય કોઇ કેન્સરના દર્દીને મળી હશે તે સવાલ જ હચમચાવી દેવા માટે પૂરતો છે. એવી પણ વાત સામે આવી છે કે કોરોના પોઝિટિવ નર્સ જ્યાં બેસીને કામ કરતા તે જગ્યાને પણ સીલ કરવામાં આવી નથી. આ નર્સ 14 એપ્રિલથી રજા પર છે અને ત્યાં ત્યારબાદથી રાબેતા મુજબ જ કામ ચાલી રહ્યું છે. નિયમ પ્રમાણે જ્યાં કોરોના પોઝિટિવ કેસ નોંધાય તે જગ્યા કે સ્થાનને સીલ કરવામાં આવે છે. આમ આ ડોકટરો અને સ્ટાફ હાલ ભગવાન ભરોસે છે.
આક્ષેપ પાયાવિહોણા, બદનામ કરવાનું ષડયંત્ર : ડિરેક્ટર
ધ ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટના ડિરેક્ટર ડો. શશાંક પંડ્યાનો આ ફરિયાદો અંગે સંપર્ક કર્યો ત્યારે તેમણે જણાવ્યું કે, ‘અમારી પર મૂકવામાં આેલા તમામ આક્ષેપ પાયા વિહોણા છે. ઓપીડીમાં જેટલા પણ ડોક્ટર્સ છે તેમને ફેસ શિલ્ડ -સેન્ટાઇઝર સહિતની સુવિધા આપવામાં આવે છે. આ ઉપરાંત પ્રવર્તમાન સ્થિતિમાં અમે કેન્સરના દર્દીઓને ચકાસવાનું બંધ કરી શકીએ નહીં માટે ઓપીડી ચાલુ રાખી છે.
ઓપીડીમાં દાખલ થતી પ્રત્યેક વ્યક્તિનું તાપમાન ઇન્ફ્રારેડ થર્મોમીટરથી માપવામાં આવે છે. આ ઉપરાંત ઓપીડીમાં પણ દર્દીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટિન્સિંગ રહે તેની પૂરતી તકેદારી રાખવામાં આવે છે. અમારા સ્ટાફમાંથી 10 લોકોના કોરોના ટેસ્ટ કરાયા હતા અને તમામ નેગેટિવ છે. જે નર્સને કોરોના થયો છે તેમને 15 વર્ષથી આર્થરાઇટિસની જે દવા ચાલતી હતી તેથી તેમની રોગપ્રતિકારક શક્તિ ઘટી ગઇ છે. તેમના સંપર્કમાં જેટલા પણ તેમને ક્વોરેન્ટાઇન કરાયા છે. ’
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.